અલંગમાં ભંગાવા આવતા જહાજો માટે ડીઝલ આયાતના કાયદા હળવા થયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડૂબતાને તણખલુ | કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું
- વર્ષોથી પેન્ડિંગ ઇસ્યુનો નિકાલ થતા શિપબ્રેકિંગ ઉદ્યોગને રાહત

ભાવનગર : વિશ્વના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ અલંગમાં પ્રતિ વર્ષ સંખ્યાબંધ જહાજો ભાંગવામાં માટે આવી રહ્યા છે, તેમાં કસ્ટમ્સ દ્વારા જહાજની આયાતની સાથે ડીઝલ લાવી શકાય નહીં તેવા કારણો આગળ ધરી અને મોટી રકમની પેનલ્ટી વસુલ કરવામાં આવતી હતી. કેન્દ્ર સરકારના વ્યાપાર અને ઉદ્યોગોના મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જાહેર કરી ભાંગવા માટે આવતા શિપની સાથે રહેલા ઇંધણને આયાત ગણી શકાય નહીં તેવા આદેશ આપ્યા છે.

ઘણા વર્ષોથી પડતર પ્રશ્ન અંગે શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) દ્વારા કેન્દ્રીય મંત્રાલયમાં તથ્યો સાથે રજૂઆતો કરવામાં આવી હતી કે, ડીઝલ એ શિપનું ચાલક બળ છે, અમે લોકો શિપની આયાત કરીએ છીએ, ઇંધણની નહીં. અનેક વિવાદો બાદ કેન્દ્રીય વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયે નોટિફિકેશ રજૂ કરી અને હાડમારીનો અંત લાવી દીધો છે.

જહાજમાં ઇંધણ તેના ચાલક દ્રવ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેનું ખોટી રીતે અર્થઘટન કરી અને શિપબ્રેકરોને મનફાવે તે રીતે પેનલ્ટી કસ્ટમ્સ વિભાગ દ્વારા થોપી બેસાડવામાં આવતી હતી. ઉપરાંત જે વસ્તુ કાયદેસર છે, તેની પેનલ્ટી ભરીને શિપબ્રેકરોને આડકતરી રીતે ચોર સાબીત કરવામાં આવી રહ્યા હતા, પરંતુ કેન્દ્રીય મંત્રાલય દ્વારા તમામ પાસાનો અભ્યાસ કરી ઉદ્યોગને રાહત આપી છે.
ક્યા કારણોથી પેનલ્ટી ફટકારાતી હતી ?
અલંગમાં ભંગાવા માટે જે જહાજ આવતા તે છેલ્લા બંદર પરથી વધારે ઇંધણ ભરાવતા. આખાતના દેશોમાં ડીઝલ સાવ પાણીના ભાવે મળતુ હોવાથી તેનો ભારતમાં સ્પેર ઇંધણ તરીકે લાવી વેપલો કરવામાં આવતો હોવાનું તપાસમાં ખુલ્યુ હતુ, અને બાદમાં જહાજના તમામ ઇંધણ પર કસ્ટમ્સ દ્વારા પેનલ્ટી ફટકારવામાં આવતી હતી.
શો-કોઝ નોટિસો, પેનલ્ટી બંધ થશે, ધંધામાં ધ્યાન અપાશે
શો-કોઝ નોટિસો, પેનલ્ટી શિપના ઇંધણ પર ફટકારાતી હતી, હવે તે બંધ કરવા અંગેનું જાહેરનામું કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે, અમે લોકો હવે ધંધામાં ધ્યાન આપી શકીશુ. - હરેશ પરમાર, જો.સેક્રેટરી, શિપબ્રેકિંગ એસો.
જો હુકમીનો અંત
શિપની સાથે આવતા ઇંધણ પર કસ્ટમ્સ કમિશનર દ્વારા કોઇ ધારા-ધોરણ વિના મનફાવે તેવી પેનલ્ટીઓ વસુલ કરવામાં આવતી હતી, આવી તમામ જો હુકમીનો અંત કેન્દ્રના નોટિફિકેશને લાવી દીધો છે.
અન્ય સમાચારો પણ છે...