ઝાડ સાથે કાર અથડાતાં ખાંભાના આશાસ્પદ યુવાનનું કરુણ મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પત્ની અને પુત્ર સહિત પાંચને ઇજા : સગાઇના પ્રસંગમાંથી પરત આવતા હતા

અમરેલી ચલાલા રોડ પરદેવરાજીયા નજીક આજે બપોરે નીલગાય આડી ઉતરતા કાર ઝાડ સાથે અથડાઇ પડવાની ર્દુર્ઘટનામાં ખાંભાના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની પત્ની સહીત પાંચને ગંભીર ઇજા પહોંચી હતી. પડોશીના સગાઇના પ્રસંગે તમામ ચિતલ ગયા હતા અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની આ ઘટના અમરેલી ચલાલા રોડ પર આજે બપોરે દેવરાજીયા ગામ પાસે બની હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ અકસ્માતમાં ખાંભાના હરેશ વનમાળીભાઇ લાખાણી નામના યુવકનું મોત થયું હતું. હરેશભાઇના પાડોશમાં સગાઇનો પ્રસંગ હોય તેઓ પત્ની પુત્ર અને પાડોશીઓને લઇ પોતાની કાર લઇ ચિતલ ગયા હતાં. ચિતલમાં સગાઇનો પ્રસંગ પતાવી તેઓ પરત આવતા હતાં ત્યારે અમરેલીથી આગળ દેવરાજીયા ગામ પાસે નીલગાય આડી ઉતરતા હરેશભાઇએ કાર પરનો કાબુ ગુમાવ્યો હતો.

જેના પગલે કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં હરેશભાઇનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના પત્ની અનીતાબેન અને પુત્ર ધૈર્ય સહીત પાંચ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે અમરેલી સીવીલમાં ખસેડાયા હતાં મૃતક યુવાન હરેશભાઇ ખાંભા ગ્રામ પંચાયતના માજી સદસ્ય હતાં. અને સામાજીક કાર્યકર હોવાના નાતે ભારે લોક પ્રિયતા ધરાવતા હતાં. તેઓ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા હતાં.બનાવને પગલે ખાંભા પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.

- ૧૦૮ના સ્ટાફની પ્રમાણિકતા

ઘટના સ્થળે ચલાલાની ૧૦૮ પ્રથમ પહોંચી હતી. અને પાંચ ઘાયલોને અમરેલી સીવીલમાં પહોંચાડ્યા હતાં. પાયલોટ સંજય મુછડીયા અને ઇએમટી રાકેશ કોલડીયાને ઘટના સ્થળેથી ૧૦ હજારની રોકડ બે સોનાના ચેઇન બે વીંટી અને બે મોબાઇલ મળ્યા હતા જે મુળ માલીક શોધી પ્રમાણીકતાથી પરત કર્યા હતાં.