* ઘોઘા-દહેજ રો પેક્ષ સર્વિસ બંધ, આજની ટ્રિપ રદ્દ કરાતાં અપાશે રિફંડ, ટેક્નિકલ ક્ષતિ દૂર કરી ફરી શરૂ કરાશે સેવા
* રો પેક્ષ ફેરી બંધ થતાં માત્ર મુસાફરોને લઈ જતી ઈન્ડિગો 1 સેવા ચાલુ રહેશે, કાર્ગો બંધ
* મધ દરિયે ખોટકાયેલું વોયેજ સિમ્ફની જહાજ માત્ર 3 વર્ષ જૂનું શિપ * સવારે 11 વાગ્યે નીકળેલા જહાજમાં 461 મુસાફરો અને વિવિધ 94 વાહનો હતા |
ભાવનગર/ ભરૂચ: ગઈકાલે દહેજથી સવારે 11 કલાકે 461 મુસાફરો અને વિવિધ 94 વાહનો સાથે ઘોઘા નીકળેલું રો-પેક્સ ફેરી શિપ વોયેજ સિમ્ફનીમાં મધદરિયે પહોંચતા જ એન્જિનમાં તકનિકી ખામી સર્જાઇ હતી. તેને 4 કલાકની મથામણ બાદ 3 ટગ બોટની મદદથી ઘોઘા લઈ જવાયું હતું. દરમિયાન એન્જિનની ક્ષતિને દૂર ન કરવામાં આવે ત્યાં સુધી રો પેક્ષ ફેરી સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આજની તમામ ટ્રિપ કેન્સલ કરી દેવામાં આવી છે. સાથે જ મુસાફરોને લઈ જતી ઇન્ડિગો-1 સેવા કાર્યરત રાખીને આવન-જાવન ચાલુ રખાશે.
રો પેક્ષ ફેરીનું ટાઈમ ટેબલ
ઘોઘાથી દહેજ: સવારે 8 વાગ્યે
દહેજથી ઘોઘા: સવારે 11 વાગ્યે
ઘોઘાથી દહેજ: સાંજે 5 વાગ્યે
દહેજથી ઘોઘા: રાત્રે સાડા 8 કલાકે
રો પેક્ષ ફેરી સર્વિસને બે મહિનામાં ત્રીજું વિઘ્ન નડ્યું
ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસના જહાજમાં આજે તકનિકી સમસ્યા સર્જાતા મધદરિયે જહાજ અટકી પડ્યું હતું અને શિપમાં સવાર 461 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે 4 કલાકની મથામણના અંતે 3 ટગની સહાયતાથી જ્હાજને કોઇપણ નુકસાની કે અન્ય સમસ્યા વિના ઘોઘા સલામત રીતે લાવવામાં આવ્યુ હતુ.
3 ટગ બોટથી રો પેક્ષ ફેરી જહાજ ઘોઘા લઈ જવાયું
ભાવનગર પોર્ટ ઓફિસર કેપ્ટન સુધીર ચઢ્ઢાના જણાવ્યા પ્રમાણે શિપના એન્જિનમાં સમસ્યા સર્જાતા તેના એન્કર ડ્રોપ કરવાની સુચના અપાઇ હતી, અને બાદમાં 3 ટગ બોટ, સાગર-1, રિષભ અને આઇ.વી.1ને જહાજની મદદ માટે મોકલવામાં આવી હતી. સાંજે સલામત રીતે ઘોઘા ખાતે જહાજ લાવવામાં આવ્યુ છે. ઉપરાંત ઘોઘાથી સાંજે 5 કલાકે ફેરીના 91 પેસેન્જરોને ઇન્ડિગો-1 દ્વારા દહેજ તરફ મોકલવામાં આવ્યા હતા.
વોયેજ સિમ્ફની માત્ર 3 વર્ષ જૂનું શિપ છે
ઘોઘા-દહેજ વચ્ચે ચલાવવામાં આવી રહેલું વોયેજ સિમ્ફની જહાજ 2015માં દક્ષિણ કોરિયામાં બનાવવામાં આવેલું છે અને તેમાં મુસાફરોની બેઠક વ્યવસ્થા સહિતની અન્ય સવલતોનું રીફિટિંગ ચીનમાં કરાવવામાં આવ્યું છે.
જહાજની મરામત કરાશે, ઇન્ડિગો-1 ચાલુ
ઇન્ડિગો સીવેઝના સીઓઓ કેપ્ટન મનરાલના જણાવ્યા અનુસાર, વોયેજ સિમ્ફની જહાજના ટેમ્પરેચરનો એલાર્મ વાગતા એન્જિન બંધ કરાવવામાં આવ્યું હતું. બાદમાં શિપ સલામત રીતે ઘોઘા લાવવામાં આવ્યું હતું. જહાજની યોગ્ય મરામત કરાવ્યા બાદ પુન: ચલાવાશે. જહાજ ઇન્ડિગો-1 ચલાવવામાં આવી રહ્યું છે.
ટેમ્પરેચર એલાર્મથી એન્જિન બંધ કર્યુ
વોયેજ સિમ્ફની જહાજના કેપ્ટન હસન સિકંદરના જણાવ્યા પ્રમાણે, દહેજથી જહાજ ઉપડ્યું હતું અને 10 નોટિકલ માઇલ બાદ બ્રિજ રૂમમાં ટેમ્પરેચર એલાર્મ વાગ્યો હતો એટલે એન્જિન બંધ કરાવવામાં આવ્યું હતું. તુરંત જ બંને એન્કર નાંખી અને જહાજ સલામત રીતે ઊભું રાખી દેવામાં આવ્યું હતું. જહાજના જનરેટર અને એરકન્ડિશન સિસ્ટમ ચાલુ હતી. મુસાફરોને કોઇ સમસ્યા નડવા દીધી નથી. 3 ટગ સહાયતા માટે આવી હતી અને 2 ટગે જહાજને બાંધ્યું હતું અને 1 ટગને આજુબાજુ રખાઇ હતી.
આ અકસ્માતમાં મુંઝાવા જેવું કાંઇ ન હતું
શિપના ટેક્નિકલ કામ સાથે જોડાયેલા નિશાદ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, જહાજના એન્જિન રૂમમાં વધુ ગરમી થાય તો એલાર્મ વાગે છે, એન્જિન બંધ પડી જતું નથી. જહાજમાં બે એન્જિન હોય છે. પરંતુ એન્જિન રૂમનું ટેમ્પરેચર શાંત પડ્યા બાદ ફોલ્ટ જાણી શકાય. અહીં મુસાફરોને ઘોઘા પહોંચાડવાની પ્રાથમિક્તા હતી, તેથી મરામત કાર્ય તરફ ધ્યાન આપી શકાયું નહીં. દહેજથી ઘોઘાનું અંતર 31 માઇલ હોય અવર-જવર રહેતી હોય મદદ ત્વરિત મળે છે. આથી મુંઝાવા જેવું કાંઇ ન હતું.