Home » Saurashtra » Latest News » Bhavnagar City » This is the worlds largest mountain temple

આ છે વિશ્વનું સૌથી મોટું પર્વત મંદિર, જે સર્વધર્મ માટે અહિંસાનું ધામ

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 03:13 AM

શેત્રુંજ્ય તીર્થ પર 1000 વરસ જૂનાં 863 જૈન મંદિરોની 2000 ફૂટ ઊંચાઈએથી લીધેલી તસવીર

 • This is the worlds largest mountain temple
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  1000 વરસ જૂનાં 863 જૈન મંદિરોની 2000 ફૂટ ઊંચાઈએથી લીધેલી તસવીર

  અમદાવાદ: મંદિરના શિખર ઉપર સૂર્યાસ્ત બાદ માત્ર દેવ સામ્રાજ્ય જ રહે છે. સૂર્યાસ્ત પછી કોઇ પણ વ્યક્તિને ઉપર રહેવાની મંજૂરી મળતી નથી. કુલ 9 ટૂક પર 27 હજાર પ્રતિમાઓ બિરાજમાન છે. વિશ્વના જીવ માત્રને મોક્ષપ્રાપ્તિ માટે અહિંસા અને અપરિગ્રહનું મહાત્મ્ય સમજાવનારા ચોવીસમા જૈન તીર્થંકર ભગવાન મહાવીરના 2617મા પ્રાગટ્યદિનને મહાકલ્યાણક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. વ્યક્તિગત સુખ માટે બીજાને દુ:ખ આપી કર્મોના બંધનમાં બંધાઈને અનેક વાર દુ:ખી થવાના બદલે સ્વાર્થકેન્દ્રી કે વસ્તુલક્ષી અહિંસાના સ્થાને જીવલક્ષી અને નિ:સ્વાર્થ અહિંસાના માર્ગે ચાલીને જ મોક્ષપ્રાપ્તિનો ઉદ્દાત ઉપદેશ આપનાર કરુણામૈત્રીના સાક્ષાત્ તેજપૂંજ સમાન ભગવાન મહાવીરના જન્મકલ્યાણક નિમિત્તે દિવ્ય ભાસ્કરના વાચકો માટે વિવિધ જૈનાચાર્યોનાં આશીર્વચન...

  વિશ્વને અહિંસાનો સંદેશો આપતું મહાકલ્યાણક પર્વ

  - અહિંસા પરમોધર્મના પ્રતીક: શેત્રુંજ્ય તીર્થ પર 1000 વરસ જૂનાં863 જૈન મંદિરોની 2000 ફૂટ ઊંચાઈએથી લીધેલી તસવીર

  - પાલિતાણા તીર્થનું વર્ષ 1866માં દોરાયેલું ચિત્ર. આ ચિત્ર બ્રિટિશ લાઇબ્રેરીમાં સચવાયેલું છે.

  આગળ વાંચો: મહાવીરથી મોટી વિતરાગ બનવાની કોઇ સાધના નથી

 • This is the worlds largest mountain temple
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અહિંસા અને અપરિગ્રહ દ્વારા મોક્ષપ્રાપ્તિ માટે

  મહાવીરથી મોટી વિતરાગ બનવાની કોઇ સાધના નથી

   

  વિશ્વના જીવમાત્રના કલ્યાણ માટે જેમને મોક્ષ માર્ગનો ઉપદેશ આપ્યો તેવા ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીરના 2617માં જન્મકલ્યાણક દિવસે પ્રભુને હેપી બર્થ ડે કહીશું. ક્ષત્રિયકુંડના રામ સિદ્ધાર્થ અને ત્રિશલા માતાના ઘરે જન્મ ધારણ કરી 30મા વર્ષે રાજપાટ સુખ વૈભવનો ત્યાગ કરી સંયમધર્મનો સ્વીકાર કર્યો. સાડા બાર વર્ષે ઘોર સાધના કરી. એક સાથે 4411 દીક્ષા આપી. 30 વર્ષ સુધી ઉપદેશ આપ્યો. 72 વર્ષની ઉંમરે પાવાપુરીમાં દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા. તેમના ઉપદેશમાં અહિંસા અને અપરિગ્રહ મુખ્ય છે. તે પૂર્વૈ પણ ભગવાન ઋષભદેવ-આદિનાથથી લઈ પાર્શ્વનાથ સુધી 23 તીર્થંકરો થયા હતા અને તે દરેકે એકસમાન રીતે જ સંસારનાં અનંત દુ:ખોથી છૂટીને અનંત સુખાત્મક મોક્ષ મેળવવાનો સાધના માર્ગ બતાવ્યો અને પોતાને થયેલી આત્માનુભૂતિનો સાક્ષાત્કાર ઉપદેશ દ્વારા કરાવ્યો.

   

  ભગવાન મહાવીરે કહ્યું કે, બીજાને દુ:ખી કરી તમે ક્યારેય સુખી ન બની શકો. જગતમાં પ્રભુ મહાવીરથી મોટી વિતરાગ બનવાની કોઇ સાધના નથી. જે સાધકને અસીમ સુખ, શાંતિ અને તૃપ્તિ સાથે જીવનને સાચું મૂલ્ય આપે છે. અનંત સુખનું સ્થાન મોક્ષને પામવા રાગ દ્વેષનો ક્ષય કરવો જરૂરી છે. ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની પંચાચારમય વ્રતરક્ષા-સુરક્ષા બતાવી છે, તેની પાછળ જગતના જીવમાત્રની મૈત્રી અને કરુણા રહેલી છે. એનો માર્ગ એ જ પ્રભુમહાવીરને સાધના માર્ગ છે. અહિંસા અને મૈત્રીની આજે દુનિયાને તાતી જરૂરત છે. વિશ્વની તમામ સમસ્યાઓનું એક જ સમાધાન છે ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતોનું પાલન અને વિશ્વમૈત્રી!

   

  આગળ વાંચો: દુ:ખ આપનાર કર્મોનાં બંધનથી અનેક વાર દુ:ખી થવું પડે

 • This is the worlds largest mountain temple
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોતાના વ્યક્તિગત સુખ માટે બીજાને

  દુ:ખ આપનાર કર્મોનાં બંધનથી અનેક વાર દુ:ખી થવું પડે

   

  ભગવાન મહાવીરે જે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની વ્રતરક્ષા અને સુરક્ષા બતાવી છે. તેમનામાં જગતના જીવમાત્રની મૈત્રી અને કરુણા રહેલી હતી. સમ્યગદર્શનના સહારે તેમણે જગતના એકેન્દ્રીય ગણાતા પૃથ્વી, વાયુ, અગ્નિ, વનસ્પતિના સ્વરૂપે જીવન મરણ કરતા જીવોને પણ જોયા જાણ્યા. આગળ વધી બે, ત્રણ, ચાર ઇન્દ્રિયો ધરાવતા જીવજંતુઓની પરિસ્થિતિનું પણ પૂર્ણ આકલન કર્યું અને એ દર્શનનો વ્યાપ વધતા પાંચે ઇન્દ્રિયો ધરાવતા દેવ, મનુષ્ય, પશુપક્ષી અને નરકના જીવનો પણ નિહાળ્યા. એમના કાળમાં દુ:ખ અને દુ:ખોની પરંપરાનાં કારણે એમને થતી કારમી પીડા-સંવેદના પણ જોઇ-જાણી. એ દુ:ખોની પ્રાપ્તિ પાછળના મૂળભૂત કારણોની સમીક્ષા કરી અને તેને દૂર કરવાના ઉપાયો પણ કૈવલ્ય દૃષ્ટિથી જોયા જાણ્યા અને ત્યારબાદ સુયોગ્ય સમયે એને જગત સમક્ષ પ્રચાર્યા-પ્રસાર્યા. એ ઉપાયો જ જૈન ધર્મના સિદ્ધાંતો અને તેને આચાર પ્રણાલી છે.

   

  જીવ રાગ-દ્વેષના કારણે અન્ય જીવોના અસ્તિત્વને નકારે છે. એના જીવન સાથે ખીલવાડ કરી પોતે સુખ ભોગવવા મથે છે. સામો જીવે કે મરે એની પરવા પણ એને રહેતી નથી. એથી એ કર્મ બાંધે છે. જે કર્મબંધન એને કમસેકમ દસવાર દુ:ખી કરે છે. આગળ વધી સો હજાર, લાખ, કરોડ વાર પણ એની ખરાબ પ્રતિક્રિયા તેને અનુભવવી પડે છે. ભગવાન મહાવીરે બતાવેલા પ્રત્યેક સિદ્ધાંત આચારમાં પારકા જીવોનું હિત કલ્યાણ ધરબાયેલું છે. અહીં કહેવાયું છે કે જીવવધ એ તારો પોતાનો જ વધ છે અને જીવોની દયા-રક્ષા એ તારી પોતાની જ દયા-રક્ષા છે. જીવદયાથી પરોપકારની સાથે સ્વઉપકાર પણ આપોઆપ સધાય છે.

   

  આગળ વાંચો: જીવમાત્ર પ્રત્યેની કરુણાનું સાક્ષાત્ અવતરણ

 • This is the worlds largest mountain temple
  પાલિતાણા તીર્થનું વર્ષ 1866માં દોરાયેલું ચિત્ર

  જીવમાત્ર પ્રત્યેની કરુણાનું સાક્ષાત્ અવતરણ

   

  ભારતની ભાગ્યભૂમિ પર 2616 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રીએ ક્ષત્રિયકુંડ નગરમાં કરુણા મૈત્રીનો સાક્ષાત્ તેજપુંજ અવતર્યો હતો. જે ભગવાન મહાવીર સ્વામીના નામે ઓળખાયો. કરુણા ભાવનાત્મક છે અને તેનું પ્રેક્ટિકલ અહિંસાના માધ્યમે થાય છે. તેથી અહિંસા મહાવ્રત-વ્રતની સ્થાપના જિનશાસનના માધ્યમે ભગવાન મહાવીર દેવે કરી. અહિંસાનો વિશ્વમાં કાયમ ઉપયોગ થયો છે પરંતુ એ અહિંસાના કેન્દ્રમાં સ્વાર્થ હોય છે. ટોલ્સટોય કે ગાંધીજીની અહિંસા વસ્તુલક્ષી હતી જ્યારે ભગવાન મહાવીર સ્વામીની અહિંસા વિશ્વના તમામ જીવલક્ષી અને નિ:સ્વાર્થ રહી છે. સમય જેમજેમ આગળ વધી રહ્યો છે. તેમ તેમ ભગવાન મહાવીર વધુને વધુ પ્રસ્તૃત થઇ રહ્યા છે. રવીન્દ્ર જૈને ગાયુ છે કે ‘વર્તમાન કો વર્ધમાન કી આવશ્યકતા હૈ’ જ્યારે કોલ્ડ વૉર ધીરે ધીરે રંજોપાત તરફ આગળ વધી રહી છે. વિજ્ઞાન ટેક્નોલૉજી જ્યારે નવી જ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ભગવાન મહાવીર વિશ્વને કરુણામય-ભાવાત્મક માર્ગદર્શન કરશે.

   

  મહાવીર સ્વામીએ કહ્યું છે કે જગતના જીવમાત્ર પ્રત્યે કલ્યાણની ભાવના રાખે (મૈત્રીભાવ) એ જીવો પાપથી બચે, દુ:ખથી બચે અને એથી જ મોક્ષ પામે એવી ભાવના કરવી (કારુણ્ય) ત્યાર બાદ જે ગુણિયલ જીવો છે તેમને જોઈ આનંદ-પ્રમોદ અનુભવવો(પ્રમોદ ભાવના) અને કોઈ જીવો પોતાની અયોગ્યતા અગર અનવસરના કારણે શુભભાવનાને પ્રતિસાદ ન આપે, તોપણ તેમની ઉપર દ્વેષ ન રાખવો, અવસરની રાહ જોવી(મધ્યસ્થતા). આ બધા ભાવોને જીવનમા઼ અવતારવા માટે જીવો અને એમના પ્રકારો એમની હિંસા-અહિંસાના પ્રકારોનું સૂક્ષ્મત્તમ જ્ઞાન જોઈએ. જ્ઞાન વિના કરુણા ન અવતરે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ