ભાવનગર: યાર્ડમાં ભાજપના વિખવાદથી વાઇસ ચેરમેન પદે ભીખાભાઇનો વિજય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યાર્ડના ચેરમેન ભાજપના છતા બહુમતી કોંગ્રેસની
- કોંગ્રેસમાંથી 1 મત ખેંચી ભાજપના સભ્ય ચેરમેન બનતા વાઇસ ચેરમેન માટે ભાજપમાંથી 1 સભ્ય છુટો પડ્યો
ભાવનગર: ભાવનગર માર્કેટીંગ યાર્ડ સહકારી ક્ષેત્ર નહી પરંતુ રાજકીય ક્ષેત્ર બની ગયું હોય તેમ કોંગ્રેસની બહુમતી છતા ચેરમેનની ચૂંટણીમાં ભાંગફોડ કરી ભાજપના ડિરેકટર વિજયી બન્યા હતા ત્યારે આજે વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ભીખાભાઇ જાજડીયા વિજેતા થયા હતા. જેથી ચેરમેન ભાજપના છતા સભ્યોની બહુમતી કોંગ્રેસની રહી છે.ભાવનગર ચિત્રા માર્કેટીંગ યાર્ડમાં કોંગ્રેસની બહુમતી છે જેમાં કોંગ્રેસના 8 અને ભાજપ વિચારધારાના 4 ડિરેકટરો છે. તાજેતરમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેનની ચૂંટણીમાં કોંગ્રેસના ડિરેકટરને પોતાના પક્ષમાં ખેંચવામાં ભાજપ સફળ થતા ભાજપના ડિરેકટર ભરતભાઇ ચેરમેન પદે વિજેતા થયા હતા.
ભાજપના 4 ઉપરાંત 3 સરકારી પ્રતિનિધિઓ અને એક કોંગ્રેસના ડિરેકટરનો મત મળતા ભાજપના સભ્ય ચેરમેન પદે વિજયી થયા હતા. આજે વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભીખાભાઇ જાજડીયા સામે કોંગ્રેસના બળવાખોર હરદેવસિંહ ગોહિલ ઉભા રહ્યા હતા. પરંતુ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ પાસે 8 સભ્યોના મત હતા તેમાંથી એક સભ્યએ ભીખાભાઇ જાજડીયાને મત આપતા ભીખાભાઇ જાજડીયાને 8 અને હરદેવસિંહ ગોહિલને 7 મત મળતા ભીખાભાઇ 1 મતે વાઇસ ચેરમેન પદે વિજેતા બન્યા હતા. જેથી ભાવનગર યાર્ડમાં ચેરમેન ભાજપના વાઇસ ચેરમેન કોંગ્રેસના અને કોંગ્રેસની બહુમતીને કારણે આગામી બેઠકો ભારે કપરી રહેશે.
ભાજપની શોધ, કોણ બળવાખોર

ભાવનગર માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઇ હતી. ભાજપ પાસે 3 સરકારી પ્રતિનિધિ અને 1 બળવાખોર સહિત 8 સભ્યો હતા અને કોંગ્રેસ પાસે 7 સભ્યો હતા છતા કોંગ્રેસના ભીખાભાઇ જાજડીયાને 8 મત મળતા ભાજપમાંથી 1 સભ્યએ ભીખાભાઇને મત આપ્યો. ગુપ્ત મતદાનને કારણે સભ્ય તે કોણ છે ? તેની ભાજપ શોધખોળ કરી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...