Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના આંતરિક વિસ્તારોમાં હજુ બમ્પના ઠેકડા યથાવત
રસ્તા પર થતાં વાહન અકસ્માતો નિવારવા માટે સુપ્રીમ કોર્ટે મહાનગરપાલિકા વિસ્તારમાંથી મુખ્ય રસ્તાઓ પરના બમ્પ હટાવવા આદેશ કર્યા બાદ ભાવનગરમાં પણ રાતોરાત 100 જેટલા બમ્પ હટાવી લીધા હતા. પરંતુ ભાવનગર તો જ્યાં ને ત્યાં બમ્પને કારણે ઠેકડા નગર તરીકે ઓળખાતું થયું છે ત્યારે હજુ પણ અનેક વિસ્તારોમાં બમ્પ યથાવત સ્થિતિમાં રહેતા વ્હાલા દવલાની નીતિ રાખી હોવાનું પ્રતિપાદિત થાય છે.
ભાવનગર મહાનગરપાલિકાએ રાજકીય ઈશારે તો ઘણી જગ્યાએ ભલામણથી, રજૂઆતથી શહેરભરમાં જરૃરી હોય કે ન હોય બમ્પ બનાવી નાખ્યા છે. ઘણા વિસ્તારોમાં તો મનમાની પ્રમાણે બમ્પની વ્યાખ્યામાં જ ના આવતા હોય તેવા મોટા મોટા બમ્પ બનાવી નાખ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા શહેરમાં વાહનોને અડચણકર્તા બમ્પ દૂર કરી જરૂર હોય ત્યાં મુખ્ય રસ્તાને જોડતા માર્ગો પર નિયમ અનુસાર બમ્પ બનાવવા પણ આદેશ કર્યો છે. ભાવનગર મહાનગરપાલિકા માટે ગત 31મી ડિસેમ્બર સુધીમાં રોડ સેફ્ટી માટેની સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ બમ્પ હટાવી લેવા સુચના આપવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્યમાર્ગો પરથી તો 100 જેટલા સ્પીડ બ્રેકર રાતોરાત ખોદી નાખ્યા હતા. પરંતુ હજુ પણ શહેરના ઘણા વિસ્તારમાં આજે પણ નિયમ વિરુદ્ધ બમ્પ આમ ને આમ જ રાખ્યા છે. જે ખરેખર વાહનચાલકો માટે પણ માથાના દુ:ખાવારૂપ છે. વાહનોની ગતિ ધીમી પાડવા માટે રોડને અડીને આવેલી શૈક્ષણિક સંસ્થાઓ, ધર્મસ્થાનો અને મુખ્ય માર્ગને જોડતા રસ્તાઓ પર સ્પીડ બ્રેકર જરૂરી પણ છે. જોકે, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના માટે બમ્પ મુકવા સુપ્રીમ કોર્ટમાં કોઈ ગાઇડલાઇન નથી.
ક્યા ક્યા વિસ્તારોમાં છે બમ્પ ?
શહેરના આંતરિક વિસ્તારોમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ હજુ બમ્પ હટાવવામાં આવ્યા નથી. જેમાં ખાસ કરીને ભરતનગર, ગાયત્રીનગર, સાઈબાબા મંદિર રોડ,મિલિટ્રી સોસાયટી,પટેલનગર, મેપાનગર,લિંબડીયું, વિદ્યાનગર,વડવા,રાણીકા,આનંદનગર,કુંભારવાડા, શાસ્ત્રીનગર,વિજયરાજનગર,દેરીરોડ,બાર્ટન લાયબ્રેરી સહિતનાં વિસ્તારમાં આજે પણ બમ્પ યથાવત છે. જે ખરેખર વાહન અકસ્માત નોતરે છે.
તબક્કાવાર તમામ હટાવાશે
 રોડ સેફ્ટી સંદર્ભે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ બમ્પ હટાવવાની કામગીરી કરાઈ હતી. શરૂઆતમાં મુખ્ય માર્ગો પરના સ્પીડ બ્રેકર હટાવવામાં આવ્યા હતા. હવે તબક્કાવાર અન્ય વિસ્તારોમાંથી પણ સુપ્રીમની ગાઈડલાઈન વિરુદ્ધના બમ્પ હટાવાશે. એમ.ડી.મકવાણા, કાર્યપાલક ઇજનેર રોડ વિભાગ