આંગડિયા પાસેથી રૂ.૬.પ૦ લાખની લૂંટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નિર્મળનગરની પી.શૈલેષકુમાર પેઢીનો કર્મચારી રામમંત્ર મંદિર પાસે ડીલીવરી કરવા જતા બનેલો બનાવ

ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમા ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી માલની ડિલીવરી કરવા રામમંત્ર મંદિર પાસે ડાયમંડનગરમાં ગયા બાદ છરીની અણીએ રોકડ તથા હીરાની લૂંટ કરાતા ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ઠેર-ઠેર નાકાબંધી કરીને સઘન તપાસ હાથ ધરી છે.

નિર્મળનગર વિસ્તારમાં ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષમાં પી.શૈલેષકુમારની આંગડિયા પેઢી આવેલી છે, જેના કર્મચારી નરેન્દ્ર નરશીભાઈ પટેલ બપોરના ૪ કલાક આસપાસ શહેરના રામમંત્ર મંદિર પાસે આવેલા ડાયમંડનગરમાં ગયા હતા. જ્યાં માલની ડિલીવરી કરવાની હતી.

દરમિયાનમાં કોઈ અજાણ્યા બે શખ્સો આવીને કર્મચારી નરેન્દ્રને આંતરીને છરી બતાવી હતી. એટલું જ નહીં ડાબા હાથે છરીનો ઘા પણ ઝીંકી દીધો હતો. જેથી લોહિ‌યાળ ઈજા પણ થઈ હતી, ત્યારબાદ બન્ને ઈસમોએ નરેન્દ્રભાઈ પાસે રહેલો રેકઝીનનો થેલો ઝુંટવી લીધો હતો, થેલામાં રોકડ રૂપિયા ૩.પ૦ લાખ તેમજ હીરાના પાર્સલ નંગ.૩ સહિ‌ત કુલ રૂપિયા ૬.પ૦ લાખનો મુદ્દામાલ લૂંટીને બન્ને શખ્સો નાસી છૂટયા હતા. લોકોનું ટોળુ એકઠુ થઈ ગયું હતું આ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

ઈજાગ્રસ્ત આંગડિયા કર્મચારીને તાત્કાલિક સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે બીજી તરફ પોલીસ ઠેર-ઠેર નાકાબંધી કરી હતી. સમગ્ર ઘટના અંગે ઈજાગ્રસ્ત કર્મચારીએ એ. ડિવીઝન પોલીસ મથકમાં અજાણ્યા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. જોકે, મોડીરાત્રે શકમંદોને ઝડપી લીધા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. પરંતુ પી.આઈ.બી.પી. સોનારાએ આ વાતને નકારી કાઢી હતી.