તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારની સવાર પડી...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દાસભાઇ હાથમાં દાતણ સાથે ગેલેરીમાં પ્રવેશે છે)

શું દાસભાઈ સરકાર ભાવનગર પર વરસી પડીને ?

કેમ સરકારે ભાવનગરમાં ઘરવેરો, પાણીવેરો લેવાનું માફ કર્યું તે તમે આમ કહો છો ?

અરે ના દાસભાઈ ના... વેરામાં તો વધારો ઝીંકાયો છે. હું તો રાજ્ય સરકારના બજેટમાં ભાવનગર માટે અનેક નવા િવકાસ કાર્યોની જાહેરાત કરી છે ને એટલે કહુ છું.

બેટમજી પહેલા સરકાર ભાવનગરને લોલીપોપ આપતી હતી પણ હવે આખેઆખા લોલીપોપના પેકેટ આપે છે.

દાસભાઈ કેમ તમે આમ આડુઅવળુ બોલો છો.

તમને ખબર નથી ભાવનગરમાં સિક્સટ્રેક રોડ બનવાનો છે, આર્ટગેલેરી, કંસારાના કાંઠા અને એક ફ્લાય ઓવર પણ બનવાનો છે આને તમે લોલીપોપ કહો છો ?

બેટમજી બધી યોજના અગાઉ ભાવનગર મહાનગરપાિલકાએ જાહેર કરી દીધી છે. એમ તો અમદાવાદ શોર્ટરૂટ ફોરલેન બનાવવાની પણ જાહેરાત થઈ પણ બધુ ધોલેરા સુધી થવાનું છે. ભાવનગર સુધીનું કામ તો સર્વેમાં ફરતું રહેવાનું છે તે તમે લખી રાખજો.

દાસભાઈ હોતુ હશે એવું ધારાસભ્યો િદવસ-રાત મંત્રીઓની કેબીનોમાં જઈ ફોર-લેન, ફોર-લેનની ધૂન લે છે તે સરકારમાં આટલું તો એમનું ચાલે ને.

અરે ભાઈ એમ તો એરપોર્ટ બંધ થાય માટે ભારતીબેને પણ િશયાળ થઈ સંસદમાં અવાજ ઊઠાવ્યો અને મનસુખભાઈએ તો કોઈ સંજોગોમાં હવાઈ સેવા બંધ નહીં થાય એવું છાતી ઠોકીને કીધુ છે. પણ કોઈ વિમાન ચાલુ થાય એવા કોઈ એંધાણ દેખાતા નથી.

અરે દાસભાઈ બે સાંસદો આવુ કહે અને ઠેઠ સંસદમાં અવાજ ઊઠાવે પછી સરકારે પણ એરપોર્ટ ચાલુ રાખવું પડે હો. ભાવનગરના નેતાઓ એમ તો ‘વજનવાળા’ છે.

હા ભાઈ વજન તો હવે કેન્દ્રમાં અને રાજ્યમાં બધે ભાજપની સરકાર છે એટલે સાંસદો-ધારાસભ્યોનું પડવું જોઈએ પણ બધું નિવડે વખાણાય બાકી ભાવનગરીઓ પણ કાંઈ ભાનવગરીઓ નથી હો...

દાસભાઈ રેલવે બજેટમાં એકપણ લાંબા અંતરની ટ્રેન તો મળી પણ ટ્રેનના રિપેરિંગનું અહીં ગોઠવાયું છે તેમ ધીરેધીરે પ્લેનના રિપેરિંગનું પણ ગોઠવાશે. એવું લાગે છે કેમ ?

હા ભાઈ આવડી મોટી એરપોર્ટની જમીન, મકાનને મશીનરી કાંઈ એળે થોડી જવા દેવાય. ભાવનગરમાં વિમાનો ઊડતા બંધ થશે તોય નેતાઓ તો ઊડ ઊડ કરે રાખવાના નક્કી છે.

દાસભાઈ ભાવનગરની પ્રજા પણ સાવ બીકણ છે. િવમાની સેવા બંધ થશે તો ભાવનગર શહેર મટી ગામડું વહેલું બનશે વાત બધા ચાની લારીને પાનના ગલ્લે જોરશોરથી બોલશે પણ એનાથી આગળ કાંઈ નહીં હો...

દાસભાઈ વિરોધ બધા એવા હોય. કોર્પો.માં કોંગ્રેસ પક્ષે કચરા અને પછી કરવેરા માટે િવરોધ કરી અંતે શું કર્યું ? શું ગામમાંથી કચરો દૂર થયો ? વેરામાં વધઘટ થઈ ?

ભાઈસાબ કોન્ગ-રેસમાં બધા એકબીજાને પાડી દેવાની રેસમાં છે. ભાવનગરમાં કબડ્ડીની રમતને કારણે તો પ્રજા બિચારી ફુલ-રેકેટનું ફૂલ બની અહીં તહીં ફંગોળાયા કરે છે.

દાસભાઈ ફંગોળાય તો પાટીદારો છે. હરિયાણામાં જાટના આંદોલનને પગલે સરકારે તરત અનામત આપી દીધી. અહીં અનામત અાંદોલનકારીને જેલમાં મનાવવાનો રોજ ખેલ ચાલે છે. આનંદીબેનને - નંદી નાખ્યા પછી અ-મીતભાઈના કાળજે ટાઢક વળશે એમ લાગે છે.

અે ભાઈ તમે મેષ રાશીના ઝગડાવાળી વાત આમ જાહેરમાં કરતા. કોણ નંદવાશે ને ક્યારે નંદવાશે એનો તો ભાવનગરની બજારોમાં સટ્ટો શરૂ થયો છે સટ્ટો.

દાસભાઈ જુગાર તો સ્ટેન્ડિંગ કમિટીએ ઓપન બેઠક રાખીને ખેડયો છે એવું તમે કહેતા હતા ને?

ભાઈસાબ કમિટીના ઠરાવની ચર્ચા થાય કે પછી કોન્ટ્રાકટરને બોલાવી ‘વહીવટ’ થાય એવું બધું હવે કમિટીની બેઠકમાં તો નહીં ચાલે.

સારૂ દાસભાઈ એટલે બધુ બેઠક પહેલા નક્કી થશે અને પછી કમિટીની દેખાવ ખાતર બેઠક મળશે એમ?

(કઠોડે જોરથી દાંતણ પછાડીને) ભાઈસાબ બધુ મને પૂછોમાં. પક્ષ પ્રમુખ ને પૂછો કે તમે બધો ‘વહીવટ’ કેમ ચલાવશો ?

(અંદરથી અવાજ) કહુ છું તમે ડોકટરોના રંગસ્વરા કાર્યક્રમમાં અને ઘરશાળાના સમસ્કૃતિ કાર્યક્રમમાં લઈ જઈ મારો તો રવિવાર સુધારી દીધો. પરણીને આવી તે િદવસનું સાંભળું છે કે ભાવનગર કલાનગરી છે પણ કલારસિક અને કલાપારખુ પણ છે હો.

દાસભાઈ તમે ધીરેધીરે મારા બેનને સંગીતનાં રસિયા કરી દીધા હો. બાકી કોર્ટમાં બે-પાંચ વકિલોને હડકાયુ કૂતરૂ કરડયાના વાવડ છે અને તંત્ર એમાં દોડતું પણ થઈ ગયું છે. પણ હજી સુધી ગામમાં રખડતી ગાયો કે આખલાઓએ કોઈ કાળા ડગલાવાળાને હડફેટે લીધા નથી લાગતા. ચારેબાજુ ગાયોનો ત્રાસ એટલો બધો છે કે વાત પૂછોમાં. પણ તંત્ર એમ કાંઈ પગલા થોડા ભરશે ?

ભાઈસાબ 251માં સ્માર્ટ ફોન દ્વારા કદાચ મૂર્ખાઓની ગણતરી શરૂ થઈ હોય એમ રખડતી ગાયો પણ કદાચ એમની વસ્તી ગણતરી ચાલુ હશે એટલે આંટા મારતી હશે.

દાસભાઈ મુકો ને ગાયોનું પૂરાણ પણ તમારા મિત્રના શું ખબર છે તો કહો ?

અમારા એક મિત્રએ તેના લગ્ન પછી સસરા પાસેથી પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે રૂા. ત્રણ લાખનું દહેજ લીધું હતું.

દાસભાઈ જમાઈની સારવાર માટે સસરા પૈસા આપે તેને દહેજ કહેવાય હો.

અરે હા ભાઈ પણ પૂરી વાત તો સાંભળો. મિત્રએ પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી પછી એને મિત્રની પત્ની અને તેના સસરા ગોત્યા કરે છે પણ મિત્ર મળતા નથી !!

તમે સમજ્યા ?

-તારક શાહ

અન્ય સમાચારો પણ છે...