તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધેવાડાના 26 વરસના યુવકનું અંગદાન 3ને આપશે નવજીવન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર પાસેના અધેવાડા ગામના રહીશ પરેશભાઇ ધનજીભાઈ મેર કોળી (ઉ.વર્ષ. 26)ને તા :08/ 04 /19 ને સવારે 9:00 વાગ્યે અચાનક બેભાન થઈ જતા સારવાર માટે સર. ટી. હોસ્પિટલ, ભાવનગરમાં સારવાર માટે લાવેલા હતા. ત્યાં તેઓને મગજનો સી. ટી. સ્કેન કરાવતા મગજની લોહીની નળીનો ફૂગ્ગો ( એન્યુરીઝમ ) બ્રેક થઈ જતાં મગજમાં લોહી પ્રસરી ગયું હતું. ત્યારબાદ તેઓની ખુબ જ ઘનિષ્ઠ સારવાર કર્યા બાદ પણ દર્દીની તબિયતમા સુધારો ન થતા તેઓને તા : 10 / 04 / 19 ના સવારે 10:00 વાગ્યે ડો. રાજેન્દ્ર કાબરીયા (ન્યુરોસર્જન)એ દર્દીને તપાસીને બ્રેઈનડેડ હોવાનું જાહેર કરેલ. ત્યારબાદ દર્દીના પિતા ધનજીભાઈ અને દર્દીના ભાઈ અનિલભાઈ તથા કેતનભાઈને દર્દીના અવયવોના દાનનું મહત્વ સમજાવતા તેઓએ આ પ્રકારના ઉમદા કાર્ય માટે અંગદાનની સંમતિ આપી હતી. ત્યારબાદ આજરોજ તા.11ના વહેલી સવારે 4:00 વાગ્યે કિડની હોસ્પિટલ,અમદાવાદથી ડો.પ્રાંજલ મોદીની ટીમ દ્વારા દર્દીની બંને કિડની અને લીવરનું દાન લીધેલ હતું. આ રીતે તેઓ ત્રણ દર્દીને નવુ જીવન આપશે. ભાવનગરનું આ 60મું અંગદાન છે.

આમ અધેવાડાનો આ 26 વર્ષીય યુવાન મોતને ભેટ્યો પરંતુ તેમના પરિવારે યુવાનનું અંગદાન કરી ત્રણને નવજીવન બક્ષ્યું છે.

હાર્ટ ડોનેશનની સહમતિ મળી હતી પરંતુ...
આ કેસમાં ઓર્ગન ડોનર કોળી પરિવાર તરફથી હાર્ટ ડોનેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં જે હાર્ટ રીસીવર હતા તેની ઉમર 90 વરસની હતી અને હાર્ટ ડોનરની ઉમર 26 વરસની હતી. પરિણામે તેનું હ્રદય નાનું પડતું હતું ઉપરાંત બ્લડ ગૃપનો પણ ફરક હતો પરિણામે હાર્ટ ઉપલબ્ધ હોવા છતાં તેનું દાન લઇ શકાયું નથી. ડો.રાજેન્દ્ર કાબરીયા, ન્યુરોસર્જન

અંગદાતાના લગ્ન એક વરસ પહેલા થયાં હતાં
અંગદાતા પરેશ મેરના લગ્ન તેમની બાજુના માલણકા ગામે આજથી એક વરસ પહેલા થયા હતા અને તેઓ બાવળા ખાતે રહી કાજુ ફોલવાનું કામ કરતા હતા અને મોટાભાગે ત્યાં જ રહેતા હતા તેમ મૃતકના ભાઇ અનિલભાઇ મેરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...