કાયદા કડક થયા, છતાં બુટલેગરો છટકી જાય છે !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અમલ વધુ કડક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક કાયદા અમલમાં લાવવામાં આવ્યા છે. વારંવાર દારૂ સંબંધિત ગુના આચરનાર માટે વધુ કડક કાયદા અમલી બન્યા છે. પરંતુ તપાસ અધિકારીઓ સાથેની મીલીભગતથી બુટલેગરો કડક કાયદાની જાળમાંથી પણ છટકી જાય છે.

બુટલેગરો પાસેથી દારૂ મળે તેવા કિસ્સામાં હવે નીચી કોર્ટમાં જામીન અપાતા નહીં હોવાથી સેશન્સ કોર્ટમાં જામીન અરજીઓ આવી રહી છે. સેશન્સ કોર્ટમાં જામીન અરજીઓમાં પોલીસ અધિકારી એફિડેવિટ કરે તો તેમાં આરોપીના બીજા ગુના સહિતની પુરતી વિગતો દર્શાવવામાં પુરતી કાળજી લેવામાં આવતી નહીં હોવાથી બુટલેગરોને તેનો લાભ મળી જાય છે.

નવા કાયદાઓ મુજબ બુટલેગર એકથી વધુ વખત પકડાય અને તપાસનીસ પોલીસ અધિકારી દ્વારા યોગ્ય રીતે એફિડેવિટ રજૂ કરવામાં આવે તો બુટલેગર આરોપીને કોર્ટમાંથી જામીન મેળવવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે. બુટલેગરો અને દારૂના અનેક કિસ્સામાં સેશન્સ કોર્ટ દ્વારા પણ જામીન નામંજૂર કરવામાં આવતા આરોપીએ હવે હાઇકોર્ટ સુધી જવું પડે છે.

વકીલો નિ:સહાય બને છે
સરકારી વકીલોએ બુટલેગરોની સામે જામીન અરજીઓ નામંજૂર કરાવવા દલીલ કરવાની હોય છે. પરંતુ પ્રોહિબિશન સહિતની જામીન અરજીની સુનાવણી જ્યારે કોર્ટમાં થાય છે ત્યારે પોલીસ અધિકારી તપાસના કાગળો સાથે એફિડેવિટ કરવા સેશન્સ કોર્ટમાં હાજર રહે છે. જો કે ઘણી વખત એફિડેવિટમાં અગાઉ બુટલેગરની વિરૂધ્ધમાં કેટલા ગુના નોંધાયા હતા, અને અન્ય ક્યા ક્યા ગુના છે તેની વિગતો સામેલ કરાતી નથી. તેથી સચોટ રજૂઆતો કરવામાં તકલીફ નડે છે.

જામીન અરજી વખતે એફિડેવિટ અગત્યની હોય છે
બુટલેગરોના કેસમાં મોટાભાગે આરોપી જામીન અરજી કરે ત્યારે ચાર્જશીટ થઇ હોતી નથી. તેથી કેસની તમામ વિગતો એક સાથે એફિડેવિટ સ્વરૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવે તો સરળતાથી કેસની ગંભીરતા અને ધ્યાન દોરાય છે. તેથી ચાર્જશીટ પહેલાની તમામ જામીન અરજીઓમાં પોલીસ અધિકારી એડડિેવિટ રજૂ કરતા હોય છે. તેમાં આરોપીની સામે ક્યા મહત્વના પૂરાવા છે, તપાસ ક્યા તબક્કામાં છે, તેની સામે બીજા ગુના છે કે નહીં, સહિતના મુદ્દા રજૂ કરવામાં આવતા હોય છે. તેથી આ એફિડેવિટ જામીનના સંદર્ભમાં અતિ મહત્વની હોય છે.

ઘણા કિસ્સામાં પોલીસ ગેરમાર્ગે દોરે છે
બુટલેગરો અંગેના કેસમાં કેટલીકવાર આરોપી સાથે મીલીભગતમાં તપાસ કરનાર અધિકારી એફિડેવિટમાં  આરોપીના અગાઉના ગુના જાણતા હોવા છતા તે અંગે નીલ રીપોર્ટ રજૂ કરે છે, જેનો લાભ આરોપીઓને મળતો હોય છે. આવા કેટલાક કિસ્સામાં કોર્ટે પોલીસ સામે લાલઆંખ કરી હતી.
શું સજા છે ?
પ્રોહીબિશન એક્ટ, કલમ 85 મુજબ દારૂ રાખવો, હેરફેર કરવી, વેચવા માટે બુટલેગરોને નવી જોગવાઇ મુજબ આવી સજા થઇ શકે છે.
પ્રથમ વખત પકડાય તો:- બે વર્ષની કેદ અને એક લાખનો દંડ
બીજી વખત પકડાય તો:- 3 વર્ષની કેદ અને બે લાખનો દંડ.
ત્રીજી વખત પકડાય તો:- 5 વર્ષની કેદ અને પાંચ લાખનો દંડ.
આજ રીતે પ્રોહિબિશન એક્ટની બીજી કલમોમાં પણ એકથી વધુ વખત પકડાનારને વધુ સજા-દંડની જોગવાઇ કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...