તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીએમડીસી અને જીએચસીઅેલ દ્વારા લાખોની મહેસૂલ ચૂકવવામાં ઠાગાઠૈયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પંચાયત દ્વારા સામાન્ય પ્રજાજનો પાસેથી જમીન મહેસુલ, ઉપકર અને શિક્ષણ કર વસૂલવા કડકાઈ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ મસમોટી કંપનીઓને લીલા લેર કરાવતા હોય તેમ વસુલાત માત્ર કાગળ પર કરાય છે. જીએમડીસી તગડીનો રૂ.92.65 લાખના જમીન મહેસુલ સહિતના વેરા વસુલ કરવાના બાકી છે. તેવી જ રીતે 1 કરોડથી પણ વધુ વેરા વસુલાત ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ પાસેથી બાકી છે. છતાં તેની સામે કડકાઇ દાખવવામાં પંચાયત વામણું પડે છે.

સરકારી વિભાગોને જ સરકારી કંપનીઓ આર્થિક ફટકા આપે છે છતાં સરકારી કંપનીઓ હોવાથી તંત્ર પણ તોબાટા પાડે છે. ભાવનગર જિલ્લામાં અનેક મોટી કંપનીઓ, ઇન્ડસ્ટ્રીઝ નિયમિત રીતે પંચાયતને જમીન મહેસુલ સહિતના વેરા ભરપાઈ કરવામાં અનિયમિત હોય છે. ભાવનગર તાલુકાના થોરડી ગામે જી.એમ.ડી.સી.ની જમીન મહેસુલ, લોકલ ફંડ, જિલ્લા પંચાયત ઉપકર અને શિક્ષણ ઉપકરના વર્ષ 2019 સુધીની રૂ.92,65,926 બાકી લેણી છે. છેલ્લા ઘણા સમયથી કંપની દ્વારા જમીન મહેસુલ ભરપાઈ કરવામાં આવતું ન હતું. ત્યારે તાજેતરમાં જ ભાવનગર તાલુકા પંચાયત દ્વારા રૂ.92.65 લાખની જમીન મહેસુલ ભરપાઈ કરવા જીએમડીસી તગડીના જનરલ મેનેજરને નોટિસ ફટકારવામાં આવી છે. જેની સામે જીએમડીસીએ પણ ખુલાસો રજૂ કર્યો છે. હવે આગામી દિવસોમાં પંચાયત દ્વારા કાયદાકીય જોગવાઈઓ સાથે કાર્યવાહી કરવામાં આવશે.

તેવી જ રીતે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ ખડસલીયાના પણ રૂ.1.04 કરોડ જમીન મહેસુલના વસૂલ કરવાના પંચાયતને બાકી છે. કાયદાકીય ગૂંચ ઊભી થયા બાદ હાલમાં હાઇકોર્ટમાંથી પણ કેસ વીડ્રોલ થઈ ગયો છે. જેથી તેમની સામે પણ આગામી દિવસોમાં જો પંચાયત ધારે તો
કાર્યવાહી થઇ શકશે. આવા કરોડો રૂપિયાના બાકી વેરા વસુલાતમાં એમ કેન પ્રકારે પંચાયત નબળી પડે છે. જોકે તેની પાછળ સરકાર પણ કારણભૂત છે.

કાયદાકીય ગૂંચવણની છટકબારી

માઇન સેક્ટરમાં વર્ષ 2005-06માં હાઇકોર્ટના ચુકાદા અને નિર્દેશ અનુસાર જગ્યા અને મહેસુલ સંદર્ભે ગૂંચવણ ઊભી થઈ હતી. તેના માટે કમિટી પણ બનાવી કાયદાકીય માર્ગદર્શન મેળવી તેનો ઉકેલ પણ લાવ્યો છે. જેના અનુસંધાને જમીન મહેસુલ વસૂલવાની નોટિસ સંદર્ભની કાર્યવાહી પણ શરુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હેવી કેમિકલ્સના રૂ.1.04 કરોડના બાકી જમીન મહેસુલ સંદર્ભે કંપની દ્વારા હાઇકોર્ટમાં કેસ કરાતા તત્કાલીન સમયે હાઈકોર્ટમાં પણ તાત્કાલિક 40 લાખ ભરપાઈ કરવા સુચના આપી હતી જોકે, તે કેસ કંપની દ્વારા જ હાઇકોર્ટમાંથી વિડ્રોલ કરાયો હતો.

કાયદાકીય રીતે વસુલાતની નોટિસ આપી છે

ભાવનગર તાલુકાના થોરડી ગામે આવેલ જીએમડીસીની જમીન બાબતે જમીન મહેસુલ સહિતના રૂ.92.65 લાખના બાકી લેણા ભરપાઈ કરવા નોટિસ આપી છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરાય છે. > પાર્થ મિશ્રા, ટી.ડી.ઓ.ભાવનગર

સરકારી કંપનીઓ પાસે વસુલાતમાં તંત્ર વામણું

તાલુકા પંચાયત દ્વારા જીએમડીસી ને જમીન મહેસુલ ભરપાઈ કરવા નોટિસ ફટકારી મન મનાવ્યું, કડકાઈ કોરાણે : સામાન્ય પ્રજાને કડકાઇ કરતા તંત્ર કંપનીઓ પાસે વામણું પુરવાર
અન્ય સમાચારો પણ છે...