સત્ર શરૂ થયાના 3 માસ બાદ પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલ વિહોણા છે !

Bhavnagar - સત્ર શરૂ થયાના 3 માસ બાદ પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલ વિહોણા છે !

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:41 AM IST
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા લેવામાં આવી રહેલા વિચિત્ર નિર્ણયોનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ વિભાગની યુ.જી. હોસ્ટેલોનું મરામત કામ કરવામાં આવી રહ્યું છે, તેના કારણે વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, અને આર્થિક ભારણમાં પણ ગરકાવ થઇ રહ્યા છે.

યુ.જી. વિભાગની કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ વિભાગની હોસ્ટેલનું મરામત કાર્ય છેલ્લા 4 મહિનાથી ચાલી રહ્યું છે, અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2018-19ના પ્રથમ સત્રમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. ત્રણેય ફેકલ્ટીના બહારગામના વિદ્યાર્થીઓએ ભાવનગરમાં રહી અને અભ્યાસ કરવા માટે ફરજીયાતપણે ખાનગી હોસ્ટેલો કે પેઇંગ ગેસ્ટ, ભાગીદારીમાં રહેવાની વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

યુનિવર્સિટી સત્તાધિશોની અણઆવડતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ વિભાગની હોસ્ટેલોનું મરામત કાર્ય તબક્કાવાર કરાવવાને બદલે એક સાથે ત્રણેય હોસ્ટેલનું રીનોવેશન હાથ ધરવામાં આવ્યુ છે. જો ત્રણેય હોસ્ટેલનું તબક્કાવાર મરામતકામ કરાવાયુ હોત તો એક બીજા વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં સમાવેશ કરી અને બાકીની હોસ્ટેલ પણ રીપેર કરાવી શકાય હોત.

હાલ ત્રણેય હોસ્ટેલના મળીને આશરે 500 વિદ્યાર્થીઓએ રહેવા માટેની વ્યવસ્થા અન્યત્ર કરવી પડી રહી છે તેથી ગ્રામ્યકક્ષાના વિદ્યાર્થીઓને ભારે આર્થિક ભારણનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે પી.જી.હોસ્ટેલમાં 95ની ક્ષમતા સામે 30 યુ.જી.ના વિદ્યાર્થીઓને રહેવાની હંગામી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થા પર્યાપ્ત માત્રામાં નહીં હોવાથી બાકીના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હજુ દોઢ-બે માસનો સમય લાગે તેમ છે

કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ વિભાગની યુ.જી. હોસ્ટેલનું રીનોવેશન કામ ચાલી રહ્યું છે. હજુ દોઢ-બે માસનો સમય લાગે તેમ છે. છતા કોન્ટ્રાક્ટરને જેમ બને તેમ વહેલા કામગીરી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવ્યુ છે. જતન ત્રિવેદી, નાયબ કાર્યપાલક ઇજનેર, એમ.કે.ભાવનગર યુનિવર્સિટી

X
Bhavnagar - સત્ર શરૂ થયાના 3 માસ બાદ પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલ વિહોણા છે !
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી