• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ સર્જાયો

યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ સર્જાયો

Bhavnagar - યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ સર્જાયો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:41 AM IST
મહારાજા કૃ્ષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં 21મી ઓક્ટોબરના રોજ સેનેટ સભ્યો માટેનું મતદાન યોજાનાર છે, અને અત્યારથી જ મુખ્ય બંને વિદ્યાર્થી સંગઠ્ઠનો ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે, જ્યારે ઉમેદવારોની પસંદગી બાબતે પણ ચોક્કસાઇ વર્તવામાં આવી રહી છે.

ભાજપની વિદ્યાર્થી પાંખ ગણાતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ (નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડીયા) ઉમેદવારોની પસંદગી માટે મીટિંગોનો દોર શરૂ કર્યો છે, અને મતદાર યાદી પ્રમાણે કોણ-ક્યાં ઉપયોગી થઇ શકે અને કોને મત અપાવી શકે તેના સમિકરણો પણ રચવામાં વ્યસ્ત બન્યા છે. બીજી તરફ એનએસયુઆઇમાંથી છુટુ પડેલુ સ્ટુડન્ટ પાવર ગ્રુપ પણ તમામ સાતેય ફેકલ્ટીની ચૂંટણી લડવાની ઘોષણા કરી ચૂક્યુ છે, તેથી એનએસયુઆઇ હવે પોતાના ઉમેદવારો શોધવા કરતા હરિફ જૂથો ક્યા ઉમેદવારો ઉતારી શકે તેના પર મીટ માંડીને બેઠા છે.

કોમર્સ વિભાગમાં એનએસયુઆઇ દ્વારા પી.જી.ગોહિલ, મહેબૂબખાન બલોચ, પાર્થ શાહ તથા એબીવીપી દ્વારા અનીષ વ્યાસ, રાઘવ ત્રિવેદીના નામની વિચારણા ચાલી રહી છે. આર્ટ્સ વિભાગમાં એનએસયુઆઇમાં રાજપાલસિંહ જાડેજા, કિશોર કંટારીયા, શિવાભાઇ ડાભી તથા એબીવીપીમાંથી અમર આચાર્ય અથવા નવા ઉમેદવાર વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. સાયન્સમાં એનએસયુઆઇમાં ચેતન ધાનાણી અને ઉપેન્દ્રસિંહ રાણા તથા એબીવીપીમાંથી પાર્થ દવે, બી.કે.ગોહિલ ઉમેદવાર બનવા થનગની રહ્યા છે. લો ફેકલ્ટીમાં એનએસયુઆઇમાં પ્રીતિબેન ગાંધી અથવા કિરણભાઇ ગાંધી, અેબીવીપીમાંથી પી.ડી.ગોહિલ અને કેતન પરમાર વચ્ચે ખેંચતાણ છે. મેડિકલમાં એનએસયુઆઇ મીલન સોજીત્રાને તથા એબીવીપી કપિલ વ્યાસને મેદાને ઉતારે તેવી શક્યતા છે.

એન્જીનિયરિંગ - ડેન્ટલમાં NSUIમાં હિરેન પારેખ અથવા નવું નામ આવશે જ્યારે એબીવીપીમાં મુકેશ ચૌહાણ. ગ્રામ્ય વિદ્યાશાખામાં એનએસયુઆઇમાંથી નરશીભાઇ ચૌહાણ, બાબુભાઇ ચૌહાણ અને એબીવીપીમાંથી કોઇ નવા ચહેરાની શોધ ચાલી રહી છે. સ્ટુડન્ટ પાવર ગ્રુપ અસંતુષ્ઠ વિદ્યાર્થી નેતાઓ પર નજર દોડાવી રહ્યું છે.

રાજકારણનું પ્રથમ પગથીયુ સેનેટ સભા

યુનિવર્સિટીમાં સેનેટ સભાની ચૂંટણી દરે જગ્યાએ રસપ્રદ બને છે. સક્રિય રાજકારણ માટેનું આ પ્રથમ પગથીયું ગણવામાં આવે છે. હાલના રાજકીય નેતાઓ અગાઉ વિદ્યાર્થી નેતાગીરી ક્ષેત્રે પા-પા પગલી માંડી આગળ આવેલાના દાખલા છે. સેનેટ સભાની ચૂંટણીમાં મતદાર યાદી પ્રમાણે કેનવાસિંગ કરવું, હરિફ ઉમેદવારોને કેવી રીતે પછાડી શકાય તેની રણનીતિઓ ઘડવી, મતદારોને મતકુટિર સુધી દોરી જવા સહિતની અનેક કામગીરીઓ કરવાની હોય છે.

X
Bhavnagar - યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ સર્જાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી