ગુજરાતને કરોડોનો કર રળી આપતું અલંગ ઝંખે છે વિકાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વિશિષ્ટ વ્યવસાય| અલંગમાં શિપની આયાત અને મશિનરીની મોટાપાયે નિકાસ થાય છે
- મશીનરી-નેવિગેશન વ્યવસાય થકી 500 કરોડનું વિદેશી હુંડિયામણ આવે છે
ભાવનગર : અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજોની આયાત કરવી પડે છે, પરંતુ અહીંથી સેકન્ડ શિપ મશિનરી અને પાર્ટસની મોટા પાયે નિકાસ થઇ રહી છે. ભાવનગર જિલ્લામાં વ્યાપેલા મશિનરીના વ્યવસાયકારો બાંગ્લાદેશમાં ભંગાતા જહાજોની મશિનરી પણ અહીં લાવી સમગ્ર વિશ્વમાં નિકાસ કરે છે. કરોડોનો કર રળી આપતું અલંગ જો કે અન્ય બાબતોમાં વિકાસ ઝંખી રહ્યું છે.

એન્જીન રૂમ, મેઇન એન્જીન, જનરેટર, ટર્બો, એર કોમ્પ્રેસર, ઓઇલ પ્યૂરીફાયર, ક્રેનનો સામાન, કન્ટેનર લેશિંગ મટિરીયલ્સ સહિતના સ્પેર પાર્ટસ ભંગાવા આવતા જહાજમાંથી કાઢી અને મરામત કરાયા બાદ તેનું એક્સપોર્ટ કરવામાં આવે છે. ગ્રીસ, યુરોપ, સિંગાપુર, અમેરિકા અને દુબઇમાં સ્થાપિત શિપ મશિનરી ટ્રેડરો પણ અહીંથી પાર્ટસ અને મશિનરીની આયાત કરે છે. તેઓને અલંગમાંથી મંગાવવામાં આવતી મશિનરી સસ્તી પડે છે અને જૂના શિપમાં ઉપયોગમાં આવતી મશિનરી અને પાર્ટસ વિશ્વના કોઇપણ પોર્ટ અથવા દેશમાં જડપથી ઉપલબ્ધ બની શકે છે.

મશિનરી અને નેવિગેશન, બેરિંગ સહિતની આઇટમોના એક્સપોર્ટ થકી ભારતને 500 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ પણ આ વ્યવસાય રળી આપે છે. ભાવનગર ઉપરાંત મુંબઇમાં પણ સ્ટોકિસ્ટો આવેલા છે જેઓ શિપના પાર્ટસના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સીધી અથવા આડકતરી રીતે શિપ મશિનરી વ્યવસાય સાથે 6000 લોકોને રોજગારી મળી રહે છે. બાંગ્લાદેશમાં પણ મોટાપાયે શિપબ્રેકિંગ કરવામાં આવે છે અને ત્યાંથી જહાજની મશિનરી અને નેવિગેશન આઇટમો કંડલા બંદરે આયાત કરી અને ગાંધીધામમાં રાખવામાં આવેલા યાર્ડમાં રીફર્નિશ્ડ કરવામાં આવે છે. ત્યારબાદ શિપિંગ કંપનીઓને વિદેશમાં મોકલવામાં આવે છે.
જૂના પાર્ટસ અલંગમાંથી સસ્તા મળે
અમુક મુદ્દત વિતી ગયેલા જહાજોના પાર્ટસ નવા બનતા નથી અને તેના માટે ભાંગવા માટે મોકલવામાં આવતા જહાજોમાંથી નીકળતી મશિનરી પર જ આધાર રાખવો પડે છે. ઉપરાંત શિપના માલીકોને શરૂના 5 વર્ષમાં જહાજની મરામત નહીંવત હોય છે, બાદમાં કાળક્રમે જહાજ ભાંગવા મોકલી દેવાનું હોવાથી નવા પાર્ટસની જગ્યાએ શિપબ્રેકિંગ યાર્ડમાંથી આવતા પાર્ટસ સસ્તા અને વિશ્વના તમામ પોર્ટ પર ઝડપી મળી રહે છે.
- ઇરફાન માલવી, સેક્રેટરી, અલં શિપ મશીનરી એસોસિએશન
મશિનરી ફર્નિશ્ડ કરી મોકલાય છે
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાંથી નીકળતી મશિનરીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારોના યાર્ડમાં લાવવામાં આવે છે અને તેને આખી ખોલી નાંખી અને સાફસફાઇ બાદ ઓઇલિંગ-ગ્રીસિંગ કરવામાં આવે છે અને બાદમાં તેને એક્સપોર્ટ માટે અનબ્રેકેબલ બોક્સમાં સારી રીતે પેકિંગ કરી અને આગળ મોકલવામાં આવે છે.
પાવર પ્લાન્ટમાં જનરેટરનો ઉપયોગ
ભારતમાં મોટી ઇન્ડસ્ટ્રીઓ ઉપરાંત નેપાળ સહિતના પાવર પ્લાન્ટમાં પણ અલંગના જનરેટરોનો ઉપયોગ કરવામાં આવે છે. શિપના જનરેટરો તેઓને નવાની સરખામણીએ સસ્તી કિંમતે મળી રહેતા હોય છે અને તેના પાર્ટસ પણ મળતા હોવાથી ઉપયોગ થાય છે. આથી તેમાં ખપત સારા પ્રમાણમાં
રહે છે.
અલંગથી શા માટે ?
જહાજમાં ઉપયોગમાં આવતી તમામ પ્રકારની મશિનરી અલંગમાંથી ઉપલબ્ધ બની રહે છે. અલંગમાંથી આવતી મશિનરી ખોલી અને ઓવર-ઓઇલિંગ કરીને આપવામાં આવે છે. મશિનરી ઉપરાંત નેવિગેશન-ઝાયરો કમ્પાસ સહિતના પાર્ટસ નવા જેવી જ કન્ડિશનમાં મળે છે.
અન્ય સમાચારો પણ છે...