15 કલાક રોજુ : રાત્રે 4 કલાક ઉંઘ, મસ્જીદોમાં નમાઝ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ મુસ્લિમ બિરાદરો પવિત્ર રમજાન માસની બંદગી અને ઇબાદતમાં પ્રવૃત્ત થતા તેઓની દિનચર્યા જ બદલાઇ જાય છે. ઇસ્લામ ધર્મમાં રમજાન માસનું સૌથી વધુ મહત્વ હોય છે. હાલ ઉનાળાના આકરા તાપ વચ્ચે પણ મુસ્લિમ સમાજના બિરાદરો 15 કલાકના રોજા રાખે છે અને રાત્રે માત્ર 4 કલાકની ઉંઘ લીધા બાદ પુન: બંદગીમાં પ્રવૃત્ત થઇ જાય છે. રમજાન મહિનાની એકપણ ક્ષણ મુસ્લિમ લોકો વ્યર્થ જવા દેવા ઇચ્છતા નથી.

રમજાન માસના પ્રારંભથી જ મુસ્લિમ સમાજના પુરૂષો, સ્ત્રીઓ, વૃધ્ધ, બાળકોની દિનચર્યા બદલાય જાય છે. વહેલા સવારે 3 વાગે સ્ત્રીઓ રોજદાર લોકો માટે સહેરીની વાનગીઓ તૈયાર કરવા લાગે છે. 4.40 સુધીમાં સહેતી ખત્મ કરી અને ફઝરની નમાઝમાં લાગી જાય છે. ત્યાર બાદ બિરાદરો કુર્આનની તીલાવત કરે છે. અને દૈનિક કામકાજમાં લાગી જાય છે.

બપોરે ઝોહરની નમાઝ, સાંજે અસરની નમાઝ અદા કરે છે. અને મોડી સાંજે સુરજ આથમ્યા બાદ 7.16 વાગે મગરીબની નમાઝની અઝાન થતા જ રોજુ ખોલે છે.

આમ 15 કલાકનું બિરાદરો રોજુ રાખે છે. મગરીબની નમાઝ બાદ નફલ ઇબાદત કરે છે. રાત્રે 8.30 કલાક બાદ ઇશાની નમાઝ અને તરાવીહની નમાઝ થાય છે, જે 10.30 કલાક સુધી ચાલે છે. આખા માસ દરમિયાન તરાવીહની નમાઝમાં કુર્આન ખતમ કરવામાં આવે છે.

રમઝાનના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ગરીબોનું ખાસ ધ્યાન રાખે છે, અને વર્ષ દરમિયાનની પોતાની આવકનો નિયત હિસ્સો કુટુંબની પ્રત્યેક વ્યક્તિદીઠ ગરીબો, લાચાર, વિધવાઓ માટે અલગથી કાઢે છે અને ઝકાત, ફીતરા તરીકે આપે છે. રમઝાન બાદ ઇદની ઉજવણીમાં ગરીબો પણ સામેલ થઇ શકે તે માટે પૈસાપાત્ર લોકો ગરીબોને નવા કપડા, ઇદની ઉજવણીનો સામાન અપાવે છે.

રમઝાન માસના અંતિમ શુક્રવારે આખર જુમ્માની વિશેષ નમાઝ અને અલવિદા પઢાવવામાં આવે છે. અલવિદાના પ્રત્યેક શબ્દો સાથે મુસ્લિમો ચોધાર આંસુએ રડે છે કે ઇબાદત માટેનો શ્રેષ્ઠ માસ પૂર્ણ થઇ રહ્યો છે, હવે એક વર્ષ બાદ અલ્લાહની મરજી હશે તો પુન: બંદગીની તક મળશે.

આમ રમજાનમાં મુસ્લિમ સમાજમાં ચોતરફ ઈબાદત-બંદગીનો માહોલ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...