તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે શહેરમાં ડોકટરોની હડતાલ, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે ડો.પરભા મુખરજી પર થયેલા હુમલાના પડઘા છેક ભાવનગર સુધી પડ્યા છે અને આવતી કાલ તા.17 જૂનને સોમવારે ભાવનગર શહેરમાં ખાનગી દવાખાના, ક્લિનિક, નર્સિંગ હોમ, હોસ્પિટલો, લેબોરટેરી, રેડિયોલોજી સર્વિસીસની સાથોસાથ રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોકટરો તથા એમબીબીએસના વિદ્યાર્થીઓ એક દિવસની પ્રતીક હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કરશે. શહેરમાં આઇ.એમ.એ. હોલ ખાતે સવારે 10 કલાકે જન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવશે.

કોલકાતામાં ડોકટર ઉપર દર્દીના સગા દ્વારા કરાયેલા હુમલાના પગલે દેશભરના તબીબી આલમમાં રોષ ફાટી નિકળ્યો છે. તબીબોની રક્ષા માટે હિંસા વિરૂદ્ધ રાષ્ટ્રીય કક્ષાએ કાયદો બનાવવા માંગ જાગી છે. તબીબો આ મામલે હવે લડાયક મૂડમાં છે અને આવતી કાલ તા.17 જૂને સોમવારે ઇન્ડિયન મેડિકલ એસો., ભાવનગર બ્રાન્ચ દ્વારા હડતાલને સમર્થન આપી ભાવનગરમાં તબીબી સેવા બંધનું એલાન આપ્યું છે. સિવિલના જેડીએ પ્રમુખે જણાવ્યું હતુ કે હડતાલ પાડી વિરોધ કરવાની સાથે આઇ.એમ.એ. હોલ ખાતે સોમવારે સવારે 10 કલાકે જનજાગૃતિના કાર્યક્રમ કરાશે. તબીબી પ્રાધ્યાપકો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. આઇ.એમ.એ.ના પ્રવક્તાએ જણાવ્યું છે કે શહેરની સિવિલ હોસ્પિટલો ખાતે ઇમરજન્સી સેવા ચાલુ જ રહેશે. જેથી દર્દીઓને કોઇ હાલાકી ન પહોંચે. આ સાથે ગુજરાત નર્સિંગ હેસો., ભાવનગર કેમિસ્ટ એસો., ભાવનગર આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક એસો. દ્વારા પણ આ ઘટનાને વખોડવામાં આવી છે.

ભાવનગર શહેર ઉપરાંત પાલિતાણા, મહુવા અને તળાજામાં પણ આવતી કાલ સોમવારે તબીબો હડતાલ પાળી દવાખાના બંધ રાખશે. જોકે આ તાલુકા મથકોમાં પણ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...