• Gujarati News
  • યુવાને મોત સામે હારીને ત્રણને નવજીવન બક્ષ્યું

યુવાને મોત સામે હારીને ત્રણને નવજીવન બક્ષ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરેકમાનવીનું આજે કે કાલે મોત તો નિશ્ચિત છે પણ કેટલાકનું મોત એવું હોય છે કે જે અન્યને નવજીવન બક્ષતું જાય છે. આવો કિસ્સો ભાવનગરના સિંધી યુવાનનો છે. 35 વર્ષીય નવયુવાન વાસુભાઇનું પક્ષઘાતના તીવ્ર હુમલાથી કોમામાં સરી ગયો હતો ત્યારે તેના પરિવારજનોને યુવાનના અંગદાન માટે તબીબોની ટીમે સલાહ આપી અને તેના પરિવાર આવી કટોકટીની પળોમાં પણ સલાહ માનતા વાસુભાઇ તો હવે દુનિયામાં રહ્યા નથી પણ તેમના અંગના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું છે.

ભાવનગરના સિંધુનગરમાં રહેતા 35 વર્ષીય વાસુભાઇ કનૈયાલાલ પીધવાણીને ગત તા.21મી જૂને પક્ષઘાતનો તીવ્ર હુમલો આવતા પહેલા તેને સર તખ્તસિંહજી હોસ્પિટલમાં અને બાદમાં તેની સ્થિતિ વધુ ગંભીર થતા ડો.સૂચકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોની ટીમના અથાગ પ્રયત્ન છતાં વાસુભાઇની સ્થિતિ વધુને વધુ લથડતી ગઇ અને તે કોમામાં સરી પડ્યો હતો. યુવાન દીકરાની હાલત જોઇ તેની માતા અને સમગ્ર પરિવારજનો ભાંગી પડ્યા હતા. સમયે ડોકટરોની ટીમે વાસુભાઇ જો મૃત્યુ પામે તો તેના અંગોનું દાન કરવા સૂચન કર્યુ અને યુવાનની ફાની દુનિયામાંથી વિદાય લગભગ નિશ્ચિત હોવાના અપાર દુ:ખ વચ્ચે આખરે માતા તથા અન્ય પરિવારજનોએ અંગદાન કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.

ડો.નરેશ સૂચક, ડો.દીપક સાબુ તથા ડો.પ્રકાશ કટારિયાના સઘન પ્રયત્નોથી અમદાવાદ સ્થિત કિડની રિસર્ચ ઇન્સ્ટી.ની ટીમને અનુરોધ કરતા તબીબો સહિતની 12 વ્યક્તિની ટીમ ભાવનગર આવી પહોંચી હતી અને સૂચક હોસ્પિટલ ખાતે પહોંચીને અોપરેશન બાદ વાસુભાઇની કિડની અને લિવરને સુરક્ષિત સ્થિતિમાં કાઢી લીધું હતુ. જેમાંથી બીજા દિવસે એક કિડની ભાવનગર જિલ્લાના દૂધાળા ગામના 19 વર્ષીય દીલીપભાઇ દેવશીભાઇ માલવીયાને અને બીજી કિડની વડોદરાના 60 વર્ષીય દર્દી કલ્પનાબહેન શાહને તેમજ લિવર મહેસાણાના 42 વર્ષીય મહિલા દર્દી કવિતાબહેન ચાવડાને દેવામાં આવતા અને તે ત્રણેય અંગોનું રોપણ સફળતાપૂર્વક થતા ત્રણેયને નવજીવન મળ્યું છે.

પરિવારજનોનું સન્માન કરાયુ

આવાકપરાસમયે પણ વાસુભાઇના પરિવારજનોએ અંગદાનનો પ્રશસ્ય નિર્ણય લીધો અને તેનાથી ત્રણ દર્દીને નવજીવન મળ્યું તે માટે ડો.સૂચકે પરિવારનું સન્માન કર્યુ હતુ. તેમજ ભાવનગર શહેરમાં અંગ દાન માટે વધુમાં વધુ જાગૃતિ આવે અને માનવતા મહેંકે તેવો અનુરોધ કર્યો હતો.

અનુકરણીય