તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં મરિન શિપ બિલ્ડિંગ પાર્ક માટે સાગરમાલા તળે નાણાં અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ભાવનગર જિલ્લાનો 152 કિ.મી. લાંબો દરિયા કિનારો અનેક ઉદ્યોગો માટે આદર્શ ગણવામાં આવે છે. અલંગ-સોસિયાના 11 કિ.મી. દરિયાઇ પટ્ટીમાં શિપબ્રેકિંગ વ્યવસાય વકસ્યો છે. મીઠી વીરડીના દરિયાકાંઠે અણુવીજ મથકની પણ વિચારણાઓ ચાલી રહી છે. ભાવનગરમાં મરિન શિપ બિલ્ડિંગ પાર્કની અગાઉ જે યોજના હતી તેના પુન: કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સાગરમાલા પ્રોજેક્ટ તળે નાણા ફાળવવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ અગાઉ અલંગ-સોસિયાથી ભાવનગર આવી શકાય તેના માટેનો સુવિધાસભર વૈકલ્પિક રસ્તો બનાવવાની પણ કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટ્રી દ્વારા ઘોષણા કરવામાં આવી છે, અને સાગરમાલા પ્રોજેક્ટ તળે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ માટેના કેપિટલ ડ્રેજીંગના નાણા પણ ફાળવવામાં
આવ્યા છે.

ભાવનગરના જૂના બંદરથી નવા બંદર વચ્ચેની ખાડીના કાંઠે આવેલી સરકારી પડતર જમીન પર આ અગાઉ વાયબ્રન્ટ ગુજરાતમાં મરિન શિપ બિલ્ડિંગ પાર્કના 7 પ્લોટ બનાવવાની ઘોષણા પણ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને મહેસુલ વિભાગ વચ્ચે જમીનના ભાવ બાબતે લાંબા સમયથી કોઇ નક્કર કાર્યવાહી નહીં થતા 2 કંપનીઓએ પ્રારંભિક તબક્કામાં રસ દાખવ્યો હતો તે પણ ખસી ગઇ હતી.

તાજેતરમાં નવી દિલ્હી ખાતે શિપિંગ મંત્રાલયમાં મળી ગયેલી બેઠકમાં ભાવનગરમાં મરિન શિપ બિલ્ડિંગ પાર્ક બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ થઇ હતી, અને તેના માટેના જરૂરી નાણા સાગરમાલા પ્રોજેક્ટ તળે ફાળવવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.

શિપ બિલ્ડિંગ માટે ભાવનગર શા માટે ?
ભાવનગરના નવા બંદરથી જૂના બંદરની ક્રીકના કાંઠે શિપ બિલ્ડિંગ વ્યવસાય આસાનીથી સ્થાપી શકાય તેમ છે. જીએમબી દ્વારા આ અંગે અગાઉ દરખાસ્તો પણ કરવામાં આવી હતી. જહાજનું નિર્માણ કાર્ય થઇ ગયા બાદ દરિયાઇ ચેનલમાં તેને ટોઇંગ કરીને ઉતારવામાં આસાની રહે છે. ઉપરાંત અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાંથી પણ નવા જહાજના નિર્માણ માટેના જરૂરી સ્પેર પાર્ટ્સ આસાનીથી મળી રહે, અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ અહીંથી મળી રહેતી હોવાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ પરવડે તેમ હોય છે.
અન્ય સમાચારો પણ છે...