• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જિલ્લામાં સૌથી મોટી રેડ : પોલીસે 94 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો

જિલ્લામાં સૌથી મોટી રેડ : પોલીસે 94 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર, સિહોર બ્યુરો | 25 ફેબ્રુઆરી

સિહોરની એક સોસાયટીમાં આવેલ રહેણાંકી વિસ્તારના મકાનમાં બાતમીના આધારે ભાવનગર એસઓજી પોલીસ અને સિહોર પોલીસે સંયુકતપણે એક મોટી સફળ રેડ પાડી ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અનેક પરિવારોને બરબાદ કરી નાખતા દારૂના દુષણ સામે પોલીસને ખરેખર ઇમાનદારી પૂર્વક પગલા લઇ કડક હાથે કામ લે તો કેટકેટલાય બુટલેગરો ભોં ભેગા થઇ જાય અને અનેક પરિવારોને ભાંગતા બચાવી શકાય. આવીજ રીતે પોલીસની ઇચ્છાશક્તિને કારણે ભાવનગર એસઓજી પોલીસ અને સિહોર પોલીસે બાતમીના આધારે ખુલ્લેઆમ દારૂ વેચતા સિહોરના કરકોલીયા રોડ પર આવેલ એકતા સોસાયટીમાં રહેતા જયેશ ભાણજીભાઇ મકવાણાના રહેણાંકી મકાનમાં રેડ પાડી હતી. ઘડી માટે પોલીસે પણ રેડ દરમ્યાન અધધ વિદેશી દારૂના મસમોટા જથ્થાને જોઇ અચંબામાં પડી ગઇ હતી. પોલીસે બુટલેગર જયેશના રહેણાંકી મકાનમાં આવેલ ગોડાઉનમાંથી ગણતરી ચાલી રહી હતી. ત્યાં સુધીમાં આશરે 1207થી વધુ વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની દારૂની પેટીઓ કબજે કરી હતી. જેની કિંમત આંકતા રૂ.93 લાખ 95 હજાર કરતા પણ વધુ કિંમતનો દારૂ કબજે લેવાયો હતો. આમ ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં કયારેય ન પકડાયો હોય એટલો મોટો દારૂનો જથ્થો ભાવનગર પોલીસે ઝડપી લીધો હતો. પોલીસની આવી મોટી સફળતા બાદ ભાવનગરના એસપી તથા ડીવાયએસપી સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિહોર ખાતે દોડી ગયા હતા. રેડ દરમ્યાન એક આરોપી નરેશ ઉર્ફે પીન્ટુ અમરદાસ (રહે. સિહોર) ઝડપાઇ ગયો હતો. જયારે મુખ્ય આરોપી નાસી છુટયો હતો.

દારૂ પોલીસ મથકે લાવવા પોલીસ ધંધે લાગી
વિદેશી દારૂની રેડનુ ઓપરેશન કલાકો સુધી ચાલુ રાખી ચાર જેટલી આઇશર ગાડીઓમાં ભરીને દારૂની પેટીઓ પોલીસ મથકમાં લવાઇ ગણતરી માટે વલભીપુર સહિતના આજુબાજુના પોલીસ મથકોમાંથી પોલીસ કાફલો બોલાવી માલની હેરાફેરી માટે મજુરોને બોલાવવા પડયા હતા.