ચોંકાવનારી વિગતો સાથેનો ગ્રાઉન્ડ રિપોર્ટ: દફનવિધિ બંધ થતાં કબ્રસ્તાનમાં ધંધા !!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:  શહેરના નવાપરા કબ્રસ્તાન વિસ્તારમાં વચ્ચેથી રોડ કાઢવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુની જમીન પર ગેરેજ, ઓફિસો, દુકાનોના દબાણ ખડકાયા છે. કેટલાક લોકો ધાર્મિક કારણોસર કબ્રસ્તાનમાંથી બનેલા રોડ પરથી પસાર પણ થતાં નથી. બીજી બાજુ કબ્રસ્તાનની જમીન પર જ ધમધોકાર ધંધો ચાલે છે. પવિત્ર જગ્યા હોય તો દબાણો દુર થવા જોઇએ અને 100 વર્ષ જૂનુ કબ્રસ્તાન હોય તો આ જમીનનો કાયદેસર ઉપયોગ થવો જોઇએ. આ સંવેદનશીલ છતાં તંત્રને કામ કરવું જ પડે તેવી બાબત અંગે તપાસ દરમિયાન મળેલી કેટલીક ચોંકાવનારી વિગતો સાથેનો ગ્રાઉન્ડ રિપોર્ટ 

એક તરફ ભાવનગરના નગરજનો અને તંત્રવાહકો બ્યૂટિફુલ સિટીના સપના જોઇ રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરની મધ્ય અને હાર્દસમા નવાપરા વિસ્તારમાં કબ્રસ્તાનની જગ્યામાં ગેરકાયદેસર ગેરેજ અને દુકાનોનો રાફડો ફાટ્યો છે. નવાપરામાં આવેલી કબ્રસ્તાનની જગ્યા વર્ષોથી વિવાદમાં સપડાયેલી છે. જે આજે પણ અણઉકેલ છે અને કોર્ટમાં માલિકી હકના દાવાઓ શરૂ છે. પરંતુ કબ્રસ્તાનની હજારો વાર જગ્યામાં દફનવિધિ તો વર્ષોથી બંધ થઇ છે અને હાલમાં કબ્રસ્તાન માત્ર દબાણોનો રાફડો બનીને રહી ગયું છે.

વર્ષો પૂર્વે ભાવનગરમાં મરકીનો જીવલેણ ફાટી નીકળ્યો હતો તેવા સમયે ભાવનગર સ્ટેટએ નવાપરામાં  દફનવિધિ માટે કબ્રસ્તાનની અંદાજે 5 થી 6 હજાર વાર જગ્યા આપી હતી. પરંતુ માત્ર સમય જતાં આ જગ્યા પર દફનવિધિ બંધ થઇ અને ઘોઘા સર્કલ કબ્રસ્તાનમાં દફનવિધિ શરૂ થઇ જેથી નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યા ધીમે ધીમે પડતર રહેતા તત્કાલિન સમયે કબ્રસ્તાનું સંચાલન કરતા ઘાંચીવાડ મેમણ જમાત ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પ્લોટ પાડી જગ્યા ભાડે આપી હતી.

માત્ર 100 થી 500ના ભાડા અને તે પણ ચુકવાતા નથી.... 
કબ્રસ્તાનની જગ્યાનું સંચાલન ઘાંચીવાડ મેમણ જમાત ટ્રસ્ટ કરે છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ અને ભાડૂઆતોના માત્ર રૂ.100 થી 500-600ના ભાડા ટ્રસ્ટ વસૂલતું હતું. માલિકી હક અને ભાડાના વિવાદને કારણે કોર્ટે એડવોકેટને રિસવિર તરીકે મુક્યા છે. જેઓ ભાડૂઆતોના ભાડા વસૂલે છે. પરંતુ હાલમાં આ જગ્યામાં માલિકી હક અને હેતુફેરના સ્થાનિક તેમજ હાઇકોર્ટમાં દાવાઓને કારણે ઘણા ભાડૂઆતો તો ઓછા દરના ભાડા પણ ચૂકવવામાં ચૂક કરી જાય છે.

કબ્રસ્તાનનો હેતુફેર થયો છે
^નવાપરામાં દફનવિધિ માટે કબ્રસ્તાનની જગ્યા સ્ટેટે ફાળવી હતી અને  તેમાં અનેક મર્હુમોની દફનવિધિ થઇ છે. આ પાક જગ્યામાં હાલમાં ગેરકાયદેસર રીતે અનેક દબાણો થઇ ગયા છે. કબ્રસ્તાન માટે ફાળવેલી જગ્યાનો ગેરકાયદેસર રીતે હેતુફેર કરી ઘાંચીવાડ મેમણ જમાત ટ્રસ્ટે જમીન ભાડૂઆતોને આપી છે. જેની સામે સુન્ની મુસ્લિમ કમિટિ કોર્ટમાં પણ ગઇ છે. > અલીભાઇ સીદાતર, સુન્ની મુસ્લિમ કમિટી

ચૂસ્ત બિરાદરો આજે પણ રસ્તા પરથી પસાર થતા નથી
નવાપરા કબ્રસ્તાનના રસ્તા માટે કોર્પોરેશનની સામે સમસ્ત મુસ્લિમ સમાજે કોર્ટના દ્વાર ખખડાવતા તેમાં કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવતા તત્કાલિન કમિશનર અને ઇન્ચાર્જ કલેકટરે રાતોરાત નવાપરા કબ્રસ્તાનમાંથી રસ્તો બનાવ્યો હતો. કબ્રસ્તાનમાંથી રસ્તો પસાર કરતા આજે પણ ચુસ્ત મુસ્લિમ બિરાદરો આ રસ્તામાંથી પસાર નહીં થઇ અમાન્યા જાળવે છે.

હેતુફેર થયો છે માલિકી હકના દાવા છે
^નવાપરામાં આવેલ કબ્રસ્તાનની જગ્યામાં ગેરકાયદેસર રીતે હેતુફેર થયા છે જેથી આ કબ્રસ્તામનની જગ્યા સરકારની હોવા બાબતે સરકાર અને ભાડૂઆતો વચ્ચે માલિકી હક માટે કોર્ટમાં કેસ ચાલે છે. > જે.એન.પંડ્યા, ન્ચાર્જ સિટી મામલતદાર
અન્ય સમાચારો પણ છે...