તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલની મંજૂર થયેલી 200 કરોડની ગ્રાન્ટ એળે જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: સરકાર તો આપે છે, સરકારને આપવું છે, પણ ભ્રષ્ટાચારના ભજીયાં તળવામાં મશગૂલ એવું ભાવનગર સર ટી હોસ્પિટલનું વહીવટી તંત્ર આ લાભ મેળવવામાં પણ ઊણું ઉતરી રહ્યું છે. સીન એવો છે કે હવે જનતા પોતે જ તંત્રને ઢંઢોળીને બેઠું કરે તો જ કલ્યાણ થાય એમ છે. જો એમ નહીં થાય તો પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત ભાવનગર સર ટી. હોસ્પિટલને ફાળવાયેલી 200 કરોડ રૂપિયાની સહાય પાછી ચાલી જાય અથવા યોગ્ય પ્રકારનો લાભ ન મળે તે રીતે ભ્રષ્ટાચારીઓને ખિસ્સે વેડફાઇ જાય તેવી સંભાવના છે.

આરોગ્ય સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત હોસ્પિટલના ડેવલપમેન્ટ અને સુપર સ્પેશ્યાલીટી ઊભી કરવા અર્થે વર્ષ 2017/18 માટે સરકારે સુરત અને ભાવનગરની પસંદગી કરી છે અને તે માટે રૂ. 200 કરોડની રકમ ફાળવવામાં આવી છે. પરંતુ હાલમાં હોસ્પિટલની વિવિધ જમીનોની જે દબાણગ્રસ્ત સ્થિતિ છે અને તે અંગેની કાયદાકીય લડતો માટે પણ હોસ્પિટલ તંત્ર જે ઢીલ દાખવી રહ્યું છે તે જોતાં સહાયની આ રકમ વેડફાઇ જવાની પૂરતી સંભાવના છે. અલબત્ત હોસ્પિટલના સત્તા  સ્થાનેથી કહેવાયુ કે દબાણખોરોમાં રઘુવીર દિલીપસિંહ ઝાલા, સિદ્ધરાજ દિલીપસિંહ અને રઘુવીર સહદેવસિંહ ઝાલા તેમના મળતિયાઓનો સમાવેશ થાય છે.

દબાણોને કારણે કામ અટકી ગયા છે 
માસ્ટર પ્લાન સહિત હોસ્પિટલના અનેક કામો આ જમીન પર થયેલા દબાણોના કારણે અટકી ગયાં છે તે વાત સાચી છે. આ દબાણો હટાવવા માટે કાયદાકીય રીતે જે કંઇ થઇ શકે તે પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. આ અંગે સરકાર અને ન્યાયતંત્ર તરફથી અમને કેટલાક હકારાત્મક સંકેતો મળી રહ્યા છે. > ડો. વિકાસ સિન્હા, સુપ્રિન્ટેન્ડેન્ટ, સર ટી. હોસ્પિટલ, ભાવનગર

દબાણોમાં તંત્રનો હાથ
સર ટી હોસ્પિટલનાની વિવિધ જમીનોમાં થયેલી પેશકદમી સામે કાયદાનું શસ્ત્ર ઉઠાવવામાં હોસ્પિટલનું વહિવટી તંત્ર કંઇ કરતું નથી અને કરે છે તે માત્ર દેખાવ પૂરતું કરે છે એ બાબત બતાવે છે કે હોસ્પિટલ તંત્રના કેટલાક અધિકારીને દબાણો યથાવત રહે  તેમાં રસ છે. એક વત્તા એક બારાબર બે જેવી સીધી ને સરળ બાબતને હોસ્પિટલ તંત્ર હાથે કરીને ગૂંચવી રહ્યું છે. દર્દીઓ ઉપર ખોટી ધાક જમાવી રહેલું તંત્ર એવી બહાનાબાજી ઉપર પણ ઉતરી રહ્યું છે કે અમને દબાણખોરોનો ત્રાસ છે.

સરકારનો પણ સપોર્ટ છે, કામ તો થશે જ
પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત જે સહાય મળી છે તેમાં લેપ્રસી હોસ્પિટલવાળી જગ્યા સહિતની જમીન પરના દબાણો વગેરે નડે છે. પરંતુ આ ગ્રાન્ટનો સદુપયોગ થશે જ. આ માટેનું પ્લાનીંગ થઇ ચૂક્યું છે. સમગ્ર પ્રક્રિયામાં સરકારનો પૂરતો સપોર્ટ છે. જનતાના આરોગ્ય માટે અમારાથી જે કંઇ થાય તે પ્રયત્નો કરીશું. > સી.બી.ત્રિપાઠી, ડીન, મેડીકલ કોલેજ, ભાવનગર

રાજકારણીઓની મેલી દાનત પણ જવાબદાર
લોકોના પ્રશ્નો સાંભળતા હોવાનો અને તેના નાના-મોટા ઉકેલો લાવતા હોવાનો દેખાવ કરીને સામાન્ય જનતાને ભ્રામક લોકપ્રિયતા મેળવનારા નેતા/નેત્રીઓ માત્ર ફોટા પડાવીને સંતોષ્ માને છે. હોસ્પિટલના કહેવાતા પ્રહરીઓ આ મુદ્દે કોઇ જ ધ્યાન આપ્યું નથી. કહેવાય છે કે દબાણખોરોએ ભારે ભારે ધમકીઓ આપીને પીઆઇયુ અને હોસ્પિટલના અધિકારીઓને એવા દબાવી દીધેલા છે કે કોઇની કંઇ બોલવાની હિમ્મત નથી. આ જ દબાણ કેટલાક રાજકારણીઓ ઉપર પણ છે અને કેટલાક રાજકારણીઓ આમાં દબાણખોરો સાથે પણ ભળેલા છે.
અન્ય સમાચારો પણ છે...