તલગાજરડા ખાતે પૂ.મોરારિબાપુની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વનિષ્ઠા, પારિવારિક, સામાજિક, રાષ્ટ્ર, વૈશ્વિક અને અધ્યાત્મિક નિષ્ઠાનું મહત્વ સમજાવાયું
તલગાજરડાની પાવન ભૂમિ પર આજે પૂ.મોરારિબાપુએ સમગ્ર રાજયના બે લાખ જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે મૂલ્યવાન કામગીરી કરતા અગીયાર પ્રા. શિક્ષક ભાઇ બહેનોને આ વર્ષના ચિત્રકુટ એવોર્ડ ૨૦૧૩થી નવાજયા હતા.
આ પ્રસંગે બાપુએ અધિવેશનમાં ઉપસ્થિત મહુવા તાલુકાના શિક્ષકોની બહોળી ઉપસ્થિતિમાં શિક્ષકોને પોતાના જીવનમાં છ પ્રકારની નિષ્ઠાનુ મહત્વ સમજાવ્યુ હતુ. આ છ નિષ્ઠાઓનુ ચિંતન અને સ્વાધ્યાય શિક્ષકે હંમેશા કરવા જોઇએ શિક્ષકના આ ષડદર્શન છ ઐશ્વર્યમાં સ્વનિષ્ઠા, પારિવારિક નિષ્ઠા, સામાજીક નિષ્ઠા, રાષ્ટ્ર નિષ્ઠા, વૈશ્વિક નિષ્ઠા અને અધ્યાત્મિક નિષ્ઠા બાપુએ વિગતે વર્ણવી હતી. આ શિક્ષકનુ ષડાંગ શાસ્ત્ર છે. એક શિક્ષક હોવાને નાતે હું માનુ છુ કે આ છ નિષ્ઠા ધરાવનાર શિક્ષક સોનાનો શિક્ષક બની શકે છે. જેને કોઇ મ્લાન ન કરી શકે એમ જણાવ્યુ હતુ.
તલગાજરડા ગામની પ્રાથમિક શાળામાં મહુવા તાલુકાના નિવૃત થતા ૧૩ પ્રા. શિક્ષકોને નિવૃતિ સન્માન પણ આપવામાં આવ્યુ હતુ. બાદમાં રાજયભરમાંથી આવેલા ચુનંદા પ્રા.શિક્ષકો સર્વ રમેશભાઇ પટેલ, કમલેશકુમાર કોસમીયા, અંબાલાલ વાઘેલા, દેવયાનીબેન ત્રિવેદી, મનિષકુમાર કણસાગરા, બેચરભાઇ પટેલ, અનિલકુમાર મકવાણા, ભાવનાબેન ચૌધરી, રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ, વિનોદકુમાર ત્રિવેદી, આનંદગીરી ગોંસાઇને બાપુએ રૂપિયા અગીયાર હજારની રાશિ, કાળી કામળી તેમજ પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે પૂ.સીતારામબાપુ જાળિયાએ આશિર્વચન પાઠવ્યા હતા. જયારે તલગાજરડા શાળાની બાલીકાઓએ બજરંગબલીદાદા અને હનુમાન ચાલીસા આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગજેન્દ્રસિંહ વાળા, રતનસિંહ ગોહિલ, ઘનશ્યામભાઇ પટેલ, જીતેન્દ્રભાઇ જોષી, દિલીપસિંહ ગોહિલ, ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, ચંદુલાલ જોષી વગેરેએ પ્રાસંગીક વકતવ્યો આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.