જૂનિયર વર્લ્ડકપમાં ભાવનગરનો હાર્વિક દેસાઇ ભારત વતી રમશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: ભાવનગરની ધરતી કલા અને સાહિત્ય ઉપરાંત સ્પોર્ટ્સ માટે પણ એટલીજ ખ્યાતનામ છે. ક્રિકેટ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલમાં અહીંના ખેલાડીઓ સમયાંતરે ભાવનગરનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ગુંજતુ રાખે છે. જાન્યુઆરી-2018માં ન્યૂઝીલેન્ડમાં રમાનાર આઇસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં ભાવનગરના હાર્વિક દેસાઇને સ્થાન આપવામાં આવ્યુ છે.


હાર્વિક દેસાઇએ જણાવ્યુ હતુકે, મારી પસંદગી વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં થઇ છે તે જાણીને મને આનંદ થયો, પરંતુ મારૂ કામ સતત પરફોર્મન્સ આપવાનું છે, બાકીનું કામ પસંદગીકારોને આધિન છે. હાર્વિકના પિતા મનીષ દેસાઇના જણાવ્યા પ્રમાણે, બાળપણથી તે ક્રિકેટ ક્ષેત્રે રસ ધરાવતો હતો, હું પણ જૂનિયર લેવલ સુધી ક્રિકેટ રમ્યો હોવાથી પુત્ર હાર્વિકને ક્રિકેટમાં જવા માટે પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યો હતો.

 

શાળા કક્ષાએથી જ હાર્વિકે પોતાની પ્રતિભાનો પરચો બતાવવાની શરૂઆત કરી હતી. નેશનલ અંડર-16, 19માં પણ તે રમી ચુક્યા છે. બાદમાં ઇન્ટર ડિસ્ટ્રીક્ટમાં કરેલા દેખાવના આધારે હાર્વિક દેસાઇ સૌરાષ્ટ્ર વતી અંડર-16, અંડર-19માં સતત રન નોંધાવતા રહ્યા હતા અને પસંદગીકારોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ હતુ.ભાવનગરના હાર્વિક દેસાઇ આ અગાઉ ભારતીય અંડર-19 ટીમ વતી ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડી ચૂક્યા છે, ઉપરાંત શ્રીલંકામાં રમાઇ ગયેલા જૂનિયર એશિયાકપમાં પણ તેઓ ટીમ ઇન્ડીયાના સભ્ય હતા. આ બંને વિદેશ પ્રવાસમાં પણ હાર્વિકે ભારતીય ટીમ માટે અનેક ઉપયોગી ઇનિંગો રમી છે.

અન્ય સમાચારો પણ છે...