તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર: ખાડીનો પુલ કમ ડેમનો પ્રોજેક્ટ 25 વર્ષથી અદ્ધરતાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ધોલેરા સરની યોજના જે રીતે 9 વર્ષથી પડતર છે તેવા સરકાર પાસે અનેક પ્રોજેક્ટ છે કે જે વર્ષોથી અદ્ધરતાલ છે ને તે પૈકીની એક યોજના તે ખાડીનો પુલ કમ ડેમ છે. ખંભાતના અખાતમાં ડેમ કમ પુલ બનવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર 170 કિ.મી. ઘટવા ઉપરાંત બ્રોડગેજ રેલ્વે, ગેસ પાઈપલાઈન, ડેમમાં પાણીથી હજારો હેકટર જમીનને પિયતની સુવિધા સહિતના લાભ મળી શકે તેમ છે પરંતુ આટલા વર્ષોમાં માત્ર કાગળનો વાઘ બનીને સમગ્ર પ્રોજેક્ટ મરી પરવારેલો છે.

90ના દાયકામાં ગુજરાત સ્ટેટ કન્સ્ટ્રકશન કોર્પોરેશન દ્વારા એકતરફ ભાવનગર નજીક અધેલાઈ અને બીજી તરફ ભરૂચના જંબુસર નજીક દેવલાની વચ્ચે પાણીનો ડેમ બનાવીને તેમાં મહિ નદીનું પાણી ઠલવવામાં આવે તેમજ ડેમ ઉપર બ્રિજ પણ સાકાર થાય તેના માટે રસ લેવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ સરકારની ઉદાસીન નીતિને કારણે આગળ કશું કામ થઈ શક્યું નથી. એ સમયે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આંકવામાં આવ્યો ત્યારે 2250 કરોડનો અંદાજ મંડાયો હતો.

આ જ રીતની અન્ય એક યોજના કલ્પસર માટે પણ વિચારણા હાથ ધરાયેલી છે અને તેના માટે તો મંત્રાલયમાં વિભાગ પણ ફાળવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કર્મચારીઓના પગારમાં પણ કરોડો રૂપિયા ખર્ચાયા છે ત્યારે તેના કરતાં આ ખાડીના પુલ કમ ડેમની યોજના ઓછી ખર્ચાળ બતાવાયેલી છે. ઉપરાંત કલ્પસર માટે 30-40 વર્ષનો સમય લાગે તેવી સંભાવના વ્યક્ત કરાયેલી છે. જ્યારે તેની સરખામણીએ આમાં ઓછો સમય લાગી શકે તેમ છે. આ બધા પ્રકારના ફાયદાઓ હોવા છતાં  સરકારે રસ નહિ લેતા લોકોને નિરાશા સાંપડી છે.

ભાવનગર-અમરેલીને વધુ ફાયદો

દક્ષિણ સૌરાષ્ટ્રના મુખ્ય બે જિલ્લાઓ ભાવનગર, અમરેલી અને હવે બોટાદને ખંભાતના અખાતમાં ડેમ કમ બ્રીજ બનવાનો સૌથી વધારે ફાયદો છે. મુસાફરીમાં િકલોમીટર ઘટવા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રનું ક્રીમ અહીં ખેંચાઈને આવતા આર્થિક વિકાસ થઈ શકે તેમ છે. 

રો-રો ફેરી સર્વિસથી એક ડગલું આગળ

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસથી પણ મુસાફરીનું અંતર ઘટવાનું છે પરંતુ તેના કરતા ખાડીનો પુલ કમ ડેમથી ફાયદા વધુ છે. તેના દ્વારા ગેસ-પાણીની લાઈન પહોંચાડી શકાય છે.વિશાળ ડેમમાં મહિનું પાણી ઠાલવી શકાય છે. 24 કલાક મુસાફરી શકય છે. જ્યારે રો-રો ફેરી સર્વિસ દરિયાની ભરતીને આધારે ચાલુ રહેશે.

મુંબઈનું અંતર 174 કિ.મી.ઘટે

અધેલાઈથી નીકળીને સીધુ ખંભાતનાં અખાત દ્વારા ભરૂચના દેવલા પહોંચાતુ હોવાથી માત્ર દક્ષિણ ગુજરાત જ નહિ, પરંતુ સાથે દેશની આર્થિક રાજધાની મુંબઈ સુધી પહોંચવામાં પણ 174 કિલોમીટરનો ઘટાડો થાય છે. ભાવનગરથી મુંબઈનું હાલ 760 કિલોમીટર જેવું અંતર છે, જે 586 થઈ શકે છે. એજ રીતે રાજકોટથી મુંબઈ માટે 57 કિ.મી., ઓખાથી મુંબઈ 56 કિ.મી.  જેટલો ઘટાડો થશે.
અન્ય સમાચારો પણ છે...