તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંત્રીપદ, કરોડો રૂપિયા, દબાણમાં આવી ધારાસભ્યો જાય છે : ચાવડા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે તેના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યુ હતુકે, કોઇ મંત્રીપદ લેવા, કોઇ કરોડો રૂપિયાની લાલચમાં કે કોઇ દબાણમાં આવી ભાજપમાં જોડાઇ રહ્યા છે.

લોકસભાના ચૂંટણી પ્રચાર્થે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રીયંકા ગાંધી તા.15મી એપ્રિલે મહુવા નજીકના નાના આસારણા ગામે આવી રહ્યા છે તેની તૈયારીઓ અંગે પક્ષના કાર્યકરોની મીટિંગને સંબોધવા ભાવનગર આવેલા અમિત ચાવડાએ જણાવ્યુ હતુકે, કોંગ્રેસ માસ પાર્ટી છે, આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે, કાર્યકરો જ કોંગ્રેસની શક્તિ છે. એવા સંજોગોમાં કેટલાક ધારાસભ્યો વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ સંતોષવા માટે, કોઇ મંત્રીપદ લેવા માટે, કોઇ કરોડો રૂપિયાની લાલચમાં અથવા કોઇ દબાણમાં આવી પક્ષ અને પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા છે, કોંગ્રેસ આજે પણ એટલી જ મજબૂત પાર્ટી છે.

દ્વારકાના ધારાસભ્ય પબૂભા માણેકના સભ્યપદ રદ્દ કરતા હાઇકોર્ટના હુકમ અંગે ચાવડાએ જણાવ્યુ હતુકે, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઇ ગોરીયા (આહિર)એ પબૂભા માણેકના ઉમેદવારી ફોર્મની વિગતો અધૂરી હોવા અંગે લેખિતમાં વાંધો લીધો હતો, પરંતુ અધિકારીઓએ સરકારના દબાણ તળે અધૂરી વિગતો હોવા છતા ભાજપ ઉમેદવાર માણેકનું ફોર્મ મંજૂર કર્યુ હતુ જે આજે હાઇકોર્ટે રદ્દ કરવાનો અને પુન: ચૂંટણી કરાવવાનો હુકમ કર્યો છે, આ પ્રજાના ન્યાયતંત્ર પરના વિશ્વાસનો વિજય છે.

અલ્પેશનું ધારાસભ્યપદ રદ્દ કરવા અભિપ્રાય લેવાશે
અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપ્યુ છે પરંતુ ધારાસભ્ય તરીકે હજુ ચાલુ છે, તેના અંગે કોંગ્રેસ શું કરી રહ્યુ છે તે પુછતા જીપીસીસી અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યુ હતુકે, ઠાકોરે રાજીનામુ આપવાની જે વાત કરી છે અને પક્ષ વિરોધી જે પ્રવૃત્તિ કરી છે, તેનું ધારાસભ્યપદ રદ્દ કરાવવા માટે અમે કાયદાકીય અભિપ્રાય મેળવી રહ્યા છીએ, પક્ષનું હાઇકમાન્ડ આ દિશામાં ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. ન્યાયિક પ્રક્રિયાના માધ્યમથી કોંગ્રેસના સીમ્બોલ પર જે ચૂંટાયા છે અને પક્ષમાંથી રાજીનામું આપ્યુ છે તેઓનું ધારાસભ્યપદ રદ્દ કરાવવાની કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...