Home » Saurashtra » Latest News » Bhavnagar City » Ganesh 17 years old boy finally study in mbbs after rejected committee him he goes supreme court against committee

17 વર્ષ, ઊંચાઈ 3 ફૂટ અને વજન માત્ર14 Kg; MBBS બનવાના સપના સાથે એડમિશન લેવા ગયો, જોઈને જ કમિટી બોલી- તુ ડૉક્ટર બનવા લાયક નથી

Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 12:03 PM

હિંમત ન હાર્યો, હાઈકોર્ટમાં હાર છતાં પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, ત્યાંથી લઈ આવ્યો ડૉક્ટર બનવાનું ગ્રીન સિગ્નલ

 • ભાવનગર: ભાવનગરના તળાજા તાલુકાના ગોરખીના 17 વર્ષીય ગણેશની ઊંચાઈ માત્ર 3 ફૂટ જ છે અને વજન 14.5 કિલો. તે જ્યારે એડમિશન લેવા ગયો ત્યારે મેડિકલ કમિટીએ તેને નકારી દીધો હતો અને કહ્યું હતું કે, તુ ડોક્ટર બનવા લાયક નથી. બસ આ વાતથી સમસમી ઊઠેલો ગણેશ સુપ્રિમના દ્રારે ગયો હતો અને ત્યાંથી લડાઈ લડીને છેવટે ગ્રીન સિગ્નલ મેળવીને ડોક્ટર બનશે. તેની ઊંચાઈ જોઈને કમિટીએ કહ્યું હતું કે, તારી હાઈટ આટલી છે તો ઓપરેશન કેવી રીતે કરી શકીશ. આમ કહીને તેને મેડિકલમાં પ્રવેશ આપવાનો કમિટીએ ઈન્કાર દીધો હતો. મેડિકલ ક્ષેત્રે અભ્યાસક્રમો અને પ્રવેશ સમિતિએ રોક લગાવતા ગણેશે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા સુપ્રીમ કોર્ટે પ્રવેશ સમિતિની પાયાવિહોણી બાબતને ફગાવી ગણેશને તબીબી ક્ષેત્રે હરણફાળ ભરવા લીલી ઝંડી આપી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ગણેશના પરિવારજનો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

  ગણેશની ઉંમર વધી પણ ઊંચાઈ નહીં

  દુનિયામાં જવલ્લે જોવા મળતો કિસ્સો ભાવનગરના તળાજા તાલુકાના ગોરખી ગામે જોવા મળ્યો હતો. સમય ક્યાં વીત્યો અને વર્ષોના વર્ષ થવા છતાં પણ શરીરનો વિકાસ અટકી જાય તેવા લોકો પણ દુનિયામાં જોવા મળે છે. ગોરખી ગામે પણ 17 વર્ષના ગણેશની સાથે આવું થયું. ઉંમર વધી પણ ઊંચાઇ નહીં. 17 વર્ષનો થવા છતાં તે માત્ર 3 ફૂટ છે અને વજન માત્ર 14.5 કિલો છે. તેનું તબીબ બનવાનું સપનું હતું.

  12 સાયન્સમાં B ગ્રુપ સાથે 87% જેવા માર્ક્સ લાવ્યો અને NEETમાં પણ 223 જેટલો સારો સ્કોર કર્યો

  ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઉંચાઇ માત્ર 3 ફૂટ રહી છે અને વજન માત્ર 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો. ગણેશનું ધ્યેય હતું કે મારે કોઈ પણ ભોગે ડોક્ટર બનવું છે. ડોક્ટર બનીને મારે ખાસ તો બાળકોની ઉંચાઈ વધારી શકાય એવું કોઈ સંશોધન કરવું છે. ગણેશે તળાજાની નીલકંઠ વિદ્યાપીઠમાંથી ગત માર્ચ-એપ્રિલ 2018 દરમિયાન લેવાયેલી બોર્ડ પરીક્ષાના પરિણામમાં B ગ્રૂપ સાથે 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો. 12 સાયન્સમાં 87% જેવા માર્ક્સ લાવ્યો અને NEETમાં પણ 223 જેટલો સારો સ્કોર કર્યો. ગણેશને એમ હતું કે ડોક્ટર બનવાનું એનું સપનું હવે પૂરું થશે પણ ભગવાન જાણે કે એની કસોટી કરતા હોય એમ પ્રવેશ સમિતિએ ગણેશને એડમિશન ના આપ્યું. કારણ એવું આપવામાં આવ્યું કે તમારી શારીરિક ઊંચાઇ ઓછી છે અને વજન માપસર ન હોવાથી તેને દિવ્યાંગતા ગણી હતી. એટલું જ નહીં આ દિવ્યાંગતા 72%થી વધુ છે એટલે ડોક્ટર તરીકે તમે ઇમરજન્સી કેસ હેન્ડલ ના કરી શકે તેવી ધારણા માત્રથી ગણેશને તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ અપાયો નહીં.


  માતા-પિતા ખેતી કરીને માંડ માંડ બે છેડા ભેગા કરી રહ્યા છે

  ભૂખ્યા માણસના મોઢા સુધી પહોંચેલો કોળિયો છીનવાઈ જાય એવું ગણેશ સાથે થયું. માતા-પિતા તો ગામડામાં રહીને ખેતી કરનારા અને માંડ માંડ બે છેડા ભેગા કરતા હતા. એટલે એ તો બીજી કોઈ મદદ કરી શકે તેમ નહોતા. આવા સમયે નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના સંચાલકો દલપતભાઈ કાતરિયા અને રૈવતસિંહ સરવૈયા એના વિદ્યાર્થીની મદદે આવ્યા. ગણેશને આયુર્વેદમાં એડમિશન મળતું હતું પણ એ એડમિશનને ઠોકર મારીને હાઇકોર્ટના દરવાજા ખખડાવવાનું નક્કી કર્યું.


  હાઇકોર્ટના વકીલની ફી ભરી શકાય એવી ગણેશના પરિવારની સ્થિતિ નહોતી

  હાઇકોર્ટના વકીલની ફી ભરી શકાય એવી ગણેશના પરિવારની સ્થિતિ નહોતી પણ દલપતભાઈ અને રૈવતસિંહે બધો ખર્ચો પોતે ઉપાડીને પણ ગણેશને ન્યાય અપાવવાનો સંકલ્પ કર્યો. ભાવનગર જિલ્લા વહીવટીતંત્રનો પણ એમાં સાથ મળ્યો. MBBSમાં જ પ્રવેશ મેળવવા માટે હાઇકોર્ટમાં લડતના મંડાણ થયા. ભગવાનને પણ જાણે હજુ કસોટી લેવી હોય તેમ હાઇકોર્ટમાં કેસનો ચુકાદો ગણેશની વિરુદ્ધમાં આવ્યો. સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ હથિયાર હેઠા મૂકી દે પણ દલપતભાઈએ નક્કી જ કરેલું કે ગણેશને MBBSમાં એડમિશન અપાવવા માટે છેવટ સુધી લડી લેવું છે.


  જે હાઇકોર્ટમાં કેસ હારી ગયા

  દલપતભાઈએ તપાસ કરી તો ખબર પડી કે ગણેશ જેવા બીજા બે બાળકો પણ છે જે હાઇકોર્ટમાં કેસ હારી ગયા છે અને એડમિશનથી વંચિત રહી ગયા છે. હવેનો પડાવ નામદાર સુપ્રીમ કોર્ટ હતો. સુપ્રીમ કોર્ટના વકીલની ફી અને કોર્ટનો ખર્ચો શું થાય એ સૌ જાણે છે પણ ખર્ચાની ચિંતા કર્યા વગર ગણેશના કેસની અપીલ નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી. દલપતભાઈ અન્ય બે વિદ્યાર્થી વડોદરાની શેખ મુસ્કાન અને રાજકોટના આટકોટની શ્રમિક પરિવારની ટૂંકા હાથ ધરાવતી હિના મગનભાઇ મેવાસીયા વાલીઓને પણ મળ્યા અને એમને પણ નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે તૈયાર કર્યા અને સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ ચાલ્યો અને છેવટે સત્યનો વિજય થયો. ગઇકાલે સુપ્રીમકોર્ટે ગણેશ બારૈયાની તરફેણમાં ચૂકાદો આપ્યો. સુપ્રીમમાં ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીની તરફેણમાં કેસ આવ્યો અને મહિનામાં ચુકાદો આવ્યો. ગઇકાલે ગણેશ સહિત બીજા વિદ્યાર્થીની તરફેણમાં પણ ચૂકાદો આપ્યો. લાંબી લડતના અંતે ત્રણે વિદ્યાર્થીઓ જીતી ગયા. સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ખાસ કહ્યું કે કોઈ વિદ્યાર્થીની શારીરિક ઉંચાઇ ઓછી હોય કે વજન માપસર ન હોય તેના કારણે તેની કારકિર્દીમાં આગળ જતો અટકાવી શકાય નહીં.

  નવરાત્રિનું બોર્ડ કેમ લગાવ્યું કહી, છરીના ઘા ઝીંકી મહુવા VHPના પ્રમુખની હત્યા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ