કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઈ કરતા તેની પત્ની પાસે મિલ્કત વધુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર મનહરભાઈ નાગજીભાઈ પટેલ કરતા તેઓની પત્ની નીતાબેન મનહરભાઈ પટેલ પાસે જંગમ અને સ્થાવર મિલકત વધુ હોવાનું તેઓએ રજૂ કરેલા એફિડેવિટ પરથી પ્રતિપાદિત થાય છે. મનહરભાઇ પટેલ કરતા તેમની પત્નીને રૂપિયા 75,80,255 ની કિંમતની સ્થાવર અને જંગલ મિલકત વધુ છે.

ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઈ પટેલ સ્વામી બાબા એગ્રોપેક પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે. જૂનાગઢ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં ડિપ્લોમા એગ્રીકલ્ચર મનહરભાઈ રિવોલ્વર પણ ધરાવે છે. તેઓ પાસે 17લાખની કિંમતનું 500 ગ્રામ સોનુ છે જ્યારે તેમની પત્ની પાસે 65 લાખની કિંમતનું 2000 ગ્રામ સોનુ અને દોઢ લાખની કિંમતનું બે કિલો ચાંદી છે. મનહરભાઈ પાસે કોઈ વાહન નથી પરંતુ તેમની પત્ની પાસે રૂપિયા 5.78 લાખની કિંમતની ફોર્ડ કંપનીની કાર છે.

મનહરભાઈ 90 લાખની વર્તમાન બજાર કિંમતની વારસાગત કૃષિ જમીન તેમજ અમદાવાદમાં એક કરોડની કિંમતની ઓફિસ અને પાટણમાં રૂપિયા 90,50,000 ની કિંમતનું મકાન ધરાવે છે. જ્યારે તેમની પત્નીના નામે અમદાવાદ બોપલમાં રૂપિયા 3,27,00,000 ની કિંમતનો બંગલો છે. મનહરભાઈ પાસે રૂપિયા 72,26,348 ની જંગમ મિલકત અને રૂપિયા 2,80,50,000ની સ્થાવર મિલકત છે. જ્યારે તેમની પત્ની નીતાબેન પાસે રૂપિયા 79,85,487 ની જંગમ મિલકત અને રૂપિયા 3,48,71,116 ની સ્થાવર મિલકત છે. આમ મનહરભાઇ પટેલ કરતા તેમની પત્ની નીતાબેન પાસે સ્થાવર અને જંગમ મિલકત બંને વધુ છે.

અન્ય સમાચારો પણ છે...