ભાવનગર શહેરમાં ક્રિકેટના ઉગતા ખેલાડીઓ MKB યુનિવર્સિટી દ્વારા જ ક્લિન બોલ્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: શાળા કક્ષાએ હિલશીલ્ડ, સુરેન્દ્ર રશ્મી જેવી ક્રિકેટ ટુર્નામેન્ટો ઉપરાંત ક્રિકેટ એકેડેમી-સંસ્કાર મંડળ, ભરૂચા ગ્રાઉન્ડ ક્રિકેટ કલબ જેવી પ્રેક્ટીસ કલબ ઉગતા ક્રિકેટરોને મળી રહ્યાં છે, પરંતુ સ્કૂલમાંથી નીકળ્યા બાદ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યા બાદ જાણે ખેલાડીઓ યુનિ. દ્વારા જ ક્લિન બોલ્ડ થતા હોય તેમ કોચ, પ્રેક્ટીસ, ઈન્ટર કોલેજ ટુર્નામેન્ટ વગેરેના અભાવે તેમનું ભાવિ ડામાડોળ થઈ જાય છે. 6 ક્રિકેટ પીચ તૈયાર છે અને નવી 3 બની રહી છે ત્યારે હવેથી આ રમતનો સૂર્ય ઊગે તે ભાવનગરના ક્રિકેટ વિકાસ માટે જરૂરી છે.

ગ્રાઉન્ડમેન ભૂપતસિંહ વાળાને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, જેમ પહેલા યુઆઈસીસી ક્રિકેટ કલબ હતી તે ફરી જીવંત થાય તો શહેરના શ્રેષ્ઠીઓ, દાતાઓ દ્વારા પણ ક્રિકેટ પ્રવૃત્તિ ધમધમતી રાખી શકાય તેમ છે. ઉપરાંત હવે કૃષ્ણકુમારસિંહજીના નામે પણ ગ્રાઉન્ડ ખાતે નવી એકેડેમી સ્થાપીને િનયમિત પ્રેક્ટીસ શરૂ કરી શકાય તેમ છે. ભાવનગર પોલિસ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ભરત ચાવડાએ કહ્યું કે, અન્ડર-16 સુધી બાળ ખેલાડીઓ માટે પૂરતી તક હાલ મળી રહી છે. પરંતુ ત્યારબાદ ખેલાડીઓનો વિકાસ રૂંધાય જાય તો રણજી ટ્રોફી જેવી ટૂર્નામેન્ટ સુધી પહોંચવું પણ અઘરૂ થઈ જાય છે.

વર્ષોથી આંતર કોલેજ ટુર્નામેન્ટ રમાતી હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. એકમાત્ર ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ વખતે ભાવનગરની ટીમ બને છે અને તેમાં પણ સીધી ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવે છે. તેમાં પણ લાગતાવળગતાની પસંદગી, યોગ્યતાનો અભાવની કેટલીય ફરિયાદો ઉઠતી હોય છે. અન્ય શહેરોની સરખામણીએ ક્રિકેટરો પછાત ન રહી જાય તે માટે સુચારૂ આયોજન થાય તો ફાયદો મળે.

NIS કોચ મળી શકે તેમ છે...

ક્રિકેટરોના જણાવ્યાનુસાર, 2002-03 સુધી યુનિ.ગ્રાઉન્ડ ખાતે યુઆઈસીસી કલબના બેનર હેઠળ પ્રેક્ટીસ ચાલતી હતી. પરંતુ ત્યારબાદ રમત સદંતર ઠપ્પ થઈ ગઈ છે. જો માંગણી કરવામાં આવે તો ક્રિકેટની રમત માટે નિષ્ણાંત એનઆઈએસ કોચ પણ ફાળવી શકે તેમ છે. જેનાથી વેકેશન અને તે સિવાયના પણ સમયમાં સવાર-સાંજે પ્રેક્ટીસ કરાવી શકાય તેમ છે. જેના માટે પ્રેક્ટીસ વિકેટ પણ ઉપલબ્ધ છે. છેલ્લે કોચ તરીકે સંદિપ પંડયા અને સતીષ ધરાજીયા ઉગતા ક્રિકેટરોને અહીં પ્રેક્ટીસ કરાવતા હતા. તે નાથી ક્રિકેટરો આ મેદાન પરથી જ ડિસ્ટ્રીક્ટ લેવલની ટીમો સુધી પહોંચતા હતા.

સીધી વાત

વેદાંત પંડયા, રજિસ્ટ્રાર MKB યુનિ. 
- ક્રિકેટની રમતના વિકાસ માટે કાંઈ પગલા?
હા, અત્યારે અમે પ્રયત્નશીલ છીએ. ક્રિકેટ ગ્રાઉન્ડ અદ્યતન બની રહ્યું છે.
- તો હવે ક્રિકેટની પ્રેક્ટીસ, મેચો વધશે?
બોર્ડ ઓફ સ્પોર્ટ્સ તેના માટે હકારાત્મક વલણ ધરાવે છે. ઈન્ટર કોલેજ ટુર્નામેન્ટ માટે રસ લેશે.
- અન્ડર-16 પછીના ક્રિકેટરો માટે શું?
તેમના માટે જ આયોજન છે. ક્રિકેટ માટે રૂા.10 લાખ ફાળવ્યા છે. નવી ક્રિકેટ પીચ પણ તૈયાર થઈ જશે.
અન્ય સમાચારો પણ છે...