તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચારનું ભૂત ધુણ્યુ : ગેરકાયદે દબાણોને કાયદેસર કરવાનો પ્લાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરતળાવના દબાણોનો વિવાદ વારંવાર ઉઠ્યો છે પરંતુ બોરતળાવના દબાણોનું ગ્રહણ હજુ સુધી હટ્યું નથી. મહાનગરપાલિકાએ કરેલા સર્વે અને સેટેલાઇટ ઇમેજમાં પણ સાબિત થયેલા દબાણો પૈકીની જમીનને કાયદેસર કરવાના કોર્પોરેશનમાં પ્રયાસો થઈ રહ્યા છે અને બોરતળાવની એચ.એફ.એલ બાઉન્ડ્રીમાં આવતી ખેતીની જમીનને સિદસરની સૂચિત ટીપી સ્કીમમાં ઉમેરવા તંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે, સ્ટેન્ડિંગ કમિટીએ સંકલનમાં જ નિર્ણય કર્યો હોવાથી આ કાર્યને ચર્ચા વગર પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું.

શહેરના બોરતળાવની ડુબની જમીનમાં વધતા જતાં દબાણોનો વિવાદ વર્ષોથી ચાલ્યો આવે છે. જ્યારે જ્યારે સાધારણ સભા કે સ્ટેન્ડીંગ કમિટીમાં બોરતળાવના દબાણોનો મુદ્દો ઉછળે ત્યારે કોર્પોરેશન દ્વારા દબાણોના સર્વેનું નાટક કરવામાં આવે છે. ગત 30મી સપ્ટેમ્બરના રોજ મળેલી સાધારણ સભામાં વિરોધ પક્ષ દ્વારા બોરતળાવના દબાણોનો મુદ્દો ઉછાળી તંત્રને ભીડવ્યું હતું. ત્યારબાદ 8મી ઓક્ટોબરના રોજ ડ્રોન દ્વારા દબાણોનો સર્વે કરાયો હતો. અગાઉ પણ સેટેલાઇટ ઇમેજ દ્વારા બોરતળાવની એચ.એફ.એલ. બાઉન્ડ્રીમાંના દબાણો સામે આવતાં ખુદ કોર્પોરેશન દ્વારા જ આ દબાણો જાહેર કર્યા છે. કોર્પોરેશનને બોરતળાવના દબાણના મામલે ડૂબી મરવા જેવી બાબત તો એ છે કે, ખુદ કોર્પોરેશન દ્વારા દબાણો જાહેર કરે છે પરંતુ તેને દૂર કરવાની હિંમત કરતું નથી. કોર્પોરેશન દ્વારા જાહેર કરેલા બોરતળાવની એચ.એફ.એલ. હદમાં આવતા મોટા 10 દબાણો પૈકી 5 દબાણો કે દબાણકારો દ્વારા ડુબની જમીનમાં ખેડાણ કરી રહ્યા છે. તે દબાણગ્રસ્ત જમીનને કોર્પોરેશન દ્વારા જ નવી સૂચિત સીદસર ટી.પી. સ્કીમ નંબર 18માં ઉમેરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. કોર્પોરેશનને જાહેર કરેલી દબાણની જમીનને કોર્પોરેશન ખુદ જ કાયદેસર કરવાની પેરવી કરી રહ્યું છે. જે ભ્રષ્ટાચાર માટે શંકા ઉપજાવે તેમાં કોઈ બેમત નથી. જોકે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સગઠનમાં થયેલી ચર્ચા બાદ કોઈપણ જાતની ચર્ચા વગર પેન્ડિંગ રાખવા ચેરમેન દ્વારા નિર્ણય કરાયો હતો.

ક્યા દબાણોને ટી.પીમાં સમાવવા પ્રયાસ?
સરકારના વોટર બોડીના નોટિફિકેશન મુજબના સર્વે નંબરમાં સમાવેશ થતા અને બોરતળાવની એચ.એફ.એલ. બાઉન્ડ્રીમાં આવતી સર્વે નંબર 69 તથા 70/2ની ગગુભાઈ નાનુભાઈ વાળાની જમીન, સર્વે નંબર 70/2ની નારણભાઈ નથુભાઈ જમીન, સર્વે નંબર 55 પૈકી 2ની નરસીભાઇ નાનજીભાઈ નાવડિયાની જમીન, સર્વે નંબર 63 પૈકી 2 ની ભીમાભાઇ કરસનભાઈ ડાખરાની જમીન અને સર્વે નંબર 63 પૈકી 3ની પ્રેમજીભાઈ પોલાભાઈની જમીનમ‍ાં ખેડાણ થાય છે. જેને સીદસરની સૂચિત ટીપી સ્કીમમાં સમાવવા કમિશનર તરફથી દરખાસ્ત કરવામાં આવી છે.

..તો 40% કપાતમાં વોટર બોડીની જમીન આવે
નવી સૂચિત ટી.પી. સ્કીમ નં.18 સીદસરની પ્રક્રિયા શરૂ છે. જેમાં ક્યા સર્વે નંબરનો સમાવેશ કરવાનો છે તે પણ નક્કી છે. જેમાં બોરતળાવની વોટર બોડીની જમીનનો સમાવેશ થઈ જાય તો ટી.પી.માં જે 40% કપાત આવે તે વોટર બોડીની જમીન સમાવિષ્ટ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

10 મહિના દરખાસ્ત પડી રખાઈ હતી
મહાનગરપાલિકાના તથા નવી હદ મુજબના વિસ્તારોને નવી સૂચિત ટીપી સ્કીમ નંબર 18 સીદસરમાં ઉમેરવાના થતાં સર્વે નંબરોને અગાઉના લિસ્ટમાં ઉમેરો કરવાની દરખાસ્ત કમિશનર દ્વારા ગત 19મી જાન્યુઆરીન‍ા રોજ કરવામાં આવી હતી. પરંતુ એન કેન પ્રકારે આ દરખાસ્તને પડી રાખવામાં આવી હતી. અને અચાનક આજની સ્ટેન્ડિંગના એજન્ડામાં લેવામાં આવતા અનેક પ્રશ્નો અને શંકા ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...