માસુમ બાળાની લાજ લૂંટવા પ્રયાસ, પોલીસનાં પેટનું પાણી પણ હલતું નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજુલા પોલીસે પાંચ દિવસ સુધી ફરીયાદ ન લીધી

રાજુલા પોલીસ કદાચ છેડતી કે મહિલાની લાજ લેવાના પ્રયાસની ઘટનાને ખુબ જ હળવાશથી લે છે. આવી કોઇ ઘટના બને તો કદાચ પોલીસને ગુનો નોંધવા જેવું પણ લાગતુ નથી. રાજપરડામાં યુવતીની છેડતીની ફરીયાદ પોલીસે ન લીધા બાદ ડુંગરમાં એક ચાર વર્ષની બાળકીને અવાવરૂ જગ્યાએ લઇ જઇ એક શખ્સે અડપલા કર્યાની ઘટનામાં પણ પોલીસે વારંવાર ધક્કા ખવડાવી છેક પાંચ દિવસે ફરીયાદ લેતા ચકચાર મચી જવા પામી છે.

ત્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે રાજુલા પોલીસ ફરીયાદ નોંધવા માટે દિલ્હીમાં બની હતી તેવી ગંભીર ઘટનાની રાહ જોઇ રહી છે ? રાજુલા પોલીસ મથકની કામગીરી સમગ્ર પોલીસ બેડાને શરમમાં નાખી રહી છે. એક માસુમ બાળકીની આબરૂ લેવાનો પ્રયાસ થાય તેમ છતાં પોલીસ ફરીયાદ લેવામાં પાંચ પાંચ દિવસ સુધી અખાડા કરીને જાતે જ પોતાની આબરૂની ધોવાણ કર્યું છે.

રાજુલા તાલુકાના ડુંગર ગામની ચાર વર્ષની મેમણ શેરીમાં રહેતી એક મુસ્લીમ બાળાને તે જ ગામનો કમરૂદીન ઉર્ફે કાળુ બાબા ગાહા નામનો શખ્સ લલચાવીને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. રાત્રે દસેક વાગ્યાના સુમારે આ શખ્સ બાળાને નેરડામાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેની લાજ લેવા અડપલા શરૂ કર્યા હતાં.

પરંતુ લોકો જોઇ જતા તે બાળકીને પડતી મુકી નાસી ગયો હતો. આ ઘટના ૨૪મી તારીખે રાત્રે બની હતી. ત્યારથી આજદિન સુધી આ બાળકીની માતા તથા પરિવારજનોએ ફરીયાદ નોંધાવવા માટે વારંવાર રાજુલા પોલીસ મથકના ધકકા ખાધા હતાં. આમ છતાં પીઆઇ વ્યાસ દ્વારા કોઇ અકળ કારણે આજદિન સુધી ફરીયાદ લેવાઇ ન હતી.

ત્યારે આજે નીચે રેલો આવતા આખરે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કોઇ શખ્સ દારૂ પી રખડતો હોય ત્યારે રાજુલા પોલીસ બહાદુર બની તેની સામે કાર્યવાહી કરવા દોડે છે પરંતુ આવા ગંભીર ગુનામાં પોલીસ ત્વરીત કાર્યવાહી કરવાના બદલે ખુદ પોતાની આબરૂનું ધોવાણ કરતી હોય તેમ મૌન ધારણ કરી લે છે. આ પ્રકારના ગુનાને સુપ્રીમ કોર્ટે કેટલા ગંભીર ગણ્ર્યા છ સુપ્રીમ કોર્ટે વારંવાર કરેલા સુચનો અને આદેશો પોતાના માટે નથી તેવું રાજુલા પોલીસ માને છે ?