- કરોડરજ્જૂ અને મણકાના દર્દોથી બચવા બેસવા અને ચાલવામાં યોગ્ય રીત જરૂરી
આજની અયોગ્ય થયેલી જીવન પદ્ધતિના કારણે તેમજ શરીરમાં મેદસ્વીતા વધતા કમર અને કરોડરજ્જૂના દર્દીઓના પ્રમાણમાં છેલ્લાં પાંચ જ વર્ષમાં ૪૦ ટકાનો જબ્બર વધારો નોંધાયો છે. માનવીના ચેતાતંત્રની મહત્વની તંતુ કોશિકા આ કરોડરજ્જૂમાંથી પસાર થાય છે અને માનવી ચાલતો ફરી શકે તે માટે કરોડરજ્જૂ સલામત હોવી જરૂરી છે.
પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનમાં યેનકેન પ્રકારે કમરના દુ:ખાવાનો અનુભવ થયો જ હોય છે. આ દુ:ખાવામાં પ૦ ટકાથી વધુ કરોડરજ્જૂ અને તેની સ્થિતિ સ્થાપકતાને કારણે થતો હોય છે. આપણે બેસવા, ચાલવા અને વજન ઉચકવામાં કરોડરજ્જૂની સદંતર અવગણના કરીએ અને અયોગ્ય પદ્ધતિ અપનાવીયે તો આ કરોડરજ્જૂને નુકશાન થાય છે. જો કે હવે તો આધુનિક દુ:ખાવા રહિત સારવાર પદ્ધતિ આવી ગઇ છે પણ ગાદી અને મણકાના દુ:ખાવાથી બચવા યોગ્ય જીવનશૈલી જ રાખીયે તે સૌથી વધુ મહત્વનું છે તેમ સર્જન ડો.અજય ક્રૃષ્ણને જણાવ્યું હતુ.
ગુજરાતમાં ઇ.સ.૨૦૧૦માં સૌ પ્રથમ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી શરૂ કરનારા અને મણકાને લગતા ઓપરેશન એન્ડોસ્કોપિક સર્જરીથી કરનારા ડો.અજય ક્રૃષ્ણન લોકોમાં આ અંગે જાગૃતતા લાવવા કોન્ફરન્સ અને વર્કશોપ યોજી રહ્યાં છે અને ભાવનગરમાં પણ તેઓ આ પ્રકારની કોન્ફરન્સ યોજવાના છે. આમ તો મોટી વયે મણકાના દુ:ખાવાની તકલીફો સામાન્ય હોય છે પણ જો દર્દ ત્રણ સપ્તાહથી વધુ રહે અથવા વધુ પડતી તકલીફ જણાય તો ઓપરેશન કરવામાં આવે છે. મોટી વયે બ્લડપ્રેશર, ડાયાબીટીસ, હાર્ટની તકલીફ કે ફેફસાના રોગો હોય ત્યારે એનેસ્થેસિયા આપવાનું જોખમ વધી જતું હોય છે. આવ સંજોગોમાં એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી પરંપરાગત શસ્ત્રક્રિયાથી વધુ હિતાવહ છે.
- ઓપરેશનમાં દર્દી પ્રતિક્રિયા જણાવી શકે છે
એન્ડોસ્કોપિક સર્જરીમાં નાનો કાપો મુકી એન્ડોસ્કોપ દ્વારા જે-તે નસ પર દબાણ કરતા ગાદીના ટુકડાને કે હાડકાને કાપ્યાં વગર હટાવી શકાય છે. આ ઓપરેશન દરમિયાન દર્દી સતત સભાન અવસ્થામાં પોતાની પ્રતિક્રિયા જણાવી શકે છે. સાઇટિકા માટે સર્જરી કરવી પડે, કમરનો દુ:ખાવો થાય, છેક પગ સુધી ઝણઝણાટી રહે, બેસવા,ચાલવામાં તકલીફ પડે આવું થાય તેના કરતા શરીરનું વજન યોગ્ય રાખી બેસવા-ચાલવામાં અને વજન ઉચકવામાં યોગ્ય પદ્ધતિ અપનાવીયે તો અન્ય માટે નહી પણ આપણા પોતાના માટે મોટી સેવા ગણાશે.ડો.અજય કૃષ્ણન, સર્જન
- શું કામ વધ્યા દર્દીઓ ?
ખુરશીમાં અયોગ્ય રીતે બેસવું
સુવાની અયોગ્ય પદ્ધતિ
ખોટી રીતે વજન ઉચકવું
વાહન ચલાવવાની ખોટી પદ્ધતિ
શરીરનું વધુ પડતું વજન