તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થળ તપાસમાં વિસંગતતા જણાશે તો જીએસટીનું રજીસ્ટ્રેશન રદ્દનો આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં રહેલી નાની નાની ક્ષતિઓને શોધી કાઢી તેનો ભરપૂર ફાયદો ઉઠાવી ભેજાબાજો કરોડો રૂપિયાનો કર ગજવામાં સેરવી રહ્યા છે. આવા લોકોને નાથવા ધીમી છતા મક્કમ ગતિએ તંત્ર આગળ ધપ્યુ છે. અને પેઢીના રજીસ્ટ્રેશનની ચકાસણીના આદેશ કરવામાં આવ્યા છે, અને જો તેમાં કોઇ વિસંગતતાઓ જણાઇ આવશે તો રજીસ્ટ્રેશન રદ્દ કરવા સુધીના પગલા ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જીએસટી અમલી બન્યો ત્યારે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઇન્સપેક્ટરરાજનો યુગ ખતમ કરવાના હેતુથી ધંધાની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન બનાવવામાં આવી હતી, અને જીએસટી નંબર પણ ઓનલાઇન મળી જતો હતો. પરંતુ ભેજાબાજો દ્વારા કોઇકના દસ્તાવેજોના આધારે ધંધાની પેઢીનું રજીસ્ટ્રેશન કરાવી અને બોગસ બિલિંગ આચરી રહ્યા હતા.

આ બાબતને કેવી રીતે કાબૂમાં લાવી શકાય તેના માટે તંત્ર માથું ખંજવાળી રહ્યું હતુ. દરમિયાન જીએસટી રજીસ્ટ્રેશન વખતે ધંધાનું જે સ્થળ દર્શાવવામાં આવ્યુ હોય તેની સ્થળ ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને સ્થળ ચકાસણી દરમિયાન પેઢીના દસ્તાવેજો અને સ્થળ અંગેની કોઇ વિસંગતતાઓ મળી આવશે તો પેઢીનું રજીસ્ટ્રેશન રદ્દ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

ઉપરાંત સ્થળ ચકાસણી કરવા માટે જતા અધિકારીઓ કે કર્મચારીઓને સ્થળ તપાસનો રીપોર્ટ 3 દિવસમાં પોર્ટલ ઉપર અપલોડ કરવાની તાકીદ કરવામાં આવી છે.

દરેક પેઢીની ફરજીયાત સ્થળ ચકાસણી કરવાનું અધિકારીઓને કહેવામાં અાવ્યુ છે. અધિકારીઓને જીએસટી રજીસ્ટ્રેશન અંગેની કોઇ શંકાઓ જન્મે તો તેને પ્રથમથી જ ડામી દેવા જણાવવામાં આવ્યુ છે, અને ઓનલાઇન રજીસ્ટ્રેશન વડે જે નંબર મળી જતા હતા તેમાં સ્થળ ચકાસણી ઉમેરવામાં આવી છે.

સંવેદનશીલ વસ્તુના ધંધાની સ્થળ ચકાસણી
GSTના પેઢી રજીસ્ટ્રેશનમાં સંવેદનશીલ વસ્તુઓ જેવી કે તાંબુ, પિત્તળ, લોખંડ, ભંગાર, તેલ-તેલીબીયા, સિમેન્ટ, પ્લાયવૂડ, સીરામિકના ધંધાર્થીઓની સ્થળ ચકાસણી અધિકારીઓએ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાયદાના એમેન્ડમેન્ટ મુજબ સંવેદનશીલ વસ્તુઓની યાદી અલગ કરવામાં આવી છે, અને તેના રજીસ્ટ્રેશન નંબર અને સ્થળ ચકાસણી અંગે વિશેષ કાળજી રાખવા અધિકારીઓને ટકોર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...