ભાવનગર: ઉના તાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દલિત સમાજનાં યુવાનો પર થયેલા હુમલાનો વિરોધ ભાવનગર શહેર-જિલ્લામાં ગઈકાલથી જ ભભૂક્યો છે. જેમાં બુધવારે ભાવનગર બંધનું એલાન દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. દરમ્યાન કેટલાક લોકોનાં ટોળા શહેરની મુખ્ય બજાર, હલુરીયા ચોક, પીરછલ્લાં શેરીમાં નીકળ્યા હતા અને ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી. તો કેટલીક જગ્યાએ તોડફોડ કરી માલ-મિલ્કતને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસ સાથે હતી પરંતુ માત્ર મુક પ્રેક્ષક બની તમાશો જોતી હતી.
દલિતોએ વિરોધ વ્યક્ત કરી ભાવનગર કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
બપોર પછી શહેર કોંગ્રેસ અનુ.જાતિ. વિભાગ ભાવનગર જિલ્લો, જિલ્લા કોંગ્રેસ અનુ.જાતિ વિભાગ ભાવનગર જિલ્લા અને ગુ.પ્ર.કોંગ્રેસ એસ.સી. વિભાગ ગુ.પા.અમદાવાદ અને ભાવનગરનાં જુદા-જુદા દલિત સંસ્થાઓ, માજી ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ વગેરે દ્વારા ઉનામાં બનેલી ઘટનાને વખોડી તેનો વિરોધ વ્યક્ત કરી ભાવનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાવનગર જિલ્લાના સિહોરમાં પણ દલિત સમાજે એકઠા થઇ વિશાળ રેલી કાઢી મેઇન બજાર સહિતની તમામ દુકાનો બંધ કરાવી હતી. રેલી હાઇવે થઇ મામલતદાર કચેરીએ ધસી ગઇ હતી.
સિહોર પોલીસે રેલીમાં સામેલ દલિતોની અટક કરી
સિહોર મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. સિહોર પોલીસે રેલીમાં સામેલ દલિતોની અટક કરી અને થોડા સમય બાદ મુક્ત કરાવામાં આવેલ. મોડી સાંજે દલિતોનો મોટો સમૂહ એકઠો થઇ મમલતદાર કચેરીએ પહોંચ્યો હતો. વલભીપુરમાં પણ મામલતદાર કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક મામલતદાર જે.સી. સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મીટિંગમાં ભાજપ-કોંગ્રેસ અને દલિત સમાજના અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને શાંતિ રાખવાની ખાતરી આપી હતી અને જનજીવન રાબેતા મુજબ રહ્યું હતું.
આગળની સ્લાઇડમાં વાંચો, ઉમરાળામાં દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવેલ અને સૂત્રોચ્ચાર....
(જુઓ વધુ તસવીરો આગળની સ્લાઇડમાં)