શિક્ષણની અધોગતિ: 365 દિવસોમાં ભણતરના માત્ર 172 દિવસ !!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માધ્યમિક શિક્ષણમાં સેમેસ્ટર પદ્ધતિ આવી પાઠ્ય પુસ્તકો દળદાર થયા પણ અભ્યાસના દિવસો ઘટ્યા
- ગુજરાતમાં માધ્યમિક શિક્ષણમાં કુલ 240 દિવસના શિક્ષણમાં સવા બે માસ તો પરીક્ષાના દિવસોના !
ભાવનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2015-16ના શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર કરાયું છે જેમાં વર્ષના 365 પૈકી 242 દિવસનું શિક્ષણ કાર્ય છે તેમાં જુદી જુદી પરીક્ષાના જ કુલ મળીને 70 જેટલા દિવસો હોય છે જેમાં મોટા ભાગની શાળાઓમાં શિક્ષણ કાર્ય થતું નથી અને થાય તો પણ શિક્ષકો પૂરતા હોતા નથી એટલે કુલ 70 દિવસો બાદ કરો તો માત્ર 172 દિવસો એટલે કે વર્ષમાં માત્ર પોણા છ માસ જ ભણવાના રહે છે. !! આ સમયગાળામાં બે સેમેસ્ટરનું ભણી લેવાનું હોય છે.
જે વાર્ષિક કેલેન્ડર જાહેર કરાયું છે તે મુજબ પ્રથમ સત્રમાં પરીક્ષાના 18થી 21 દિવસ શાળાઓમાં થાય છે તો બીજા સત્રમાં 50 જેટલા દિવસો પરીક્ષા માટેના હોય છે. જેમાં પ્રથમ સત્રમાં પૂરક પરીક્ષા જે લેવાઇ ગઇ અને હવે પ્રથમ કસોટી અને સાયન્સની 1 અને 3 સેમેસ્ટરની પરીક્ષા હોય છે. જ્યારે બીજા સેમસ્ટરમાં તો પ્રખરતા શોધ કસોટી, પ્રિલિમ, બોર્ડની ફરજિયાત અને મરજિયાત વિષયની પરીક્ષા, સાયન્સની સેમેસ્ટરની પરીક્ષા, શાળાકીય પરીક્ષા વિ.નો સમાવેશ થાય છે. હવે સેમેસ્ટર પદ્ધતિ અમલમાં આવી ગઇ છે પાઠ્ય પુસ્તકો વધુ દળદાર થયા છે, કોર્સમાં પ્રાયોગિક અને તાલીમી તેમજ પ્રેક્ટિકલ શિક્ષણ વધ્યું છે ત્યારે અભ્યાસ માટે એક આખા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીને પૂરા છ માસ પણ મળતા નથી ત્યારે શિક્ષણની ગુણવત્તા કેમ વધે તે પ્રશ્ન મુખ્ય છે.
બે વેકેશનના 56 દિવસ

આ વર્ષે શાળાઓમાં દિવાળી વેકેશન તા.9 નવેમ્બર,2015થી તા.29 નવેમ્બર, 2015 સુધી 21 દિવસનું રહેશે જ્યારે ઉનાળુ વેકેશન તા.2 મે,2016થી તા.5 જૂન,2016 સુધી 35 દિવસનું રહેશે. આમ બે વેકેશનના કુલ 56 દિવસો રહેશે. આ ઉપરાંત જાહેર રજાના 22 દિવસ રહેશે તેમજ સ્થાનિક આકસ્મિક રજાના 2 દિવસ મળી વેકેશન, જાહરે રજા વિ. મળી કુલ 80 રજા થશે અને તેમાં વધારો થવો જોઇએ નહીં તેવી સૂચના આપવામાં આવી છે.
શું કામ અભ્યાસના દિવસો ઘટ્યા
બોર્ડ દ્વારા ધો.10થી ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જુદી જુદી રીતે પરીક્ષા લેવાતી થઇ, સેમેસ્ટર પદ્ધતિ આવી એટલે પરીક્ષાઓ વધી ગઇ ધો.11માં સાયન્સમાં બોર્ડ દ્વારા પરીક્ષા લેવાતી થઇ વિ. કારણોસર ભણવાના દિવસો ઓછા થયા અને પરીક્ષાના દિવસો વધી ગયા.તેની સીધી અસર શિક્ષણની ગુણછત્તા પર પડે છે. > જિતેન્દ્રસિંહ વાળા, પ્રમુખ, જિલ્લા માધ્યમિક આચાર્ય સંઘ
આ બધુ ઓછુ હોય તેમ વિવિધ ઉજવણીઓ તો નડે જ

માધ્યમિક શાળાઓમાં માંડ પોણા છ માસ આખા વર્ષમાં ભણવાના મળે છે તે પણ જાણે વધુ હોય તેમ વિવિધ કાર્યક્રમોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને જોડવામાં આવે છે અને વિવિધ ઉજવણીઓ થાય છે તેમજ પ્રવેશોત્સવ, ગુણોત્સવ વિ.માં પણ ભણવાના દિવસો બરબાદ થાય છે.
જુદી જુદી પરીક્ષાઓનો કાર્યક્રમો

- ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા તા.8 જુલાઇ,2015
- ધો.9,10 તથા ધો.11-12ની પ્રથમ કસોટી તા.5 ”ક્ટોબર,2015
- પ્રાયોગિક પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ, સેમે 1- 3ની પરીક્ષા 15 ઓક્ટોબર,2015
- બોર્ડની પરીક્ષા ધો.11-12 વિ.પ્ર. સેમ.1-3નો આરંભ તા.2 નવેમ્બર,2015
- ધો.10 પ્રિલિમ, ધો.12 સા.પ્ર.પ્રિલિમ, ધો.11 દ્વિતીય કસોટી તા.1 ફેબ્રુઆરી,16
- પ્રખરતા શોધ કસોટી તા.11 ફેબ્રુઆરી, 2016
- ધો.10-12 તમામ પ્રવાહ બોર્ડની શાળા કક્ષાની પરીક્ષા તા.17 ફેબ્રુ.16
- પ્રેક્ટિકલ સાયન્સ સેમ.2 અને સેમ.4 તા.25 ફેબ્રુઆરી, 2016
- ધો.10 અને ધો.12 તમામની બોર્ડ પરીક્ષા તા.8 માર્ચ,2016
- બોર્ડ પરીક્ષા ધો.11 સાયન્સ સેમ.2 તા.28 માર્ચ,2016
- શાળાકીય વાર્ષિક પરીક્ષા ધો.9 ધો.11 તા.4 એપ્રિલ,2016
અન્ય સમાચારો પણ છે...