તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખવાસની અધધધ ૧૬૦ વેરાઇટી, પાચક મુખવાસની બોલબાલા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાવનગર શહેરમાં મળતા મુખવાસમાં આયુર્વેદ અને પાચક મુખવાસની બોલબાલા વધી

સામાન્ય રીતે ભોજન લીધા બાદ પાચન માટે વપરાતા મુખવાસ હવે ખુદ વાનગી જેવા બની ગયા હોય બજારમાં અવનવા પ્રકારના મુખવાસ મળી રહયા છે. તેમાંય આપણા ભાવનગરમાં દિવાળીની સિઝન દરમ્યાન તો ૧૬૦થી પણ વધુ જાતનો મુખવાસ મળી રહયો છે. આ વર્ષે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી થાય તેવો અળસીનો મુખવાસ, ડાયાબિટીસ માટે રોસ્ટેડ મેથી, પાચક મેથી, ગેસ-વાયુ માટે પીપર સેવ, કબજીયાત માટે હરડે, પાચન માટે અનારદાના, જીરા ગોળી, હજમા હજમ, પાચક આંબળા, પાચક જીરૂ, અજમો વગેરેના મુખવાસની પણ બજારમાં સારી એવી ડિમાન્ડ રહે છે.

વર્ષોથી મુખવાસમાં તલ, ધાણાદાર, વરિયાળીની પરંપરા ચાલી આવે છે જે આજે પણ અકબંધ જ છે. એ સિવાય નવી પેઢીના મુખવાસ જેવા કે ડ્રાયફ્રુટ, ચોકલેટ ફ્લેવર્સ, પાઇનેપલ ફ્લેવર્સ, ખાટામીઠા મુખવાસ લોકોના દાઢે વળગ્યા છે સિલ્વર એલચી-વરીયાળી-સોપારી વાળો સુરીલી બ્રાઉન, કોઇ પણ કલર વગરનો વરીયાળી-ગુલાબની પાંદડીવાળો પાર્ટી‍ સ્પેશ્યલ, ખો-મીઠો-મિન્ટ-વરીયાળી-ધાણાદાળવાળો વગરે મુખવાસની વધારે બોલબાલા જોવા મળી રહી છે હાલ રૂ.૧૨પ થી લઇને પપ૦ રૂ પ્રતિ કિલોના દરથી મુખવાસ મળી રહયો છે.જેમાં રૂ.૧૨પ થી રૂ.૨પ૦ની રેન્જના મુખવાસ વધુ ચાલે છે.આ વર્ષે અંદાજે ૪પ ટન મુખવાસ વેચાવાનો અંદાજ છે.

- મુખવાસમાં અનેકવિધ વેરાઈટી...

બજારમાં હાલ સ્વીટ ટેસ્ટમાં ૧૭૦થી વધુ, નમકીનમાં ૩૦થી વધુ, સોપારીમાં ૧૦થી વધુ વેરાઇટીમાં મુખવાસ મળે છે. જેમાં ગુલાબ, રાજભોગ, જામનગરી, સિમલા, ચોકલેટી, પંજાબી મિકસ, મદ્રાસી,પાઇનેપલ, ઠંડા-મીઠા પાન, કલકતી પાન મસાલા, દિલખુશ, છપ્પનભોગ, કેસર ઇલાયચી, ગુલકંદ, કોપરા ખમણ ઉપરાંત એવરગ્રીન એવા વરીયાળી, ધાણાદાળ, તલ,અજમો, સુવાદાણા વગેરેનો સમાવેશ થાય છે.

- હલકી ગુણવત્તાના મુખવાસથી ગળું ખરાબ થશે

દિવાળીના પર્વમાં મુખવાસની ખપત વધુ રહેતી હોવાથી કેટલાક વેપારીઓ પડતર વરીયાળી-સોપરી વગરેમાં સુગંધી દ્રવ્યો, બિનખાધ રંગો વગરે ઉમેરી તેને સસ્તામાં વેચે છે. જે ખાધા પછી ગળું બળવું, ઉધરસ થવી વગેરે સમસ્યાઓ ઉભી થતી હોય લારીમાંથી સસ્તાનો મોહ રાખ્યા વગર ભરોસાપાત્ર દુકાનોમાંથી મુખવાસ ખરીદવો હિ‌તાવહ છે.