સ્પર્ધા કરવા માટે BSNL દ્વારા ભાવનગરમાં 4G લોન્ચ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનગી કંપનીઓ સાથેની ગળાકાપ હરિફાઇમાં ભારત સંચાર નિગમ લિમિટેડને ટકાવી રાખવા માટેના મરણીયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં તકનીકી ખામીઓ દૂરસ્ત કરી અને 4G ટુંક સમયમાં લોન્ચ કરવાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ભાવનગર બીઅેસએનએલના જનરલ મેનેજર પ્રશાંત ઢોરેએ જણાવ્યુ હતુકે, 4જી સેવાઓ શરૂ કરવા માટે 90 ટાવરો અને મશિનરીઓના અપગ્રેડેશનની કામગીરી હાલ ચાલુ છે. જે વિસ્તારો નોન ફિઝિબલ ઝોનમાં છે ત્યાં પણ બીઅેસએનએલ દ્વારા વાયરલેસ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. ગામડાઓમાં પણ સેવાઓ દુરસ્ત કરવા માટે ટેકનોલોજી અપગ્રેડેશનનું કામ શરૂ છે. લેન્ડલાઇન બચાવી રાખવા માટે નવી નવી સ્કીમો લાવી અને આકર્ષણ ઉભુ કરવાના તંત્રના પ્રયાસો કારગત નીવડી રહ્યા છે, અને ગત વર્ષની સરખામણીમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નથી થયો તે પણ રાહતની બાબત ગણી શાય તેમ છે.

રીફંડ આપવાના નાણા નહીં હોવાનો એકરાર
BSNL એકાઉન્ટ વિભાગના અધિકારી કેયુરભાઇને રીફંડ કેટલા સમયમાં આપવાનું હોય છે તેની કોઇ નક્કર માહિતી ન હતી. ભાવનગરમાં લેન્ડલાઇન બંધ કરાવેલા 2500 જેટલા ગ્રાહકોના રીફંડ 10 માસથી ચૂકવવામાં આવી રહ્યા નહીં હોવા બાબતે જનરલ મેનેજર પ્રશાંત ઢોરેએ નિખાલસ કબૂલાત સાથે જણાવ્યુ હતુકે, આર્થિક સ્થિતિ સારી નથી, અમારા પગાર પણ લોન લઇને કરવામાં આવે છે. રીફંડના નાણા ધીમે ધીમે તમામને ચૂક્તે કરવામાં આવશે.

ગો ગ્રીનને પ્રોત્સાહન આપવા Rs.10નું રીબેટ
પેપરલેસ કામગીરી આગળ ધપાવવા અને ભારત સરકારના ગો ગ્રીન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહકો જો પીડીએફ ફોર્મેટમાં બિલ ઓનલાઇન મંગાવે અને તેનું ચુકવણુ પણ ઓનલાઇન કરે તો તેઓને પ્રતિ બિલ રૂપિયા 10નું પ્રોત્સાહક રીબેટ આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...