તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર જાગ્યું : સામવેદ અમાન્ય શાળા જાહેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં કાળીયાબીડ વિસ્તારમાં આવેલી સામવેદ સ્કૂલ જેણે જોરશોરથી પ્રવેશ માટે જાહેરાતો શરૂ કરી છે તેને ખરેખર તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની કોઇ માન્યતા નથી અને ડીઈઓ કચેરી દ્વારા આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ મળતા સ્થળ પર તપાસ કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસે જણાવ્યું છે કે સામવેદ શાળાને સરકારની કોઇ મંજૂરી નથી આથી શાળામાં પ્રવેશ ન લેવા અને ગેરમાર્ગે ન દોરાવા તાકીદ કરી છે. જોકે અગાઉ આ શાળાએ પ્રવેશ લઈ લીધા હોવાનું અને આ મામલે ફરિયાદ થયા બાદ હવે છેક કચેરીએ પગલાં લીધા છે.

શહેરના શૈક્ષણિક હબ સમાન કાળીયાબીડ વિસ્તારમાં સરકારની કે બોર્ડની કોઇ પણ જાતની મંજૂરીની પરવા રાખ્યા વગર સામવેદ સ્કૂલે મોટા પાયે જાહેરાતો શરુ કરી દીધેલી અને માધ્યમિક કક્ષાએ પણ એડમિશન લેવાના શરૂ કરી શિક્ષણની શરુ કર્યાની જાહેરાતો કરી હતી. પણ આખરે સત્ય ખુલતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસને રજૂઆત કરી હતી. ડીઇઓએ આ મામલે સ્થળ પર જઇ સંપૂર્ણ તપાસ કરતા આ નામની શાળાને કોઇ પણ જાતની મંજૂરી મળી નથી અને આથી આ શાળામાં પ્રવેશ ન લેવા તેમજ ગેરમાર્ગે ન દોરાવવા તાકીદ કરી છે.

અન્ય સંસ્થાઓમાંથી છૂટા થયા બાદ નવી સંસ્થા રચી
ભાવનગર શહેરમાં કાળીયાબીડ વિસ્તારમાં સામવેદ નામે શિક્ષણ સંસ્થા શરૂ કરી તેમાં શહેરની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાંથી છૂટા થયેલા અરવિંદભાઇ, રામદેવસિંહ નામના ચારેક શિક્ષકો છે જેઓ વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો છે. અગાઉ પણ આવી રીતે એક ખાનગી સ્કૂલમાંથી છૂટા પડી ગ્રુપ રચી નવી ખાનગી શાળા રચ્યાના દાખલા છે. હવે તો શહેરમાં એવી સંસ્થાઓ શરૂ થઇ રહી છે કે જે ખરેખર ટ્યૂશન ક્લાસ હોય અને તેણે શાળાઓ સાથે ટાઇઅપ કર્યું હોય તેમાં એડમિશન બાદ વિદ્યાર્થીને માત્ર ટ્યુશનમાં નિયમિત જવાનું બાકી જે તે શાળામાં તો તેનું માત્ર નામ જ હોય ત્યાં ભાગ્યે જાય.

આટલું યાદ રાખવું આવશ્યક
વાલીઓએ જાણકારી રાખવી જરૂરી છે. કારણ કે માધ્યમિક કક્ષાએ દર વર્ષે નવી શાળાઓ ખુલ્લે ત્યારે ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર શાળાઓને મંજૂરી કે નામંજૂરી આપી હોય તેની યાદી શહેરના નામ અને શાળાની જે નામે મંજૂરી માંગી હોય તે પ્રસિદ્ધ કરવામાં આવી છે. બોર્ડમાં માત્ર અરજી કરે એટલે શાળાને મંજૂરી મળી જતી નથી. નવી શાળા અંગે પૂરતી જાણકારી મેળવ્યા બાદ જ પ્રવેશ લેવો હિતાવહ છે.

વાલીઓની ફરિયાદ આવ્યા બાદ નિર્ણય
સામવેદ સ્કૂલ અંગે વિદ્યાર્થીઓની અને વાલીઓની ફરિયાદ આવતા અમે કચેરી કક્ષાએ ટીમ રચી ત્યાં રેકર્ડની સ્થળ પર જઇ તપાસ કરી હતી પણ આ શાળાને કોઇ પણ જાતની મંજૂરી છે નહી તેવું ખુલતા વાલીઓએ અને વિદ્યાર્થીઓએ ધ્યાન રાખી આ શાળામાં પ્રવેશ લેવો નહી. એન.જી. વ્યાસ, ડીઈઓ, ભાવનગર.

અન્ય સમાચારો પણ છે...