Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14 ઔદ્યોગિક પ્લોટનું એકત્રિકરણ કર્યા વગર એકના નામે હેતુફેર કર્યો!
ભાવનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર માટે મોકળું મેદાન બની ગયું હોય તેમ નીતિ નિયમોને નેવે મૂકી નિર્ણયો થાય છે. ત્રણ માસ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીએ મોતીતળાવ રોડ પર આંખ આડા કાન કરી 14 ઔદ્યોગિક પ્લોટમાંથી રહેણાકના હેતુ માટે ઉપયોગ ફેર કરવા નિર્ણય કર્યો હતો. જેમાં જુદા જુદા 14 પ્લોટ અને માલિકો પણ અલગ અલગ હોવા છતાં પ્લોટનું એકત્રીકરણ કર્યા વગર એક જ અરજદારના નામે ઉપયોગફેર કરી નાખ્યો હતો. જે વિવાદ પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો છે.
સંગઠનની લીલીઝંડી વગર કોર્પોરેશનમાં નિર્ણયો પણ શક્ય નથી. તેની માટે જ દરેક સ્ટેન્ડિંગ અને સાધારણ સભા પૂર્વે ભાજપ કાર્યાલયે સંકલનની બેઠક મળતી હોય છે. તેમાં જ નિર્ણય કરવામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તો કોર્પોરેશનમાં નિયમોને પણ અભેરાઈ પર ચડાવી દઈ નિર્ણયો કરાય છે, તેમ છતાં વિપક્ષ પણ મો પર પટ્ટી બાંધી બેઠું છે.
ગત 15મી ઓક્ટોબરના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લીઝપટ્ટાના હેતુફેરના પણ નિર્ણયો કરાયા હતા. જેમાં ખાસ કરીને મોતીતળાવ રોડ ઉપર આવેલો સરવેનંબર 170 પૈકીના 14 પ્લોટ જે ઔદ્યોગિક હેતુ માટે જુદા જુદા પ્લોટ ધારકોને ફાળવવામાં આવ્યા હતા તે તમામ 14 પ્લોટની 43182.18 ચો.મી. જમીન પ્રીમિયમની રકમ ભરી ઔદ્યોગિક હેતુમાંથી રહેણાંકના હેતુ માટે ઉપયોગ ફેર કરવાની મંજૂરી આપી હતી. અને આ પ્લોટમાં શૈક્ષણિક સંસ્થા બનાવવાનો હેતુ બહાર આવ્યો છે. મોતીતળાવ રોડ પર ઔદ્યોગિક એકમો વચ્ચે પ્રદૂષણમાં બાળકોના આરોગ્ય સાથે પણ ચેડા થવાની પુરી શક્યતા વર્તાઈ રહી છે. તદુપરાંત ખાસ કરીને આ 14 પ્લોટ જુદા જુદા પ્લોટ ધારકોના નામે છે. તેમ છતાં 14 પ્લોટનું એકત્રિકરણ કર્યા વગર એક જ અરજદાર રીયાઝહુસૈન શબ્બીરઅલી મસાણી તથા અન્યના નામે દરખાસ્ત કરાઈ અને સ્ટેન્ડિંગ એ પણ ખરાઈ કર્યા વગર મંજૂરી આપી દીધી. જેમાં સ્પષ્ટપણે નિયમોના ભંગ કરવામાં આવ્યો હોવા છતાં શાસકો તમાશો જોતા હતા. જે સંદર્ભે શાસકોમાં જ આંતરિક વિખવાદ સર્જાતા તેની પ્રદેશ કક્ષાએ પણ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.