તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં તહેવાર સમયે જ જળ સંકટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દેકારો| મહિ યોજનાનો જથ્થો ઘટાડી દેવાતા માંડ પાંચ દિવસે પાણી વિતરણ
- રાજકીય આગેવાનોને લોકોની સમસ્યા ઉકેલવાનો સમય પણ નથી

અમરેલી: અમરેલી શહેરમાં પાણી સમસ્યા કાયમ માટે ઘર કરી ગઇ છે. હજુ ચોમાસુ પૂર્ણ પણ નથી થયું. ચાલુ ચોમાસામાં વરસાદ પણ ઠીક ઠીક થયો છે. આમ છતાં અમરેલી શહેર હાલમાં ગંભીર જળ સમસ્યા ભોગવી રહ્યુ છે. અમરેલીને મહિ યોજનામાંથી 15 એમએલડી જેટલુ પાણી મળતુ હતું. પરંતુ અચાનક પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીનો જથ્થો ઘટાડી માત્ર 10 એમએલડી કરી દેવાતા હાલમાં શહેરમાં પાંચ દિવસે એક વખત માંડ પાણી મળી રહ્યુ છે. જેને પગલે લોકોમાં દેકારો બોલી ગયો છે. નગરપાલીકા પાસે કોઇ અન્ય સોર્સ ન હોય આ જળ સમસ્યા ઉભી થઇ છે.

મહિ યોજનાના પાણીમાં ઘટાડો થતા જ તહેવારોના દિવસોમાં પણ અમરેલી શહેર જળ સંકટમાં સપડાયુ છે. નગરના લોકોની ફરીયાદ અને વ્યથા રાજ્ય સરકારના કાને અથડાતી નથી. નિંભર અને પેધી ગયેલા રાજકીય આગેવાનોને લોકોની સમસ્યા ઉકેલવાનો ટાઇમ પણ નથી. જેના કારણે દિવાળી જેવા તહેવારોમાં પણ અમરેલીના લોકોને ગંભીર જળ સમસ્યા વેઠવી પડશે તે નક્કી થઇ ચુક્યુ છે. અત્યાર સુધી મહિ યોજના પાઇપ લાઇન મારફત અમરેલી શહેરને 15 એમએલડી જેટલુ પાણી મળતુ હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી પુરા 10 એમએલડી જેટલુ પાણી પણ મળતુ નથી.

અમરેલી જીલ્લામાં ચોમાસામાં ભરપુર વરસાદ થયો છે. પરંતુ અમરેલી શહેરના લોકોની કઠણાઇ એ છે કે અહીંના રાજકીય આગેવાનોએ જળ સમસ્યા ઉકેલવા ક્યારેય રસ દાખવ્યો ન હોય પાલીકા પાસે મહિ યોજના સિવાય અન્ય કોઇ સોર્સ જ બચ્યા નથી. જેના કારણે હાલમાં પાલીકા ક્યાંયથી વધારાનું પાણી મેળવી શકતી નથી અને માત્ર મહિ યોજના પર આધાર રાખવો પડે છે. ચોમાસુ ચાલી રહ્યુ છે ત્યારે અન્ય જુથ યોજનાઓમાં મહિ યોજનાના પાણીની માંગ ઘટી છે. જેને પગલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કેટલીક જુથ યોજનાઓમાં પાણી બંધ કરાયુ છે અને અમરેલીનો જથ્થો પણ ઘટાડવામાં આવ્યો છે. દિવાળી પર પાણી મેળવવા માટે અમરેલીના લોકોને આંદોલન કરવુ પડે તેવી નોબત છે.