સ્વ નો નહીં ગરીબનો વિચાર કરતો ભાવનગરનો સફાઇ કર્મચારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરઃ ભાવનગરએ ભાવથી, દયાથી, સંવેદનાઓથી ભરેલુ શહેર છે, આ વાત વારંવાર અનેક સાહિત્યમાં, કથાઓમાં, ભાષણોમાં, પુસ્તકોમાં અનુભવેલુ છે, પરંતુ જ્યારે અેક ટોળામાં ઉપસ્થિત અનેક માણસોની વચ્ચે સામાન્ય સફાઇ કર્મચારી પોતાના રક્ષણનું વસ્ત્ર પણ ગરીબ બાળકને અર્પણ કરી દે છે ત્યારે ખરેખર માનવતાની મહેંકથી ભાવનગર દીપી ઉઠે છે.શિયાળાની કડકકડતી ઠંડીમાં શહેરના મુખ્ય વિસ્તાર હાઇકોર્ટ રોડ પર મોડી રાત્રે એક દુકાનના પાટીયા પર 11 વર્ષનો કરણ ચૌહાણ નામનો બાળક ઠંડીથી ઠુંઠવાઇ અને સુવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તેના પેટમાં અન્નનો દાણો પણ ન હતો તેથી નિંદ્રા અને બાળકની વચ્ચે અસહ્ય ભૂખ અભેદ દિવાલ બનીને પડખા ફેરવવા મજબૂર કરી રહી હતી.


આવા સમયમાં ત્યાંથી પસાર થઇ રહેલા બે-ત્રણ યુવાનોએ આ બાળકની વ્યથા જાણવાની કોશીશ કરી, જાણ્યુ કે આ બાળકે બપોરથી કશુ ખાધુ નથી. તુરત જ ચા-નાસ્તાનો પ્રબંધ કરવામાં આવ્યો. બાળકના પેટનો ખાડો એક ટંક પુરતો તો પુરાઇ ગયો. હવે તે સુવાની કોશીશ કરી રહ્યો હતો. પરંતુ ઠંડીથી રક્ષણ મેળવવા તેની પાસે કોઇ વસ્ત્ર ન હતુ.રાત્રિ સફાઇમાં ફરજ બજાવી રહેલા ભાવનગર મહાનગરપાલિકાના કર્મી વિજય કનુભાઇ ચૌહાણની નજર ટોળા પર પડી. કુતુહુલથી પુછ્યુ શું થયું. પરિસ્થિતિનો તાગ તરત જ તેને આવી ગયો, અને રાત્રિ સફાઇની ફરજ દરમિયાન ઠંડીથી રક્ષણ મેળવવા પોતાના બદન પર ધારણ કરેલી કાશ્મીરી શાલ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કરણ ચૌહાણને ઓઢાડી દીધી.

 

ઉપસ્થિત લોકોએ પુછ્યુ, તારે આખી રાત સફાઇ કરવાની છે, ઠંડી લાગશે. પરંતુ માનવતાને વરેલા સફાઇ કર્મીએ ટોળાને કહ્યુ હું તો સહન કરી લઇશ, પરંતુ આ બાળકનું કોણ?, મારા કરતા આ શાલની વધારે આ બાળકને જરૂર છે. 

અન્ય સમાચારો પણ છે...