Home » Saurashtra » Latest News » Bhavnagar City » State Government attempts to break the farmer movement after power

સત્તાના જોરે ખેડૂત આંદોલન તોડી પાડવાના રાજ્ય સરકારના પ્રયાસો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:32 AM

બાળકોના શિક્ષણનો બહિષ્કાર કરાશે : ખેડૂતો આત્મવિલોપનના માર્ગે

 • State Government attempts to break the farmer movement after power

  ભાવનગર: ઘોઘા તાલુકાના બાડી અને તેની આજુબાજુના 12 ગામોની જમીન પ્રશ્ને ચાલી રહેલા આંદોલનને તોડી પાડવાના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની સામે ખેડૂત સંઘર્ષ સમિતિ પણ આકરા પાણીએ આવી ગઇ છે, અને 12 ગામના પ્રજાજનોના સંતાનો વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાંથી ઉઠાડી લઇ અને શિક્ષણ બહિષ્કાર તથા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

  થર્મલ પાવર સ્ટેશન, જીપીસીએલ સામેનું આંદોલન વેગવંતુ


  ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી ગામે આવેલા ભાવનગર એનર્જી કંપની લિમિટેડ (બીઇસીએલ)ના થર્મલ પાવર પ્લાન્ટ માટેના કાચા ઇંધણ જમીનમાંથી મેળવવા માટે ત્રણ દાયકા અગાઉ 2000 હેક્ટર જમીન સંપાદિત ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ) દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ખેડૂત સંઘર્ષ સમિતિના જણાવ્યા પ્રમાણે, જમીન સંપાદન અંગે તાજેતરના વર્ષોમાં આવેલા નવા નિયમો પ્રમાણે સંપાદિત કરવામાં આવેલી જમીન પર હેતુ મુજબની કામગીરી નિયત સમય મર્યાદામાં કરવામાં આવી ન હોય તો તેની માલીકી અંગે સંપાદિત કરનારનો હક્ક રહેતો નથી.


  ખેડૂત સંઘર્ષ સમિતિના કનકસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે જમીન સંપાદન અંગેના નવા નિયમોને ટાંકીને સંપાદિત થયેલી જમીન બાબતે અમારો કેસ હાઇકોર્ટ સમક્ષ ચાલુ છે. કેસનો જે ચુકાદો આવે તેનો સ્વીકાર કરવા અમે અગાઉ અનેક વખત કહી ચૂક્યા છીએ. છતા કોર્ટ કેસનો ચૂકાદો આવે તે પૂર્વે જીપીસીએલ કંપની દ્વારા જમીનનો કબજો મેળવવા માટે રાજ્ય સરકારના જોરે પોલીસનો ડર બતાવી કરવામાં આવી રહેલી કામગીરી સામે અમારો સ્પષ્ટ વિરોધ છે.


  બાડી અને આજુબાજુના 12 ગામના લોકો એવું માની રહ્યા છે કે અમારો મુખ્ય વ્યવસાય ખેતી છે, અને ખેતીની જમીનો નહીં રહે તો અમારે અમારા બાળકોને પણ મજૂરીએ મોકલવા પડશે. રાજ્ય સરકાર દ્વારા કરાઇ રહેલા બળ પ્રયોગના વિરોધમાં 12 ગામના લોકો દ્વારા તેઓના તમામ બાળકોને શાળા-કોલેજમાંથી ચાલુ સત્રે ઉઠાડી લેવામાં આવશે અને શિક્ષણનો અનોખો બહિષ્કાર કરવામાં આવશે. ઉપરાંત 12 ગામના ખેડૂતો દ્વારા આત્મવિલોપન પણ કરવામાં આવશે, તે અંગે ગોહિલે ઉમેર્યુ હતુકે, કેટલા લોકો અને ક્યાં આત્મવિલોપન કરશે તેની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.

  સુરકામાં રવિવારે બ્રહ્મચોર્યાસી, 40 હજાર માણસો ઉમટશે
  એક તરફ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બાડી, સુરકા સહિતના 12 ગામોમાં 4 લોકોથી વધુને એક જ સ્થળ એકત્ર નહીં થવા અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે, તેવા અરસામાં રવિવારે સુરકા ગામમાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે આખુ ગામ એક જ દિવસે બ્રહ્મચોર્યાસી ઉજવે છે, અને બહારગામથી આશરે 40 હજાર મહેમાન સુરકામાં ઘરે ઘરે આવે છે.

  આ અંગે સુરકાના સરપંચ હિંમતભાઇ કંટારીયાના જણાવ્યા મુજબ, અમારો કાર્યક્રમ પૂર્વ નિર્ધારીત હતો અને 4થી વધુ લોકોને એકત્ર નહીં થવાનું જાહેરનામુ શનિવારે સાંજે આવ્યુ છે, મહેમાનોને તેની જાણ ન હોય. બ્રહ્મચોર્યાસી નિર્ધારીત કાર્યક્રમ મુજબ થશે જ, અને તંત્ર દ્વારા જો કોઇ બળપ્રયોગ કરવામાં આવશે તો 12 ગામના લોકો તથા સમગ્ર કોળી સમાજ દ્વારા તેનો ઉગ્ર પ્રતિકાર કરવામાં આવશે, કાર્યક્રમ તો થશે જ.

  ખેડૂતોનો જમીન, વળતરનો પ્રશ્ન છે : ધારાસભ્ય મારૂ, બારૈયા


  જીપીસીએલ કંપની દ્વારા ઘોઘા તાલુકાના બાડી ગામ અને આજુબાજુના 12 ગામોમાં જમીનનો કબજો લેવા માટે જે સંઘર્ષ થઇ રહ્યો છે તેના અંગે તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઇ મારૂ, જિલ્લાપંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ ઉક્ત ગામોમાં ખેડૂતો સાથે મીટિંગ કરી માહિતી મેળવી હતી. બાદમાં તેઓએ જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે,

  જમીન અંગેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને જજમેન્ટ આવે ત્યાં સુધી જમીનનો કબજો મેળવવાની કાર્યવાહી સ્થગિત કરવા માંગ કરી છે. જો કાર્યવાહી બંધ રાખવામાં નહીં આવે તો ખેડૂતોના ઉગ્ર આંદોલનની દહેશત છે અને જાનહાની થવાની પણ શક્યતાઓ છે. ઉતાવળુ પગલુ નહીં ભરી અને કોર્ટના હુકમની રાહ જોવા કલેકટરને જણાવવામાં અાવ્યુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ