26 વર્ષથી ભાવનગર જિલ્લાનું પુસ્તકાલય દબાણોની વચ્ચે: તંત્રનું તદ્દન ઓરમાયું વલણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:  જશોનાથ મંદિરની પાછળના ભાગે બારસો મહાદેવની વાડી વિસ્તારમાં આવેલું જિલ્લા પુસ્તકાલય વાચકો માટે જંતર મંતર સમાન છે. અભિમન્યુના 7 કોઠા વીંધવા જેવી સ્થિતિમાંથી પસાર થઇને કોઇ અજાણ્યા વ્યક્તિએ તો તેને શોધવામાં જ નેવાના પાણી મોભે આવી જાય તે રીતે છેલ્લા 26 વર્ષથી દબાણો ખડકાય ગયેલા છે, છતા તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેમ 1991થી અહીંના ઝુપડપટ્ટી ટાઇપના મકાનો સાથે ચાલતા કેસ વચ્ચે પણ બિલકુલ ઓરમાયું વલણ જોવા મળી રહ્યું છે.
 
40 ફૂટના રસ્તા પરના દબાણો વચ્ચે જિલ્લા પુસ્તકાલય પોતે જ દબાઇ ગયુ છે. 1955ની સાલથી અહીં ડિસ્ટ્રીકટ લાયબ્રેરી છે, પરંતુ દર વર્ષે તે દબાતી જાય છે. ગ્રંથપાલ રમણભાઇ અસારીને પુછતા તેઓએ જણાવ્યુ કે, હું થોડા સમય પહેલા જ ચાર્જમાં આવ્યો છું. તે કેસ અનુસંધાને મેં જાણ્યુ છે કે તેમાં પુસ્તકાલય તરફથી બે વખત કેસ જીતી જવામાં આવ્યો છે. પરંતુ ત્યારબાદ સ્ટે મુકવામાં આવેલો છે. હાલના સમયે તો તંત્ર દ્વારા મધ્યસ્થી કરીને વાચકોના હિતમાં કોઇ નિર્ણય લેવાની જરૂરીયાત છે, કારણ કે આ સમગ્ર ભાવનગર જિલ્લાનું પુસ્તકાલય છે અને તેમાં એક લાખથી વધુ તો પુસ્તકો છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુરેશભાઇ ધાંધલ્યાનું અહીં મકાન પણ બાજુમાં જ છે. જો કે કાયદાકીય બાબત હોય બધાના હાથ બંધાયેલા છે.

ગ્રામ ગ્રંથાલયોની સ્થિતિ પણ ખરાબ
ભાવનગર જિલ્લાના 700થી વધુ ગામડાંની સરખામણીએ ગ્રામ ગ્રંથાલયોનો આંકડો પુરા 3 ડિજીટમાં પણ સારી રીતે થતો નથી. કારણ કે, મોટાભાગના ગામડામાં ગ્રંથાલયોની હાલત ખરાબ છે. 1974 બાદ તો નવા પુસ્તકાલયોની મંજૂરી પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કોર્ટ મેટર છે, નહિતર જરૂર કાંઇક પગલા ભરત...
^આ પ્રશ્નથી અમે વાકેફ છીએ. પરંતુ કોર્ટ મેટર હોવાથી તેમાં ગુંચવણભરી પરિસ્થતિ ઉભી થઇ છે. બાકી તો વાચકોને અનુકુળ થવા જરૂરથી પગલા ભર્યા હોત. કોર્ટ મેટર ઉકેલાશે એટલે તરત પગલા ભરવામાં આવશે. > સુરેશ ધાંધલ્યા, ચેરમેન, સ્ટેન્ડીંગ કમિટી, ભાવ.કોર્પોરેશન

હાઈલાઈટ
100000
થી વધુ પુસ્તકો
5000
સભ્યો કાયમી
100
વાચકોની દૈનિક મુલાકાત
1955
ની સાલથી અહીં લાયબ્રેરી
અન્ય સમાચારો પણ છે...