ભાવનગર: શહેરના વિકટોરિયા પાર્કમાં ગત રાત્રિએ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરને અડધીરાત એકાંતવાસમાં ગાળવાની ફરજ પડી હતી. વાહનો માટે પ્રતિબંધિત પાર્કમાં ફોર વ્હીલ લઇ ગયા બાદ વોકીંગનો સમય પુરો થઇ જતા ચોકીદારો ગેટ ઉપર તાળુ મારીને જતા રહ્યા બાદ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરના બહાર નિકળવા અડધી રાત સુધી નુસખા નિષ્ફળ નિવડ્યા બાદ રાત્રિના 11.30 કલાકે વન ખાતાના ચોકીદારે તાળુ ખોલીને બહાર કાઢયા હતા.
વિકટોરિયા પાર્કમાં ફોરવ્હીલ લઇ ગયા 'ને ગેટ બંધ
ગઇ કાલે મંગળવારના સાંજના સમયે લોકો માટે વિકટોરિયા પાર્ક ખુલ્લું હતું, અહીં વાહનના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. પરંતુ ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પોતાની ફોર વ્હીલ લઇને પાર્કની અંદર છેક સુધી ગયા હતા. નિત્યક્રમ મુજબ વોકીંગ કરી રહેલા નગરજનો બહાર નિકળી ગયા બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તમામ દરવાજાઓ બંધ કરી દેવાયા હતા.
રૂપિયા 5000નો દંડ વસુલ કર્યો
પરંતુ અંદરના ભાગે સી.પી.આઇ. એ.એસ.રાજપૂત હતા, દરવાજા બંધ થઇ ગયાની જાણ થતા ઇન્સ્પેકટર મુંઝવણમાં મુકાઇ ગયા હતા, તેઓએ વન વિભાગના સ્ટાફને ફોન કરીને તેઓ ફસાયા હોવાની જાણ કરી હતી, પરંતુ આ સમયે વન કર્મીઓ પણ ગુરૂપૂર્ણિમા નિમિત્તે બહાર દર્શનાર્થે જતા રહ્યા હતા. અંતે રાત્રીના 11.30 સ્ટાફ આવ્યો હતો અને તેઓને પાર્કમાંથી મુક્ત કર્યા હતા. જોકે, આજે બીજા દિવસે વન ખાતાએ રૂપિયા 5000નો દંડ વસુલ કરીને ફોર વ્હીલને પણ મુક્ત કરી હતી.