ચૂંટણીનો ગરમાવો જામતો નથી, મતદારોને મનામણાના પ્રયાસો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટેની ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થઈ હવે ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રચાર-પ્રસાર માટે જોર જોર થી લાગી ગયા છે પરંતુ 40 ડિગ્રી ના ધગધગતા તાપને કારણે મતદારોને મળવા અને ઘરની બહાર લાવવા માટેના પ્રયાસો સંપૂર્ણપણે સફળ થતા નથી. મોડી સાંજ બાદ જ પ્રચાર માટેનો સમય સાનુકૂળ પડતા અને ચૂંટણી પ્રચાર માટેના દિવસો પણ ઓછા હોવાથી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અકળાયા છે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા વહેલી સવારથી ગ્રામ્ય કક્ષાનો પ્રચાર માટે નો પ્રવાસ ગોઠવી રહ્યા છે પરંતુ સવારે 11 કલાક બાદ ગરમી વધતાં પ્રચાર પ્રસાર પણ નબળું પડી જાય છે. લોક સંપર્ક ના નામે ઘર બેઠકો કરવી પડે તેવી હાલત છે. સામાન્યતઃ બસ્સો પાંચસો માણસોની વચ્ચે પ્રચાર કરતા આગેવાનો હાલમાં ગરમીના કારણે પચ્ચીસ પચાસ માણસો વચ્ચે પણ માઇક પકડી ઉભેલા દેખાય છે. મતદારોને ચૂંટણીમાં રસ જ ના હોય તેમ ઉમેદવારોની બેઠકોમાં પણ મેનેજ કરેલા માણસો અને એકલદોકલ કાર્યકર્તાઓ નજરે પડે છે. ભાવનગરમાં છેલ્લા થોડા દિવસોથી 39 અને 40 ડિગ્રીએ સૂર્યનારાયણનો પ્રકોપ રહેતા તેમજ મતદારોમાં પણ નીરસતા રહેતા ચૂંટણીટાણે ઓછું મતદાન થવાનો પણ ઉમેદવારોને ડર છે.

ધગધગતા તાપને કારણે રાજકીય પક્ષો દ્વારા ઉભા કરેલા કાર્યાલયોમાં પણ આખો દિવસ કાગડા ઉડતા હોય છે જ્યારે મોડી સાંજે ટાઢા પોરે કાર્યકરોનો જમેલો જામે છે. ભાજપના મધ્યસ્થ કાર્યાલયે ગરમીને કારણે મોડી સાંજ બાદ જ ગરમાવો જામે છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નું મધ્યસ્થ કાર્યાલય પણ હજી ખુલ્યું નથી આ વખતે ચૂંટણીનો કોઈ ટેમ્પો જ જામતો નથી કાર્યકરોમાં ઉત્સાહ નથી કે પછી ઉમેદવાર વધારે પડતા વિશ્વાસમાં છે તેની લોકોને ખબર પડતી નથી. હવે પ્રચાર માટે મોટા નેતાઓ ભાવનગર આવે પછી ટેમ્પો જામશે તેવું લાગી રહ્યું છે. જોકે દિવસો જશે તેમ વાતાવરણની ગરમી પણ વધી શકે છે.