15 દી’માં શિયાળુ પાકના વાવેતરમાં 8,900 હેકટરનો વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લામાં પહેલા અતિવૃષ્ટિ બાદમાં માવઠા અને વાવાઝોડા બાદ હવે શિયાળાની ઠંડીનો આરંભ થતા રવિ પાકના વાવેતરમાં ધીમી ગતિએ આગેકૂચ થઇ રહી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લાં 15 દિવસથી વાતાવરણમાં સુધારો થતાં રવિ પાકના વાવેતરની આગેકૂચ થઇ રહી છે. 15 દિવસ પહેલા જિલ્લામાં કુલ વાવેતર માત્ર 2,800 હેકટર હતું તે એક પખવાડિયામાં 8,900 હેકટર વધીને 11,300 હેકટરના આંકને આંબી ગયું છે.

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીનું ગુજરાત રાજ્યમાં સર્વાધિક ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. હાલ ડુંગળીના ભાવ આસમાને આંબ્યા છે. ત્યારે ગત વર્ષે નવેમ્બરના તૃતિય સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 4,600 હેકટર હતું તે આ વર્ષે 2,000 હેકટર ઘટીને માત્ર 2,600 હેકટર થઇ ગયું છે. ટકાવારીની દ્રષ્ટિએ ગત વર્ષેની તુલનામાં ડુંગળીના વાવેતરમાં 54 ટકાનો ઘટાડો થયો છે.

ભાવનગર જિલ્લામાં હવે ઠંડીનો આરંભ થયો છે ગત સપ્તાહે ભાવનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર 7900 હેકટર હતું તેમાં એક જ સપ્તાહમાં 5100 હેકટરના વધારા સાથે હવે વાવેતર 11,300 હેકટરના આંકે આંબી ગયું છે. હવે જો ઠંડી જામશે તો વાવેતર હજી વધશે.

ક્યા પાકનું કેટલું વાવેતર
પાક વાવેતર

ઘઉં 2,800 હેકટર

ડુ઼ંગળી 2,400 હેકટર

શાકભાજી 1,000 હેકટર

ચણા 1,100 હેકટર

ઘાસચારો 3,800 હેકટર

ઘઉંના વાવેતરમાં ચાર ગણો વધારો
ગત વર્ષે નવેમ્બરના તૃતિય સપ્તાહ સુધીમાં ગોહિલવાડ પંથકમાં ઘઉંનું કુલ વાવેતર માત્ર 700 હેકટરમાં જ થયું હતુ તે આ વર્ષે ચાર ગણાથી વધુ વધીને 2,800 હેકટરના આંકે આંબી ગયું છે. જેમાં ઘઉં પીયતનું વાવેતર 2,600 હેકટર અને બિન પિયતનું વાવેતર 200 હેકટર થયું છે.

અન્ય સમાચારો પણ છે...