તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારની સવાર પડી...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દાસભાઇ હાથમાં દાંતણ સાથે ગેલેરીમાં પ્રવેશે છે.)

નોટગણીને સાજન

બેઠું માંડવે...

નોટ ગણીને સાજન

બેઠું માંડવે

દાસભાઈશું સવાર સવારમાં રાગડા તાણવાનું શરૂ કર્યું છે.

અરે ભાઈ રાગડા નથી તાણતો. તો અત્યારે લગ્ન લઈને બેઠેલા લોકોની વેદના ગાઉં છું બાકી તો સ્પંદન અને સૌરાષ્ટ્ર સમાચારે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ ભાવરંગ રાખ્યો હતો એનો મને રંગ લાગ્યો છે.

તે રંગ લાગેજ ને દાસભાઈ ભાવનગરમાં તો પ્રથમવાર આવો સંગીતના ઉસ્તાદો સાથેનો સળંગ ચાર દિવસનો કાર્યક્રમ ગોઠવાયો હતો.

અરે બેટમજી એમાંય પંડિત જસરાજે 85-86 વર્ષની ઉંમરે જે જોમ અને જુસ્સા સાથે સંગીત પીરસ્યું હતું... આ...હા... ગજબનું હતું.

દાસભાઈ તમે શાસ્ત્રીય સંગીતની વાત કરો છો પણ અત્યારે તો નોટબંધીના કારણે લગ્ન હોય તે નહીં પણ બધા નોટો ગણવા બેસી ગયા છે.

અરે ભાઈ પૈસો તો હાથનો મેલ છે. મહિલાઓને પૈસા બેંકમાંથી નથી મળતા એની તકલીફ નથી પણ પતિથી રાખેલી ખાનગી મૂડી જાહેર કરવી પડી એની તકલીફ છે. બાકી નોટબંધી ભાજપ માટે વોટબંધી બને માટે કોંગ્રેસે કમર કસી છે અને રસ્તા રોકો, બંધના એલાન પણ આપ્યા છે.

હા દાસભાઈ નોટબંધી જાહેર થઈ એના બીજા દિવસે આંદોલન થવું જોઈતું હતું પણ બધા પેલા પોતાની નોટને ઠેકાણે પાડે પછી પ્રજાનું િવચારે ને.

અરે ભાઈસાબ ગાડરીયા પ્રવાહમાં કોંગ્રેસે વિરોધ કર્યો તે પણ ઘણું છે. શહેરમાં તો ઠીક બાકી ગામડામાં ચલણ બંધ થયું છે અને ‘વસ્તુ સાટે વસ્તુ’નો વ્યવહાર શરૂ થયો છે.

અરે દાસભાઈ શહેરમાં પણ હવે પડોશનો વાટકી વ્યવહાર બંધ થયો છે. મની ક્રાઈસીસમાં દૂધની થેલી કે ખાંડની વાટકી પડોશમાં ઉધાર માંગવા જાવ તો તકલીફમાં મુકાય જાવ એમ છો.

સાચી વાત છે ભાઈ સરકાર રોજેરોજ નવી જાહેરાત કરે છે. બેંકમાંથી 24000 મળશે, લગ્નના અઢી લાખ મળશે પણ બેંકો પાસે નોટો હોય તો ગ્રાહકોને આપે ને? બધા છતે પૈસે ભીખારી થઈ ગયા છે ભીખારી.

હા દાસભાઈ આપણે ભાવનગરના લોકો જેમ છતે નેતાએ સુવિધા માટે સરકાર પાસે ભીખ માંગીએ છીએને એમ!!

બેટમજી પોઝિટિવ લેતા શીખો. આપણા ભાવનગરીઓને પહેલેથી આવી ભીખ માંગવાની ટેવ પડી છે તે સંકટ સમયે કામ આવે છે ને? આપણે માંગવામાં શરમાવું નહીં. સરકાર ભલે ભાવનગરને આપવામાં શરમાય.

દાસભાઈ ખાટલે મોટી ખોડ એજ છે કે આપણે માંગતા નથી. ભાવનગર બધી રીતે અનુકૂળ હોવા છતાં રાજકોટે ઈન્ટરનેશનલ એરપોર્ટ માંગ્યું અને હવે સરકાર આપશે પણ ખરી.

અરે ભાઈ હમણાં ગાંધીનગરમાં સૌરભભાઈ પટેલના પુત્રના લગ્નમાં રાજકિય મેળાવડો જામ્યો હતો ત્યાં બધા ભાવનગર અંગે ચિંતા કરતા હતા. ગામમાં કોઈ સર્વે કરાવે તો ખબર પડે કે વેપાર-ઉદ્યોગ નહીં ભાવનગરમાંથી અનેક કુટુંબોએ પણ ઉચાળા ભર્યા છે. ભાવનગર મોટુ ગામડુ બની ગયું છે ગામડું.

દાસભાઈ લગ્નનો મેળાવડો તો અનીભાઈ રંગોલીવાળાને ત્યાં પણ ભવ્ય હતો. રાજકિય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓથી માંડી સામાન્ય વર્ગના લોકો સુધી બધા હરખભેર ઉમટ્યા હતા.

હા ભાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના લગ્ન બાદ વર્ષો પછી ભાવનગરમાં આવો ભવ્ય લગ્ન સમારંભ જોયો. એમાંય આટલા બધા માણસોમાંથી કોઈને તકલીફ પડે એવું મેનેજમેન્ટ જોરદાર હતું.

(અંદરથી અવાજ) કહું છું કુટુંબમાં લગ્ન છે તો વાતોથી દિ’ નહીં વળે. ઝટ પરવારીને કામકાજે લાગો. આપણે પણ કુટુંબમાં પહેલીવાર એક સપ્તાહમાં બે લગ્ન છે. અને બ્યુટીપાર્લરને મહેંદીવાળાનું ભૂલતા નહીં. તમારા એકેય કામમાં ભલીવાર હોતો નથી.

દાસભાઈ ભત્રીજા અને ભત્રીજીના લગ્ન છે એટલે બધી દોડધામ છે કે પછી તમે નોટોના ચક્કરમાં દોડધામ કરો છો.

અરે ભાઈ નોટોની દોડધામય નથી કે લગ્નની દોડધામ નથી. તો િશક્ષણ સમિતિમાં ચેરમેન બનવા ઉમેદવારોની હડિયાપાટી છે. બાકી રાહુ-કેતુ સામા હોય ત્યારે અંદરોઅંદર ટાંટિયાખેંચ થોડી કરાય ?

દાસભાઈ આમાં રાહુ-કેતુની વાત ક્યાં આવી ?

અરે ભાઈસાબ ગ્રહોની વાત નથી કરતો જ્યારથી નોટબંધીનું શરૂ થયું છે ત્યારથી સોશિયલ મીડિયામાં રાહુ એટલે રાહુલ અને કેતુ એટલે કેજરીવાલ એમ ઓળખાય છે.

દાસભાઈ બન્ને મોટા નેતાઓ છે એટલે એને વાંધો નહીં. બાકી શનિ-રવિ બેંકની રજા અને આજે સોમવારે બંધનું એલાન છે. ઉપરથી એટીએમમાં નાણાં નથી ના બોર્ડ લાગ્યા છે. લોકો પૈસા વગર જબરા અકળાયા છે.

હા ભાઈ અકળામણ તો અમારા એક મિત્રને પણ બરાબરની થાય છે.

કેમ દાસભાઈ શું થયું ?

અરે અમારા મિત્રનું કહેવું છે કે દૂધવાળા હડતાલ પર જાય તો દૂધ રસ્તા પર ઢોળી દે છે. શાકવાળા હડતાલ પર જાય તો રસ્તા પર શાકભાજી-ટમેટાનો ઢગલો થઈ જાય છે.

બસ એક જવેર્લ્સવાળા હડતાલ પર જતા નથી...!!

તમે સમજ્યા...?

-તારકશાહ

અન્ય સમાચારો પણ છે...