તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરી અષાઢમાં માત્ર ઝાપટા વરસાદથી ધરતીપુત્રો ચિંતિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા: મહુવા શહેર અને તાલુકામાં ચોમાસાની ઋતુમાં શરૂઆતથી અત્યાર સુધીમાં સરાવણી સરવડા માફક ઝરમર ઝાપટાથી વરસાદ પડી રહ્યો હોય ખેડુતોનો જીવ અધ્ધરતાલ થવા પામેલ છે.

ચોમાસાના જેઠ અને અષાઢ માસના ધોરી મહિનાઓ કોરાધાકોડ જતા ખેડુતો મુંજવણમાં મુકાયા છે. ચોમાસાની શરૂઆતમાં જ પાણમેહ થતા વાવણી થઇ ચુકી છે. પરંતુ વરસાદ ન પડતા મૌલાત સુકાઇ રહી છે. વાવણી થયા બાદ મોલાતનો વિકાસ થયો ન હોય નિંદામણ દુર કરવા ખેતમજુરોને મજુરી પણ શરૂ થઇ નથી. સમગ્ર પંથકમાં બેકારીનો માહોલ ઉભો થવા પામેલ છે. મહુવા તાલુકાના વાંગર, બિલડી, નાના જાદરા, નાના-મોટા પીપળવા, દુઘેરી, ડોળીયા, કળસાર, નૈપ, કોટડા, વાઘનગર, માળવાવ, દાઠા પંથકમાં જો બે-ત્રણ દિવસમાં સારો વરસાદ નહી પડે તો પાક નિષ્ફળ જવાની દહેશત ઉભી થવા પામી છે.

મહુવા તાલુકાના ઓથા-બગદાણા પંથકના ધરાઇ, બોલા, ગુંદરણા, ઓથા, બગદાણા, ખડસલીયા, આંગણકા, સમઢીયાળા વિસ્તારમાં ગત અઠવાડીએ બે-ત્રણ વખત સારો વરસાદ વરસી ગયો હોય આ વિસ્તારની મોલાત હિલોળા લઇ રહી છે. ઓથા-બગદાણા પંથક સિવાયના તાલુકાના મોટાભાગના ગામોમાં જો સારો વરસાદ નહી પડે તો બે વર્ષના ડુંગળીના ભાવના માર ખાધા બાદ ખેડુતોને પડયા ઉપર પાટું જેવો ઘાટ ઘડાશે.
અન્ય સમાચારો પણ છે...