તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા કર્મીઓને કારણે કોર્પો.ના વિભાગોમાં CCTV કેમેરા નથી..!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ કામમાં બેદરકારી ન દાખવે અને નિયમિત રહે તે માટે તમામ વિભાગોમાં અને લોબીમાં સીસીટીવી કેમેરા મુકવા એક વર્ષ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરાયો હતો. પરંતુ એક વર્ષ થયું છતાં વિભાગોમાં કેમેરા નહીં મુકાતા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય દ્વારા પ્રશ્ન ઉઠાવ્યો હતો. પરંતુ મહિલાઓનું કારણ આગળ ધરી કોઈની પ્રાઇવસી ઉપર તરાપ ન મારી શકાય તેવું કહી કેમેરા મુકાવાનું ફીંડલું વાળી દીધું હતું

કોર્પોરેશનમાં જુદા જુદા પ્રશ્નો લઈ આવતા પ્રજાજનોને અધિકારી-કર્મચારીઓ દ્વારા સંતોષકારક કામગીરી નહીં કરાતી હોવાની વારંવાર ઉઠતી ફરિયાદોને કારણે એક વર્ષ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરી આખા કોર્પોરેશન બિલ્ડિંગને સીસીટીવી કેમેરામાં કેદ કરવા નિર્ણય કરાયો હતો. પરંતુ માત્ર લોબીમાં જ કેમેરા મુકવામાં આવ્યા છે. જે સંદર્ભે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કલ્પેશભાઈ વોરાએ પ્રશ્ન પૂછતા અધિકારીઓમાં તેમજ કર્મચારીઓમાં મહિલાઓ હોવાથી કેમેરા નહિ મૂક્યાં હોવાનું કમિશનર દ્વારા જણાવાયું હતું. કુમારભાઈ શાહ દ્વારા મહિલા કોલેજ બગીચાની બદતર હાલત સંદર્ભે અગાઉ પણ રજૂઆત કરી હોવા છતાં આજ સુધી તેનું નિરાકરણ નહીં આવ્યાનું અને ધીરુભાઈ ધામેલીયા દ્વારા હિલપાર્ક થી સીદસર વાળા રોડ પર મંદગતિએ ચાલતા રોડ કામ સંદર્ભે અને દામુભાઈ પંડ્યાએ ગંગાજળિયા તળાવના ઠપ કામ બાબતે અધિકારીઓને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘન કચરાના પ્રોસેસિંગ માટે એજન્સીને 22 માસની મુદત ગત મે મહિનામાં પૂર્ણ થઇ ગઇ હોવા છતાં હજુ સુધી કોઈ કાર્ય શરૂ થયું નથી અને ઉપરથી હજુ અઢાર માસની મુદત વધારવા તંત્ર દ્વારા કરેલી દરખાસ્તમાં અભયભાઈ ચૌહાણે પૃછા કરતા સરકારની બદલાતી ગાઇડ લાઇનનું બહાનું આગળ ધર્યું હતું.

જ્યારે સુતારવાડ દાણાપીઠ વિસ્તારમાં સ્ટ્રોમ લાઈન નાખવાના મુદ્દે અભયભાઈએ વર્ષોથી આ વિસ્તારનો પાણી ભરાવાનો પ્રશ્ન હલ નહી થતા રૂ.38.66 લાખના ખર્ચે સ્ટ્રોમ લાઈન નાખવાથી આ પ્રશ્ન હલ થઈ જશે?ની અધિકારીઓ પાસે ખાતરી માગતા ગોળ ગોળ જવાબ આપતા હતા પરંતુ સ્પષ્ટ પણે કોઈ પ્રશ્નોના હલ બાબતે ખોંખારો ખાઈ કહી શક્યા નહીં. સીદસરની સૂચિત ટીપી સ્કીમમાં નવા સર્વે નંબરો ઉમેરવાની દરખાસ્ત પેન્ડિંગ રાખી અધ્યક્ષ સ્થાનેથી ત્રણ સહિત બાકી ઠરાવોને બહાલી આપી હતી.

અધિકારી સમય મર્યાદાથી અજાણ, ચેરમેન લાલચોળ
શહેરના સુતારવાડ દાણાપીઠ વિસ્તારમાં સ્ટ્રોમ લાઈન નાખવાના કામની સમય મર્યાદા પૂછતાં ડ્રેનેજ અધિકારી પરીખને તેની જાણકારી નહોતી જેથી ચેરમેન યુવરાજસિહ ગોહીલ ગુસ્સે થઈ આ લાઇનમાં કેટલા મેનહોલ અને કેટલી મુદતની પોતે માહિતી આપી હતી અને ચોમાસા પૂર્વે આ કામ પુરો કરવાની શરતે મંજૂરી આપી હતી. જોકે, શરૂઆતમાં તો આ દરખાસ્ત પેન્ડિંગ રાખવા જ હુંકાર કર્યો હતો.

મહારાજાએ 55 દિવસમાં બનાવેલો ટાઉન હોલ કોર્પોરેશન 18 માસમાં રિનોવેટ કરશે
મોતીબાગ ટાઉનહોલ રીનોવેશન તથા રીડેવલોપમેન્ટ કરવાનું કામ રૂ.4.32 કરોડના ખર્ચે કરાવવા આજે સ્ટેન્ડિંગમાં ઠરાવ કરાયો હતો. જેમાં અનિલભાઈ ત્રિવેદીએ મોતીબાગને મહારાજાએ 55 દિવસમાં બનાવ્યો હતો તો તંત્ર દ્વારા કેટલી સમયમર્યાદા હોવાનું પૂછતાં ચેરમેને કટાક્ષમાં ટેન્ડર બનાવતા જ 55 દિવસ થવાનું જણાવ્યું હતું. સિટી એન્જિનિયર દ્વારા ટાઉનહોલની ઓરિજીનાલિટી જાળવી 18 માસમાં રીનોવેશન કરનાર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...