તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોહિલવાડના આ બે ખેડૂતોએ માત્ર સરગવાની ખેતી કરી, એક જ વર્ષમાં કમાયા 15 લાખ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ખેડૂતો પ્રયોગશીલ અને સાહસિક ન હોવાને કારણે બે પાંદડે થતા નથી તેવું ભલે કહેવાતું હોય પરંતુ લાખણકા (ડેમ) ગામના લશ્કરભાઇ ડાંખરાએ મહેણું ભાંગીને 20 વીઘા જમીનમાં નવીન પ્રકારની સરગવાની ખેતી કરતા 1 વર્ષમાં રૂા.15લાખ જેટલું વળતર મેળવ્યુ છે અને સમગ્ર ગોહિલવાડ પંથકને સરગવાની ખેતી કરવા દોરવણી આપી છે.કપાસ, મગફળી, બાજરી, ડુંગળી સહિતના રૂઢિગત પાકને બદલે તેમણે પોતાની જમીનમાં નવું સાહસ કર્યું હતું.
વાવેતર 10 ફૂટ બાય 10 ફૂટના અંતરે કરવું જોઇએ
એક વર્ષ પૂર્વે સરગવાની ખેતી વિષે ભાવનગર જિલ્લામાં ભાગ્યે જ કોઇ જાણતું હતું. ઘોઘા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત લશ્કરભાઇએ વાતચીતમાં જણાવ્યુ કે, તેના બિયારણમાં ઓડીસી જાત સારી આવે છે. જે આંધ્રપ્રદેશમાંથી આવે છે. વાવેતર 10 ફૂટ બાય 10 ફૂટના અંતરે કરવું જોઇએ. તેમાં રાસાયણિક ખાતરની પણ જરૂર પડતી નથી. વાવણી પછી 6 મહિનામાં ફાલ આવવાનું શરૂ થઇ જાય છે. તેનું વેચાણ ભાવનગર માર્કેટીંગ યાર્ડ ઉપરાંત ખંભાત, વડોદરા, પાદરા ખાતે પણ કરી શકાય છે.
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ઉપજ આપતો પાક ગણાય છે
દવાઓમાં સરગવો (મોરીંગો)નો ઉપયોગ વધ્યો હોવાથી તે આજના સમયે ખેતીવાડીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ઉપજ આપતો પાક ગણાય છે. 80 થી 100 જાતની બીમારીઓમાં તે અકસીર છે. 7567401128 મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવાથી ખેડૂતોને વિનામૂલ્યે માર્ગદર્શન પણ આપવામાં આવશે. પિયતમાં ડ્રીપ હોય અને ઓછું પાણી હોય તો પણ આ ખેતી કરી શકાય છે.

વાળુકડના ખેડૂતે કાળીજીરીનો સફળ પાક લીધો
વાળુકડ (જીજી) ગામના ખેડૂત ખીમજીભાઇ વળિયાએ કાળીજીરીનું વાવેતર કરીને નવો પ્રયોગ કર્યો છે, તો તેમાં પણ તેમને સફળતા સાંપડી છે. તેમણે 5 એકરમાં લાખો રૂપિયા મેળવ્યા છે. કાળીજીરી તાવ, ગરમીના રોગો, કૃમિ, દાહ, મધુપ્રમેહ વગેરે બીમારીઓમાં ઉપયોગી છે. 600 થી 700 કિલોનું ઉત્પાદન મેળવીને ખીમજીભાઇએ પણ ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. તેનો છોડ મરચીના છોડ જેવો દેખાય છે. 80 થી 90 સેન્ટીમીટર જેટલી ઊંચાઇ હોય છે. કાળીજીરીના બીજ 90થી 100 દિવસે પરિપક્વ થતા જણાય તો સુકવણી બાદ પ્રેશર મશીન વડે જુદા પાડી શકાય છે તેમ મુલાકાતમાં જણાવ્યું છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...