તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલંગમાં પુન: જહાજોની આવક શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક તડકા-છાંયડામાંથી પસાર થયેલા અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગ ધંધાકીય વિષમતાઓભરી પરિસ્થિતિને અંકે કરી જઇ પુન: જહાજોની આવક શરૂ થઇ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોની ઉપલબ્ધતા વધી રહી છે, અને આગામી મે-જૂન માસમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પુન: જહાજોનો ધમધમાટ જોવા મળશે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં 19, ફેબ્રુઆરીમાં 11, માર્ચમાં 14 શિપ ભાંગવા માટે આવ્યા છે. જ્યારે એપ્રિલમાં 18 તારીખ સુધીમાં 13 જહાજ આવ્યા છે અને આખર તારીખ સુધીમાં વધુ 7 જહાજ આવકમાં છે.

લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ નવી સરકારની રચના થશે અને જે સરકારી પ્રોજેક્ટ મૂર્છીત અવસ્થામાં ગરકાવ થયેલા છે તેને વેગ મળશે અને એક વખત સરકારી પ્રોજેક્ટને વેગ મળે એટલે લોખંડ, સ્ટીલની માંગ વધે છે. જૂન મહિનાથી લોખંડના સળીયાની માંગમાં પણ વધારો થવાની પુરેપુરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં આવેલી રી-રોલિંગ મિલોમાં સળવળાટ જોવા મળે તેની સીધી અસર અલંગના શિપબ્રેકિંગ વ્યવસાય પર પડે છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને વિશ્વમાં શિપબ્રેકિંગમાં અલંગનો હિસ્સો 35 ટકા જેવો હોવાથી મોટાભાગના જહાજ અલંગમાં આવે તેવી શક્યતાઓ શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એન.પી.ગુપ્તાએ વ્યક્ત કરી છે.

ભાવનગર જિલ્લામાં શિપબ્રેકિંગ વ્યવસાયની સાનુકુળતાની અસર બાકીના અનેક આનુષંગિક વ્યવસાયો પર પડે છે, અને સરવાળે જિલ્લાનું આર્થિક ચક્ર ફરવા લાગે છે. સંજોગો એવા ઉભા થઇ રહ્યા છે કે આગામી માસથી જહાજોની સંખ્યા પ્રતિ માસ 25ની રહેશે, અને ટનેજની દ્રષ્ટિએ પણ અગાઉની સરખામણીએ આંકડામાં વધારો થઇ શકે છે.

ગત ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાયેલા જહાજ એપ્રિલ 2019થી અલંગમાં ભંગાવા માટે બિલ્લીપગે આવી રહ્યા છે. શિપબ્રેકરો અને વેપારીઓ પણ આગામી સમયમાં અલંગમાં જહાજોની સંખ્યા વધવા અંગે આશાવાદ સેવી રહ્યા છે.

સાનુકુળ પરિસ્થિતિઓની આશા છે
અલંગનો શિપબ્રેકિંગ વ્યવસાય સતત અનિશ્ચિતતાઓથી ભરેલો છે, આંતરરાષ્ટ્રીય પરિબળો, ઘર આંગણાની વ્યાવસાયિક પરિસ્થિતિઓથી શિપબ્રેકિંગને અસર પહોંચે છે. હાલ અલંગની પરિસ્થિતિ સુધરી રહી છે અને આગામી સમયમાં વધુ જહાજ આવે તેવી આશા છે. રમેશભાઇ મેંદપરા, ઉપ-પ્રમુખ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)

અન્ય સમાચારો પણ છે...